અમેરિકાના કેન્સાસમાં ભયંકર ટોર્નેડો ત્રાટક્યું, જેને ચારેબાજુ વિનાશ વેર્યો. વંટોળનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આ તોફાન કોઈ હોલિવૂડ ફિલ્મની સ્પેશિયલ ઈફેક્ટ હોય તેવું દેખાઈ રહ્યું હતું. આ વીડિયોને અમેરિકાના હવામાન વૈજ્ઞાનિક રીડ ટિમ્મરે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો. આ વાયરલ વીડિયોને 29 લાખ લોકોએ જોયો છે.
15 હજાર લોકો પ્રભાવિત
સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કઈ રીતે આ ચક્રવાતી તોફાને અનેક ઘરોના છાપરાં ઉડાવી દીધા. મીડિયા રિપોર્ટ મુજબ આ તોફાનને કારણે 15 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ વંટોળથી અનેક લોકોના ઘરનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. વિચિટા શહેરના મેયરે પોતાના એક નિવેદનમાં કહ્યું કે કેન્સાસમાં આવેલા વિનાશક વંટોળથી 100 જેટલાં ઘરોને નુકસાન થયું છે.
કોઈ મોત નહીં
તેમને કહ્યું કે સારી વાત એ રહી કે આ વંટોળને કારણે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. સ્થાનિક અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે વંટોળને કારણે અનેક ઈમારતો અને કારને નુકસાન થયું છે. જો કે કોઈ પણ વ્યક્તિના મોતની પુષ્ટિ નથી થઈ. ફાયર ચીફ ચાડ રસેલે સ્થાનિક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે અમારી પાસે કોઈના મોતના સમાચાર નથી.
તેમને કહ્યું કે અમને હજુ સુધી કોઈ એવી સુચના નથી મળી જેમાં જણાવવામાં આવ્યું હોય કે કોઈ પણ વ્યક્તિ કોઈ ક્ષતિગ્રસ્ત ઈમારતમાં ફસાઈ હોય કે પછી કોઈનું મોત નિપજ્યું હોય. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે સ્થિતિની સમીક્ષા હાલ ચાલી રહી છે અને નુકસાનનું સર્વેક્ષણ કરવા માટે વિમાન તેમજ ડ્રોન તહેનાત કરવામાં આવી રહ્યાં છે.
રસ્તાઓ બંધ, લોકોમાં ડર
પોલીસ વિભાગે કહ્યું કે શહેર તરફ જતા રસ્તાને બંધ કરી દેવાયો હતો કે જેથી ઈમરજન્સી ટીમ દ્વારા કાટમાને હટાવવા અને નુકસાનની પુષ્ટિ કરવામાં કોઈ અડચણ ન આવે. સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયોમાં અનેક લોકોની પ્રતિક્રિયાઓ આવી છે. એક યૂઝરે કોમેન્ટ લખતાં કહ્યું કે- હું તો ઘણો ડરી ગયો છું. અન્યએ વાયરલ વીડિયોની કોમેન્ટમાં લખ્યું કે આ પ્રકારનો સીન તો મેં ફક્ત ફિલ્મોમાં જ જોયો છે. હકિકતમાં આ વીડિયો ઘણો જ ડરામણો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.