તાલિબાનની વધતી તાકાતથી અફઘાનિસ્તાનમાં સ્થિતિ બદથી બદતર બની રહી છે. અહીંના ચોથા સૌથી મોટા શહેર મઝાર-એ-શરીફના મોટા ભાગના વિસ્તારમાં તાલિબાનીઓના કબજા બાદ ભારત સરકારે પોતાના નાગરિકોને શહેર છોડવાનું કહ્યું છે.
મઝાર-એ-શરીફમાં આવેલી ભારતીય એમ્બેસીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે મંગળવારે સાંજે મઝાર-એ-શરીફથી એક સ્પેશિયલ ફ્લાઈટ દિલ્હી માટે ઉડાન ભરવાની છે. જે પણ ભારતીય નાગરિક શહેરમાં છે, તેઓ ભારત પરત ફરવા માટે આ ફ્લાઈટમાં સવાર થઈ શકે છે. તેના માટે તેઓને વોટ્સએપ પર પોતાની પાસપોર્ટની ડીટેઈલ મોકલવાની રહેશે.
કંધારથી 11 જુલાઈનાં રોજ બોલાવવામાં આવ્યા હતા 11 ડિપ્લોમેટ્સ
ભારત સરકારે મઝાર-એઃશરીફની એમ્બેસીમાં કામ કરતા મોટા ભાગના કર્મચારીઓને પાછા બોલાવી રહ્યાં છે. સાંજે આવનારી આ ફ્લાઈટમાં તેઓને લાવવામાં આવશે. એક મહિનામાં આવું બીજી વખત થઈ રહ્યું છે, જ્યારે અફઘાની એમ્બેસીમાંથી ભારતીય ડિપ્લોમેટ્સને બોલાવવામાં આવી રહ્યાં છે. આ પહેલાં 11 જુલાઈએ કંધાર એમ્બેસીમાંથી ડિપ્લોમેટ્સને બોલાવવામાં આવ્યા હતા. સરકારે તે સમયે જ કહ્યું હતું કે એમ્બેસી બંધ નથી કરવામાં આવી રહી, પરંતુ સ્ટાફને ઘટાડવામાં આવી રહ્યો છે.
ઉઝ્બેકિસ્તાનને મળે છે શહેરની સરહદો
મઝાર-એ-શરીફ અફઘાનિસ્તાનનું ઘણું જ મહત્વપૂર્ણ શહેર છે. અહીંની વસતિ 5 લાખની નજીક છે. આ બલ્ખ પ્રોવિન્સની રાજધાની છે. આ શહેરની સરહદ કુંદુઝ અને કાબુલ ઉપરાંત ઉઝ્બેકિસ્તાનના તરમેઝ શહેરને મળે છે.
કાબુલ પણ સુરક્ષિત નહીં, તાલિબાનના હુમલાઓ યથાવત
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ દેશના બીજા વિસ્તારની તુલનાએ સુરક્ષિત છે, પરંતુ ગત બુધવારે કાબુલમાં તાલિબાનના આત્મઘાતી હુમલાખોરે રક્ષા મંત્રીના ઘરને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં 8 નાગરિકો માર્યા ગયા અને ડઝન જેટલાં લોકો ઘાયલ થયા હતા. આ છેલ્લાં એક વર્ષમાં કાબુલ પર તાલિબાનનો સૌથી મોટો હુમલો હતો.
આ હુમલા પછી તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે ભાસ્કરને મોકલેલા એક લેખિત નિવેદનમાં કહ્યું હતું કે, 'ઈસ્લામી અમીરાતના શહીદ બટાલિયનનો આ હુમલો કાબુલ સરકારના પ્રમુખ લોકો વિરૂદ્ધ તાલિબાનના હુમલાની શરૂઆત છે. અમે આગળ પણ આવા હુમલાઓ કરતા રહીશું.' જેના બીજા દિવસે એટલે કે શુક્રવારે તાલિબાને અફઘાનિસ્તા સરકારના મીડિયા પ્રમુખ દાવા ખાન મેનાપાલની કાબુલમાં હત્યા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.