• Gujarati News
  • International
  • The Epidemic Has Brought Back Its Most Skilled People To Southern Italy, Notorious For Poverty crime, Opening New Economic Doors

ઇટાલીમાં ‘સાઉથ વર્કિંગ’ ટ્રેન્ડમાં:મહામારીએ ગરીબી-ગુનાખોરી માટે કુખ્યાત દક્ષિણ ઇટાલીને તેના સૌથી કુશળ લોકો પાછા અપાવ્યા, જેનાથી નવા આર્થિક દ્વાર ખુલી રહ્યા છે

મિલાન19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં 45 હજાર યુવાનો ઉત્તરમાંથી દક્ષિણમાં પાછા ફર્યા

28 વર્ષની ઇટાલિયન રિસર્ચર ઇલેના મિલિટેલો યુરોપના સૌથી નાના દેશ લક્ઝમબર્ગમાં કામ કરતી હતી. તેણે 17 વર્ષની ઉંમરે દક્ષિણ ઇટાલી સ્થિત તેનું પલેર્મો શહેર છોડી દીધું હતું અને પછી ક્યારેય પરત નહોતી ફરી પણ કોવિડ યુરોપમાં પહોંચતાં ઇલેના કાર લઇને ઘરે પહોંચી. થોડા દિવસ રોકાયા બાદ નક્કી કર્યું કે હવે તે ત્યાં જ માતા-પિતા સાથે રહેશે.

ઇલેના જણાવે છે કે, ‘અહીં આવ્યા પછી લાગ્યું કે મારે કાયમ માટે અહીં જ સ્થાયી થઇ જવું જોઇએ.’ આવું અનુભવનારી ઇલેના એકલી નથી. અત્યાર સુધીમાં 45 હજાર લોકો ઉત્તર ઇટાલી અને યુરોપથી દક્ષિણ ઇટાલીમાં પોતાના શહેર કે ગામમાં આવી ચૂક્યા છે. તેમાંથી મોટાભાગના 25થી 40 વર્ષના છે અને ઉચ્ચ શિક્ષિત છે. કંપનીઓએ કર્મચારીઓને અંતરિયાળ વિસ્તારોમાંથી કામ કરવાની મંજૂરી આપી હોવાથી આવું શક્ય બની શક્યું.

આ નવો ટ્રેન્ડ ગરીબી, સંગઠિત ગુનાખોરી અને ઇટાલિયન માફિયા માટે કુખ્યાત દક્ષિણ ઇટાલી માટે નવા આર્થિક દ્વાર ખોલી રહ્યો છે. ઉત્તર ઇટાલીની સરખામણીમાં અહીં બેરોજગારી ત્રણ ગણી છે. રોમની સિવિમેજ રિસર્ચ ઇન્સ્ટિ.નાં ડાયરેક્ટર, અર્થશાસ્ત્રી લુકા બિયાનચી જણાવે છે કે દક્ષિણ ઇટાલી આકર્ષક છે અને અન્ય ભાગોની સરખામણીમાં સૌથી સસ્તું છે. મોટી સંખ્યામાં સ્કિલ્ડ પ્રોફેશનલ્સ આવતાં આ ક્ષેત્રમાં રોકાણના માર્ગ ખુલશે.

તદુપરાંત, આ ટ્રેન્ડે લોકોને મોટા શહેરો છોડીને દક્ષિણના પર્યટન ક્ષેત્રોમાં જવા માટે પણ પ્રેરિત કર્યા, જ્યાં જીવનની ગતિ ધીમી છે. દા.ત. માર્ટા અને ગિઉલિયા મિલાન છોડીને પલેર્મોમાં વસી ગયા છે. તેઓ નોકરી કરવા સાથે બીચ પર સમય વીતાવે છે. બંને તેમની દિનચર્યા સોશિયલ મીડિયા અને બ્લોગ પર શૅર કરે છે. તેઓ જણાવે છે કે આ શહેરે ઘણું બધું આપ્યું: સુંદરતા, આઝાદી અને ઊર્જા.

મહામારીએ પ્રાથમિકતાઓ સેટ કરી, ઘણા લોકો પરિવાર સાથે જ રહેવા માગે છે
ઇલેનાએ સાઉથ વર્કિંગ એનજીઓ શરૂ કરી છે, જેનો હેતુ રિમોટ વર્કિંગની હિમાયત કરવાનો અને દક્ષિણમાં આવતા યુવાઓને મદદ કરવાનો છે. આ એનજીઓ નવી ઓફિસ બંધાવી રહી છે, જેથી બહારથી આવતા લોકો કામ કરી શકે. ઇલેના કહે છે કે મહામારીએ જીવનની પ્રાથમિકતાઓ સેટ કરી દીધી છે. ઘણા લોકો પરિવાર સાથે જીવવાનો આનંદ માણવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...