તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિન પર મોટો સમાચાર:12થી 17 વર્ષની વયનાં બાળકો માટે મોડર્નાને યુરોપમાં મંજૂરી મળી; ફાઇઝર બાદ મંજૂરી મેળવનારી બીજી વેક્સિન

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • સ્પાઇકવેક્સની ટ્રાયલ કરવામાં આવી હતી તે દરેક બાળકના શરીરમાં સારીએવી માત્રામાં એન્ટિબોડી બની
  • ફાઇઝરે પણ 12 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પર તેની વેક્સિનની ટ્રાયલ શરૂ કરી દીધી છે

વિશ્વમાં ફરી એકવાર કોરોના કેસ વધવા માંડ્યા છે. આવી સ્થિતિમાં મોટા ભાગના દેશો યુદ્ધના ધોરણે વેક્સિનેશનમાં રોકાયેલા છે. હાલમાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં બાળકો પર હજી પણ વાઇરસનું જોખમ તોળાઈ રહ્યું છે. હવે આ મામલે એક સારા સમાચાર સામે આવ્યા છે. યુરોપિયન યુનિયનની ટોચની તબીબી સંસ્થાએ 12-17 વર્ષની વયનાં બાળકો માટે મોડર્નાની કોરોના વેક્સિનને મંજૂરી આપી છે. આ પહેલાં યુરોપિયન મેડિસિન એજન્સી (EMA)એ મે મહિનાની શરૂઆતમાં આ વય જૂથ માટે ફાઇઝરને મંજૂરી આપી હતી.

વેક્સિનનું નામ- સ્પાઇકવેક્સ
EMAએ કહ્યું હતું કે 12થી 17 વર્ષની વયનાં બાળકો માટે સ્પાઇકવેક્સ વેક્સિનનો ઉપયોગ 18 વર્ષ અને તેથી વધુ વયના લોકોની જેમ જ કરવામાં આવશે. વેક્સિનના બે ડોઝ આપવામાં આવશે. તેમની વચ્ચે ફક્ત 4 અઠવાડિયાંનું અંતર રાખવામાં આવશે.

3,732 બાળકો પર ટ્રાયલ
EMA અનુસાર, 12-17 વર્ષની વયનાં 3,732 બાળકો પર સ્પાઇકવેક્સની ટ્રાયલ કરવામાં આવી હતી. એનાં પરિણામો સકારાત્મક રહ્યાં. આ દરમિયાન જાણવા મળ્યું કે દરેકના શરીરમાં એન્ટિબોડી સારી એવી માત્રામાં બની છે. એટલી જ એન્ટિબોડી 18થી 25 વર્ષની વયના લોકોમાં પણ જોવા મળી હતી.

યુરોપિયન મેડિસિન એજન્સી (EMA)એ 12-17 વર્ષની વયનાં બાળકો માટે મોડર્નાની કોરોના વેક્સિનને મંજૂરી આપી છે.
યુરોપિયન મેડિસિન એજન્સી (EMA)એ 12-17 વર્ષની વયનાં બાળકો માટે મોડર્નાની કોરોના વેક્સિનને મંજૂરી આપી છે.

12 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પર ટ્રાયલ ચાલુ
જ્યારે ફાઈઝરે 12 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પર પણ તેની વેક્સિનની ટ્રાયલ શરૂ કરી દીધી છે. અભ્યાસના પ્રથમ તબક્કામાં ઓછી સંખ્યામાં નાનાં બાળકોને વેક્સિનના અલગ-અલગ ડોઝ આપવામાં આવશે. આ માટે ફાઈઝરે વિશ્વના ચાર દેશોમાં 4,500થી વધુ બાળકોની પસંદગી કરી છે.

ઘણી કંપનીઓ બાળકો પર વેક્સિનની ટ્રાયલ કરી રહી છે
આ વર્ષે મે મહિનામાં એસ્ટ્રાજેનેકાએ 6થી 17 વર્ષની વયનાં બાળકો પર બ્રિટનમાં એક અભ્યાસ શરૂ કર્યો હતો. જ્યારે જોનસન એન્ડ જોનસને (J&J) પણ અભ્યાસ શરૂ કર્યો છે. ચીનની સિનોવેકે 3 વર્ષ સુધીનાં બાળકો પર પોતાની વેક્સિનને અસરકારક ગણાવી છે.

અન્ય સમાચારો પણ છે...