બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં એક રૂંવાડાં ઊભાં કરનારી ઘટના ઘટી છે. અહીં મેટ્રો સ્ટેશન પર એક માથા ફરેલી વ્યક્તિએ એક મહિલાને પ્લેટફોર્મ પરથી ધક્કો મારી દીધો. આ મહિલા ટ્રેનના ટ્રેક પર પડી હતી. જોકે મેટ્રો ટ્રેનના સતર્ક ડ્રાઈવરે યોગ્ય સમયે બ્રેક મારી દેતાં મહિલાનો જીવ બચ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર લગાડવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયા છે.
રોઝિયર મેટ્રો સ્ટેશનની છે આ ઘટના
ઘટના રોઝિયર મેટ્રો સ્ટેશનની છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક વારંવાર આમથી તેમ પ્લેટફોર્મ પર આંટાફેરા કરી રહ્યો હતો. જેવી જ મેટ્રો ટ્રેનનો આવવાનો સમય થયો તે ભાગીને આવ્યો અને તેને પ્લેટફોર્મમાં આગળ ઊભેલી મહિલા ધક્કો મારી દીધો અને આ સાથે મહિલા ટ્રેક પર પડી હતી. સારી વાત એ રહી કે મેટ્રો ટ્રેનના ડ્રાઈવરે ઈમર્જન્સી બ્રેક મારી દીધી, જેને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો.
ઘટના પછી આરોપી ફરાર થયો
મહિલાને ધક્કો માર્યા બાદ આરોપી યુવક ત્યાંથી ભાગી ગયો હતો. જોકે તેને બીજા મેટ્રો સ્ટેશન પરથી હત્યાનો પ્રયાસ કરવાના આરોપમાં પકડી લીધો હતો. ઘટના પછી મહિલા અને મેટ્રો ડ્રાઈવર બંને આઘાતમાં છે. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે બંનેને ટૂંક સમયમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવશે.
તો આ ઘટનાને લઈને બ્રસેલ્સ ઈન્ટરકોમ્યુનલ ટ્રાન્સપોર્ટ કંપનીના પ્રવક્તા ગાઈ સબલોને ધ બ્રસેલ્સ ટાઈમ્સને જણાવ્યું કે ડ્રાઈવરે ઘણી સતર્કતા દાખવી, જેને કારણે મહિલાનો જીવ બચ્યો. જોકે આ ઘટનાને કારણે ડ્રાઈવર અને પીડિતા બંને આઘાતમાં છે. માથા ફરેલી વ્યક્તિ શું ઈચ્છતી હતી એ જાણવા મનોચિકિત્સકને પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.