અમેરિકી એરફોર્સના ટોચના જનરલે ચીનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે તાઈવાન પર સંઘર્ષની શક્યતા અંગેની ચેતવણી જાહેર કરી છે. તેમણે કહ્યું કે 2025માં અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધની શક્યતા વધી રહી છે. યુએસ એર મોબિલિટી કમાન્ડના વડા જનરલ માઇક મિન્હાને જણાવ્યું હતું કે બે સૈન્ય શક્તિઓ વચ્ચે યુદ્ધ થવાથી સ્થિતિ ગંભીર બની જશે. તેવામાં અત્યારથી જ યુદ્ધની તૈયારી શરૂ કરી દેવી જોઈએ.
ચીન અને અમેરિકા વચ્ચે બે વર્ષ પછી ભીષણ યુદ્ધ થઈ શકે છે. યુએસ એરફોર્સના એક ટોચના જનરલે આ અંગે મોટો દાવો કર્યો છે અને વરિષ્ઠ અધિકારીઓને મેમો મોકલ્યો છે. તેમના આ દાવાથી ચર્ચાએ જોર પકડ્યું છે. ઉચ્ચ અધિકારીએ મેમોમાં કહ્યું કે 2025માં અમેરિકા અને ચીન વચ્ચે ભયાનક યુદ્ધ થઈ શકે છે અને આની સંભાવના પણ વધતી જાય છે. તેમણે સેનાના અધિકારીઓને યુદ્ધની તૈયારી શરૂ કરવા જણાવ્યું. તો બીજી તરફ અમેરિકન અધિકારીના આ નિવેદનથી વિશ્વમાં ખળભળાટ મચ્યો છે.
US એરફોર્સના જનરલે અધિકારીએ મેમો મોકલ્યો
અમેરિકા એરફોર્સ જનરલે શુક્રવારે આ મેમો તેમના અધિકારીઓને મોકલ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા બે વર્ષમાં ચીન સાથે યુદ્ધ કરશે અને તેમને લક્ષ્ય માટે તૈયારી કરવા જણાવાયું છે. એનબીસી ન્યૂઝની રિપોર્ટ અનુસાર એર મોબિલિટી કમાન્ડના વડા જનરલ માઈક મિન્હાને કહ્યું- હું અપેક્ષા રાખું છું કે જે વિચારી રહ્યો છું તે ખોટું સાબિત થાય. મારી આત્મા કહે છે કે હું 2025માં યુદ્ધના મેદાનમાં લડીશ. તમને જણાવી દઈએ કે એર મોબોલિટી કમાન્ડમાં લગભગ 50 હજાર સર્વિસ મેમ્બર્સ અને 500 જેટલાં વિમાન છે. અમેરિકામાં એર મોબિલિટી કમાન્ડ પરિવહન અને ઈંધણ ભરનાર એરક્રાફ્ટની જાળવણી અને સુરક્ષા માટે જવાબદાર છે.
2024માં ચૂંટણીનો ફાયદો ઉઠાવશે ડ્રેગન
મિન્હાને મેમોમાં વધુમાં જણાવ્યું હતું કે 2024માં તાઇવાન અને અમેરિકા બંને દેશોમાં રાષ્ટ્રપતિની ચૂંટણી હોવાથી અમેરિકા વિચલિત થશે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને તાઈવાન પર આગળ વધવાની તક મળશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આકાંક્ષાઓને ટાંકીને જનરલ માઈકે સંભવિત યુદ્ધની આગાહી કરી તૈયારી કરવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જિનપિંગે તેમનો ત્રીજો કાર્યકાળ (કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી ) તરીકે હાંસલ કર્યો અને ઓક્ટોબર 2022માં પોતાની યુદ્ધ પરિષદની સ્થાપના કરી છે.
2025માં યુદ્ધની સંભાવના વધી જશે
2024માં તાઇવાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે, જે જિનપિંગને એક તક આપવા માટે કામ કરશે. મિન્હાને કહ્યું કે અમેરિકામાં પણ 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી છે. અહીં ચૂંટણીના માહોલમાં ગરમાવો રહેશે. આવી સ્થિતિમાં ચીન પોતાની રણનીતિને અમલમાં મૂકવાની તકનો પૂરો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. જેથી 2025માં ચીન અને અમેરિકા વચ્ચે યુદ્ધની શક્યતા વધી શકે છે.
નેન્સી પેલોસીના પ્રવાસથી તણાવ વધી ગયો હતો
તમને જણાવી દઈએ કે તાઈવાનને લઈ વિશ્વની સૌથી મોટી બે અર્થવ્યવસ્થા અમેરિકા અને ચીન સામ-સામે છે. ચીનની ધમકી છતાં અમેરિકી હાઉસ સ્પીકર નેન્સી પેલોસી ઓગસ્ટ 2022માં તાઈવાન પહોંચ્યા હતા. પેલોસીની તાઈવાનની મુલાકાતને લઈ ચીને વાંધો ઉઠાવ્યો હતો. ચીને પેલોસીને તાઈવાન ન જવાની સૂચના આપી હતી. ચીને કહ્યું કે જો અમેરિકા આવું કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
જિનપિંગે ફોન પર બાઈડનને આપી હતી ધમકી
નેન્સી પેલોસીની મુલાકાત પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે ફોન પર વાત કરી હતી. ફોન પર જિનપિંગે બાઈડનને કહ્યું કે અમેરિકાએ 'વન-ચીન સિદ્ધાંત'નું પાલન કરવું જોઈએ. સાથે જ ધમકી આપતા કહ્યું હતું કે 'જે લોકો આગ સાથે રમે છે, તેઓ પોતે જ બળી જાય છે. તેના જવાબમાં બાઈડને કહ્યું હતું કે અમેરિકાએ તાઈવાન અંગેની તેની નીતિમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તાઈવાનમાં શાંતિ અને સ્થિરતાને બગાડવાનો એકપક્ષીય પ્રયાસનો સખત વિરોધ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.