અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પોતાના પુસ્તકમાં ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વિશે વિવાદાસ્પદ વાતો લખી છે. તેમણે લખ્યું કે સુષ્મા સ્વરાજ ભારતીય વિદેશ નીતિ ટીમના મહત્વના સભ્ય નહોતા. પોમ્પિયોએ પુસ્તકમાં સુષમા માટે ગૂફબોલ (ઓછા બુદ્ધિશાળી) જેવા અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે.
આ મામલે ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર પોમ્પિયો પર આલોચના કરી ચૂક્યા છે, પરંતુ હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ ડિપ્લોમેટ અબ્દુલ બાસિતે પણ પોમ્પિયોની આકરી ટીકા કરી છે. અબ્દુલ બાસિતે કહ્યું છે કે પોમ્પિયોએ પોતાનું પુસ્તક વેચવા માટે સુષમા સ્વરાજ વિશે આવી વાતો લખી છે.
પોમ્પિયોની વાતો હકીકતથી ઘણી દૂર
ભારતમાં પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું- પોમ્પિયોના પુસ્તકમાં લખેલી વાતો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. લેખક ઇચ્છે છે કે તેનું પુસ્તક વેચાય, તેથી આ પ્રકારના લોકો જૂઠનો આશરો લે છે. પોમ્પિયોના પુસ્તકમાં લખેલી બાબતો વાસ્તવિકતાથી ઘણી દૂર છે.
પરમાણુ યુદ્ધની નજીક હોવાની વાત પણ નકારી
માઈક પોમ્પિયોએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે 2019માં બાલાકોટમાં ભારતની એરસ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન પરમાણુ યુદ્ધની નજીક આવી ગયા હતા. પુસ્તક અનુસાર આ માહિતી પોમ્પિયોને સુષ્મા સ્વરાજે આપી હતી. અબ્દુલ બાસિતે આ પણ પોમ્પિયોની મનઘડત કહાની ગણાવતા કહ્યું- મને ખ્યાલ છે કે પાકિસ્તાને તે સમયે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની ધમકી આપી ન હતી.
પોમ્પીએ પોતાનું સ્ટેટસ બતાવ્યું
બાસિતે વધુમાં કહ્યું- પોમ્પિયોએ સુષમા સ્વરાજ વિશે આવી વાતો લખીને પોતાનું સ્ટેટસ બતાવ્યું છે. પોમ્પિયોએ સુષ્મા માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે યોગ્ય નથી. પોમ્પિયો મોટા પદ પર રહી ચૂક્યા છે. તેમનો કોઈ દિવંગત માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી.
બાસિતે કહ્યું- જયશંકરે આકરો જવાબ આપ્યો
બાસિતે પોમ્પિયોને યોગ્ય જવાબ આપવા માટે એસ.જયશંકરની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જયશંકરે પોમ્પિયોને યોગ્ય જવાબ આપ્યો છે અને આપવો જોઈતો હતો. અબ્દુલ બાસિતે સુષમા સ્વરાજને સ્પષ્ટવક્તા અને જબરદસ્ત નેતા ગણાવ્યા.
જયશંકરે પણ આકરી ટીકા કરી
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે પોમ્પિયોની ટિપ્પણીને અપમાનજનક ગણાવી હતી. તેમણે કહ્યું- મેં હંમેશા સુષ્મા સ્વરાજનું સન્માન કર્યું છે. મારી તેમની સાથે ખૂબ જ સારા સંબંધ હતા. સુષ્મા સ્વરાજ પર માઈક પોમ્પિયોની ટિપ્પણીની હું સખત નિંદા કરું છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.