દક્ષિણ કોરિયામાં શુક્રવારે એશિયાના એરલાઈન્સની ફ્લાઈટમાં હાજર એક મુસાફરે વિમાનનો દરવાજો ખોલ્યો હતો. ફ્લાઇટને લેન્ડ થવામાં માત્ર 2 મિનિટ બાકી હતી ત્યારે જ પેસેન્જરે ઇમર્જન્સી દરવાજો ખોલી નાખ્યો હતો. એ સમયે વિમાન 700 ફૂટની ઉંચાઈ પર હતું. દરવાજો ખોલનાર મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.
CNNના રિપોર્ટ અનુસાર, પ્લેનમાં 6 ક્રૂ-મેમ્બર અને 194 મુસાફર સવાર હતા. આ દરમિયાન 12 મુસાફર ઘાયલ થયા હતા. નજરે જોનારી એક વ્યક્તિએ કહ્યું- અચાનક એવું લાગ્યું કે પ્લેનમાં વિસ્ફોટ થવાનો છે. દરવાજા પાસે બેઠેલા મુસાફરો બેભાન થવા લાગ્યા. કંઈ સમજી શક્યા નહીં. ફ્લાઈટમાં બાળકો પણ હતાં. તેઓ રડી રહ્યાં હતાં. કેટલાક લોકો ભયથી ધ્રૂજી રહ્યા હતા.
ધરપકડ કરાયેલો શખસ કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પૂછપરછ ચાલુ છે
અન્ય એક મુસાફરે કહ્યું- એક વ્યક્તિએ ફ્લાઈટનો દરવાજો ખોલ્યો. તે ફ્લાઈટમાંથી કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે પોલીસે કહ્યું - અમે આ કેસમાં એક મુસાફરની ધરપકડ કરી છે. તેની પૂછપરછ ચાલુ છે. તેણે દારૂ પીધો ન હતો. જોકે તેણે આવું શા માટે કર્યું એનું કારણ જાણી શકાયું નથી.
મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી
એરબસ A321-200ની OZ8124 ફ્લાઇટે જેજુ ટાપુથી ડેગુ શહેર માટે ભારતીય સમય મુજબ, સવારે 9:15 વાગ્યે ઉડાન ભરી હતી. એક કલાક પછી એક પેસેન્જરે દરવાજો ખોલ્યો. આ પછી મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. લેન્ડિંગ બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.
અમેરિકામાં 37,000 ફૂટની ઊંચાઈએથી મહિલાએ ફ્લાઈટ ગેટ ખોલવા લાગી હતી
26 નવેમ્બરના રોજ એક મહિલા હ્યુસ્ટન, ટેક્સાસથી કોલંબસ, ઓહાયો જતી ફ્લાઈટનો દરવાજો ખોલવા લાગી હતી. ઘટના સમયે ફ્લાઈટ 37,000 ફૂટની ઊંચાઈ પર હતી. જ્યારે એક મુસાફરે તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે તે વ્યક્તિની જાંઘ પર બચકું ભરી લીધું હતું. જ્યારે ફ્લાઇટ એટેન્ડન્ટે તેને પૂછ્યું કે તે આવું કેમ કરી રહી છે, ત્યારે મહિલાએ જવાબ આપ્યો કે જીસસે તેને આમ કરવાનું કહ્યું હતું.
મહિલા ગુસ્સામાં હતી
પોલીસે કહ્યું હતું કે અગ્બેગ્નિઓ નામની મહિલા અચાનક તેની સીટ પરથી ઊભી થઈ અને ફ્લાઈટના એક્ઝિટ ડોર તરફ ચાલવા લાગી. આ જોઈને એક અટેન્ડેન્ટે તેને પોતાની સીટ પર પાછાં બેસવા કહ્યું. એ બાદ મહિલાએ તેની પાસે બહાર નીકળવાના દરવાજા પરની બારીમાંથી બહાર ડોકિયું કરવાની પરવાનગી માગી. અટેન્ડેન્ટે તેમ કરવાની ના પાડી, જેનાથી મહિલા ગુસ્સે થઈ ગઈ. તેણે બળપૂર્વક દરવાજાનું હેન્ડલ પકડ્યું અને તેને ખેંચવા લાગી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.