મહામારીનો માર:અમેરિકામાં કોરોનાથી સૌથી વધુ મોત 55 વર્ષથી ઓછી વયના લોકોના

વોશિંગ્ટન14 દિવસ પહેલા
  • વિશ્વમાં 48 લાખ મોત, 7 લાખ માત્ર અમેરિકામાં

અમેરિકામાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. મહામારીથી અત્યાર સુધીમાં 7.18 લાખથી વધુ મોત થઇ ચૂક્યાં છે. વિશ્વભરમાં વેક્સિનની સૌથી વધુ ઉપલબ્ધતાવાળા દેશમાં કોરોનાથી મોતના પ્રમાણે મોટું પ્રશ્નાર્થ ચિહન લગાવી દીધું છે.

કોરોનાથી મોતને ભેટેલા મોટા ભાગના લોકો 55 વર્ષથી ઓછી ઉંમરના છે. છેલ્લા અઢી મહિના દરમિયાન જ અમેરિકામાં 1 લાખ લોકોનાં મોત થઇ ગયાં જ્યારે અમેરિકાએ તાજેતરમાં જ 65 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ આપવા મંજૂરી આપી છે.

અમેરિકામાં છેલ્લા કેટલાક મહિના દરમિયાન ડેલ્ટા વેરિયન્ટને કારણે મોતનું પ્રમાણ વધ્યું. યુનિવર્સિટી ઑફ મિશિગનના હાવર્ડ મર્કેલના જણાવ્યાનુસાર ડેલ્ટા વેરિયન્ટ રસી ન લેનારા લોકો પર રીતસર તૂટી પડ્યો છે. આંકડા દર્શાવે છે કે કોરોનાથી મોતને ભેટેલા મોટા ભાગના લોકોએ રસી નહોતી લીધી.

નવી ઓરલ દવા: મોતનું જોખમ 50% ઘટાડશે મોલનુપિરાવિર
મર્ક એન્ડ કંપનીની ઓરલ દવા મોલનુપિરાવિર ગંભીર દર્દીઓના મોત કે હોસ્પિટલાઇઝેશનની જરૂરિયાત 50% ઘટાડી શકે છે. કંપનીનો દાવો છે કે વચગાળાના પરીક્ષણમાં આ દવાના ખૂબ સારાં પરિણામ મળ્યાં છે. મર્ક પાર્ટનર કંપની રિજબેક બાયોથેરેપ્યૂટિક્સ સાથે અમેરિકામાં આ દવાના ઇમરજન્સી યુઝના રાઇટ્સ જલદી મેળવવા પ્રયાસ કરશે. દવાનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ બહારના તપાસકર્તાઓની દેખરેખ હેઠળ થશે. કંપની વર્ષના અંત સુધીમાં એક કરોડ ડોઝ તૈયાર કરશે.

દર એક લાખ મૃતકોમાંથી 3 હજારે રસી લીધી હતી
હેલ્થ એજન્સી સીડીસીના જણાવ્યા મુજબ જૂન બાદ મોતને ભેટેલા દર એક લાખ લોકોમાંથી લગભગ 3 હજાર લોકો એવા હતા કે જેમણે રસી લીધી હતી. સીડીસીના રિપોર્ટ મુજબ અમેરિકાના દક્ષિણના રાજ્યોમાં કોરોનાથી વધુ મોત થઇ રહ્યાં છે.

રોજ બે હજાર લોકોનાં મોત
અમેરિકામાં સપ્ટેમ્બરના અંતથી રોજ સરેરાશ બે હજાર લોકોનાં મોત થઇ રહ્યાં છે. 19 જાન્યુઆરી, 2021થી 22 ફેબ્રુઆરી, 2021 સુધીના 34 દિવસમાં અમેરિકામાં કોરોનાથી એક લાખ લોકોના મોત થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...