પાકિસ્તાનમાં ફરી એકવાર કટ્ટરપંથીઓએ મંદિરને નિશાન બનાવ્યું છે. હાલમાં જ સામે આવેલી ઘટના પંજાબના ભોંગ શહેરની છે. અહીં ધોળા દિવસે કટ્ટરપંથીઓએ સ્થાનિક ગણેશ મંદિરને નિશાન બનાવ્યું હતું. મંદિરમાં તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાકિસ્તાનના લઘુમતીઓને કેવી રીતે કચડી નાખવામાં આવી રહ્યા છે, તેમની ધાર્મિક સ્વતંત્રતાના લીરેલીરા ઉડાડવામાં આવી રહ્યા છે.
મૂર્તિઓને કરી ખંડિત
કટ્ટરપંથીઓએ મંદિરમાં ભારે તોડફોડ કરી હતી. તેઓ મૂર્તિઓને પણ ખંડિત કરતાં અચકાતા ન હતા. ઝુમ્મર અને કાચની ચીજોને તોડી નાખી હતી. મંદિર પર કરવામાં આવેલા આ હુમલા બાદ સ્થાનિક હિન્દુઓમાં ભારે રોષ છે. આ હોવા છતાં સ્થાનિક વહીવટીતંત્ર આ બાબતને ભીનું સંકેલવામાં વ્યસ્ત છે. હજી સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જ્યારે વીડિયોમાં તમામ હુમલાખોરોના ચહેરા સ્પષ્ટ નજરે પડી રહ્યા છે.
PTIએ પણ હુમલાની નિંદા કરી
ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના નેતા અને હિન્દુ પંચાયતના સંરક્ષક જય કુમારા ધીરાનીએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે ટ્વીટ કરી કહ્યું હતું કે 'જિલ્લાના ભોંગ શરીફમાં મંદિર પર કરવામાં આવેલા આ હુમલાની આકરી નિંદા કરું છું. આ હુમલો પાકિસ્તાન વિરુદ્ધ કાવતરું છે. હું અધિકારીઓને આરોપીઓને જેલમાં ધકેલી દેવા માટે વિનંતી કરું છું'
લઘુમતીઓ પર વધી રહ્યા હુમલા
પાકિસ્તાનમાં હાલના દિવસોમાં કટ્ટરપંથીઓએ હુમલા વધારી દીધા છે. ખાસ કરીને કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન હિન્દુ યુવતીઓના અપહરણની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. યુવતીઓનું અપહરણ કરીને કટ્ટરપંથીઓ યુવતીથી બેગણીથી વધુની વયના મુસલમાન સાથે જબરદસ્તીથી લગ્ન કરવી દે છે. જો યુવતીઓ આ માટે ના પડે તો તેને મારી નાખવાની પણ ધમકીઓ આપવામાં આવે છે.
1947માં પાકિસ્તાનમાં હતાં 428 મોટાં મંદિર
ઓલ પાકિસ્તાન હિન્દુ રાઇટ્સ મૂવમેન્ટના એક સર્વે મુજબ ભાગલા સમયે પાકિસ્તાનમાં 428 મોટાં મંદિરો હતાં. ધીમે ધીમે તેની સંખ્યા ઓછી થતી ગઈ. મંદિરોની જમીનો પર કબજો કરી લેવામાં આવ્યો. દુકાનો, રેસ્ટોરાં, હોટલ્સ, ઓફિસો, સરકારી શાળાઓ કે મદરેસા ખોલી દેવામાં આવ્યાં. આજે સ્થિતિ એવી છે કે અહીં હવે માત્ર 20 મોટાં મંદિર જ બચ્યાં છે.
3 ટકા કરતાં પણ ઓછા બચ્યા છે હિન્દુ
ભાગલા સમયે પાકિસ્તાનમાં હિન્દુઓની જનસખ્ય લગભગ 15 ટકા જેટલી હતી. સરકારની દમનકારી નીતિઓ અને કટ્ટરપંથીઓના હુમલાના કારણે અહીં આંકડો સતત ઘટતો ગયો હતો. બળજબરી ધર્મપરિવર્તન એનું સૌથી મોટું કારણ રહ્યું છે. જે હિન્દુઓ બચ્યા છે તેમણે પણ સતત કટ્ટરપંથીઓના હુમલાનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સ્થિતિ એવી છે કે અહીં 3 ટકા કરતાં પણ ઓછી હિન્દુની જનસંખ્યા બચી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.