• Gujarati News
  • International
  • The Highest Number Of Cases Was Found In China After Three Months, With Record breaking Deaths In Russia

ફરી કોરોનાનો ડર:ચીનમાં ત્રણ મહિના પછી સૌથી વધુ કેસ મળ્યા, રશિયામાં રેકોર્ડબ્રેક મૃત્યુ

બેજિંગ/ન્યૂયોર્ક/લંડનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એશિયાથી લઈને યુરોપ સુધી સંક્રમણ વધ્યું, બેજિંગમાં એલર્ટ

દુનિયામાં કોરોનાથી અત્યાર સુધી 24.84 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે 50.3 લાખથી વધુના મોત થઈ ચૂક્યાં છે. એશિયાથી લઈને યુરોપ સુધી અનેક દેશોમાં કોરોનાએ ફરી માથું ઊંચકતા ડરનો માહોલ સર્જાયો છે. 76% વસતીનું સંપૂર્ણ રસીકરણનો દાવો કરનારા ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

ચીનની રાજધાની બેજિંગમાં કોરોનાના કેસ અચાનક વધ્યા છે. ચીનના આરોગ્ય વિભાગે કહ્યું છે કે હાલ આશરે 93 નવા કેસ નોંધાયા છે, જે 9 ઓગસ્ટ પછી સૌથી વધુ છે. જે લોકો પ્રવાસ કરીને બેજિંગ પરત ફર્યા છે, તેમણે સ્થાનિક સમાજ, હોટલ અને કંપનીને આ અંગે માહિતી આપીને ક્વોરેન્ટાઈન થવાનું છે. રશિયામાં એક સપ્તાહનું લૉકડાઉન ચાલુ છે. આમ છતાં, અહીં કેસ ઘટતા નથી. આ સાથે જ 1,189 લોકોનાં મોત થયાં છે, જે એક રેકોર્ડ છે. યુ.કે.માં 24 કલાકમાં 293 લોકોનાં મોત થયાં છે, જે ફેબ્રુઆરી પછી સૌથી વધુ છે. પોલેન્ડમાં એક સપ્તાહમાં કોરોના કેસ 24% વધ્યા. 24 જ કલાકમાં 10,400 કેસ નોંધાયા, જે એક દિવસ પહેલાં 7 હજાર આસપાસ હતા. દ. કોરિયામાં એક દિવસમાં 40% કેસ વધ્યા છે. અહીં 24 કલાકમાં 2,667 નવા કેસ આવ્યા છે, જે સોમવારથી 1000 વધુ છે.

ચેતવણી: કોરોના ખતમ થવાની માનસિકતા ના રાખો, માસ્ક પહેરવાનું ના ભૂલો

  • બ્રિટનના આરોગ્ય અધિકારી પ્રો. જોનાથન વૈન ટેમે ચેતવણી આપતા કહ્યું છે કે મહામારી હજુ ખતમ નથી થઈ. આગામી થોડા મહિના કપરા બની શકે છે. લોકોએ હજુ સાવધ રહેવાનું છે અને કોરોના પ્રોટોકોલનું પાલન પણ કરવાનું છે.
  • જર્મનીના આરોગ્યમંત્રી જેન્સ પેને કહ્યું છે કે એવું લાગે છે કે હવે રસી ન લેનારાના કારણે સંક્રમણ વધી રહ્યું છે. જે રસી લેવા નથી ઈચ્છતા, તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ.
  • યુક્રેનના આરોગ્યમંત્રીએ કહ્યું છે કે રસીકરણનો વિરોધ કરનારાએ સમજવું જોઈએ કે આઈસીયુમાં જશો ત્યારે રસીકરણના વિરોધ વિશે વિચારવાનું પણ ભૂલી જશો. યુક્રેનમાં સરકારી કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે, 8 નવેમ્બર સુધી રસી લઈ લો, નહીં તો પગાર નહીં મળે.

તૈયારી: નેધરલેન્ડમાં કડકાઈ, હોંગકોંગમાં બુસ્ટર ડોઝ
નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટે કહ્યું છે કે હવે જાહેર સ્થળોએ માસ્ક સહિતના કોરોના પ્રોટોકોલ ફરજિયાત કરાશે. મ્યુઝિયમો, રેસ્ટોરન્ટ વગેરે સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ફરી લાગુ થશે. આ સિવાય સપ્તાહમાં અડધા દિવસ લોકોએ વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે.

કોરોનાથી મોત 50 લાખને પાર, સાચો આંકડો 1.7 કરોડથી વધુ
દુનિયામાં સત્તાવાર રીતે કોરોનાથી 1 નવેમ્બર સુધી 50 લાખથી વધુનાં મોત થયાં છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આ આંકડો સાચો નથી. હકીકતમાં કોરોનાકાળમાં દુનિયાભરમાં અનેકગણા વધુ લોકો મર્યા છે. ઈકોનોમિસ્ટના નિષ્ણાતોના મતે કોરોનામાં આશરે 1.7 કરોડનાં મોત થયાં છે. 50 લાખ મોત તો 1 ડિસેમ્બર સુધી થઈ ગયાં હતાં, જ્યારે આ 1 નવેમ્બર સુધી મોતનો આંકડો 1.03 કરોડથી 1.95 કરોડ વચ્ચે હોઈ શકે છે.


અન્ય સમાચારો પણ છે...