હિંસાનો દોર:બાંગ્લાદેશમાં હિન્દુ વસતી ચાર દાયકામાં 5 ટકા ઘટી

ઢાકા/નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસાના વિરોધમાં ઢાકામાં દેખાવો કરતા થિયેટર આર્ટિસ્ટ્સ. - Divya Bhaskar
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસાના વિરોધમાં ઢાકામાં દેખાવો કરતા થિયેટર આર્ટિસ્ટ્સ.
  • આવામી લીગના રાજમાં અસલામતીની લાગણી
  • હિન્દુઓ સતત હિજરત કરી રહ્યા છે
  • કટ્ટરવાદીઓ સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા લોકોને ઉશ્કેરે છે
  • કટ્ટરવાદી સંગઠનો સામે કાર્યવાહી નથી થતી

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા, મંદિરોમાં તોડફોડ અને આગચંપીના બનાવ વધી રહ્યા છે. આવા માહોલમાં બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ પર હુમલાનો મુદ્દો પ્રાથમિકતાથી ઉઠાવાયો નથી. તેનું મોટું કારણ એ છે કે છેલ્લા 4 દાયકામાં ત્યાં હિન્દુઓની વસતી 5% ઘટીને 13.5%થી માત્ર 8.5% થઇ ચૂકી છે.

મોટી સંખ્યામાં હિન્દુઓ ભારતમાં સ્થાયી થઇ ગયા છે. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ માટે સૌથી મોટું જોખમ છે રાજકીય રીતે હાંસિયામાં ધકેલાઇ જવું. પરંપરાગત રીતે બાંગ્લાદેશમાં હિન્દુ મતદારો સત્તારૂઢ આવામી લીગના સમર્થક રહ્યા છે.

વડાંપ્રધાન શેખ હસીના પોતાને ધર્મનિરપેક્ષ ગણાવી હિન્દુઓને સુરક્ષા પૂરી પાડવાનું વચન તો આપે છે પણ હુમલા અસરકારક રીતે રોકી શકતાં નથી. વિરોધાભાસ તો જુઓ કે આવામી લીગ 2009થી સત્તા પર છે પરંતુ હુમલા સતત થઇ રહ્યા છે. બાંગ્લાદેશી લઘુમતીઓના સંગઠન બીએચબીસીયુસીના રાણા દાસગુપ્તાનું કહેવું છે કે હિજરતને કારણે હિન્દુઓની વસતી સતત ઘટી રહી છે.

સુરક્ષા આપવાનાં વચનો માત્ર વાતો બની રહ્યાં
ડાબેરી ઝોકવાળા પક્ષ ગણસમિતિ આંદોલનના જુનેદ સાકીનું કહેવું છે કે સત્તારૂઢ આવામી લીગ લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓને સુરક્ષા આપવાની બસ વાતો કરે છે. વાસ્તવમાં આ સુરક્ષા ક્યાંય નથી દેખાતી. આ વચનો માત્ર વાતો સાબિત થયાં છે. હિન્દુઓ પર હુમલા એક ચોક્કસ પેટર્નથી થાય છે. સોશિયલ મીડિયા પર કોઇ કન્ટેન્ટ પોસ્ટ કરાય છે અને તેને ઇસ્લામવિરોધી ગણાવાય છે. પછી કટ્ટરવાદી સંગઠનો હિન્દુઓ પર હુમલાનું ફરમાન જારી કરે છે અને તે પછી હુમલા શરૂ થઇ જાય છે. બીજી તરફ સરકારના પક્ષેથી માત્ર બયાનબાજી થતી રહે છે. લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ પણ હવે આ વાત સમજી ચૂક્યા છે પણ રાજકીય રીતે હાંસિયામાં ધકેલાઇ ચૂક્યા હોવાના કારણે કંઇ કરી શકતા નથી.

કેસ થવા છતાં કોઇ કાર્યવાહી નથી કરાતી
દાસગુપ્તાનું કહેવું છે કે અગાઉની સરકારોમાં હિન્દુઓ પર હુમલા બાદ કેસ દાખલ જ નહોતા થઇ શકતા. હવે આવામી લીગની સરકાર બાદ કેસ તો દાખલ થાય છે પણ દોષિતો સામે કાર્યવાહી નથી થતી. લઘુમતીઓ સાથે સંકળાયેલા સંગઠન એએસકેનાં નીના ગોસ્વામીનું કહેવું છે કે મોટા ભાગે પ્રભાવશાળી લોકો કેસ જ દાખલ નથી થવા દેતા અને દાખલ થાય તો કાર્યવાહી નથી થતી.

ભાજપ સરકાર ચૂપ કેમ છે?: સ્વામી
ભાજપના નેતા, રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાની ઘટનાઓ મુદ્દે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપના વડપણ હેઠળની સરકાર ચૂપ કેમ છે? શું સરકાર બાંગ્લાદેશથી ડરે છે? સ્વામીએ ટિ્વટ કરી કે લદાખમાં ચીની ઘૂસણખોરી, તાલિબાન સાથે મંત્રણાના પ્રયાસો બાદ શું હવે આપણે બાંગ્લાદેશ અને માલદીવથી પણ ડરી ગયા છીએ? સરકારે અવાજ ઊઠાવવો જોઇએ.