ભાગેડુ મેહુલ ચોક્સીને ઝટકો:ડોમિનિકાની હાઈકોર્ટે મેહુલ ચોક્સીની જામીન અરજી ફગાવી, વકીલે કહ્યું- અમે સુપ્રીમમાં જઈશુ

એક વર્ષ પહેલા
કોર્ટમાં હાજર થતી વખતે ચોક્સી બ્લુ ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સમાં નજરે પડ્યો હતો. તેના પર ગેરકાયદે રીતે ડોમિનિકા પહોંચવાનો આરોપ છે.
  • મેહુલની પત્નીએ કહ્યું, મારા પતિને પહેલેથી જ ઘણી બીમારીઓ છે
  • મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે CBI અને EDના અધિકારીઓ ડોમિનિકા પહોંચી ચૂક્યા છે

પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને બુધવારે ડોમિનિકાની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો. ચોક્સીને એક વ્હીલચેર પર જ કોર્ટની અંદર લઈ જવામાં આવ્યો હતો. તેણે વાદળી રંગનું ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેર્યાં હતાં. ટ્રાયલ દરમિયાન આ તેનો પહેલો ફોટો છે.

ડોમિનિકાની મેજિસ્ટ્રેટ કોર્ટે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીના દેશમાં ગેરકાયદે પ્રવેશના કેસમાં કોર્ટે મેહુલ ચોક્સીની જામીન અરજી નામંજૂર કરી છે. ત્યારે હવે ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું હતું કે તેઓ આ મામલે ઉચ્ચ અદાલતમાં સંપર્ક કરશે. ચોક્સીએ કોર્ટમાં કરેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ કેરિબિયન ટાપુ દેશમાં બળજબરીથી લઈ જવામાં આવ્યો હતો.

આ પહેલાં ચોક્સીના કેસમાં ડોમિનિકાની હાઇકોર્ટમાં 3 કલાક સુનાવણી થઈ હતી. હાઈકોર્ટના ન્યાયાધીશ બર્ની સ્ટેફેન્સને જ ચોક્સીને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો અને ચોક્સીના કેસની સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખવામાં આવી છે, એટલે કે આજે ફરી સુનાવણી થશે અને ચોક્સીના પ્રત્યાર્પણ અંગે નિર્ણય પણ આવી શકે છે.

જોકે એ સ્પષ્ટ નથી કે મેહુલને પહેલા એન્ટિગુઆ મોકલવામાં આવશે કે સીધા ભારતમાં પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપવામાં આવશે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોમિનિકા સરકારે ચોક્સીને ભારત મોકલવાની વાત કરી છે, જ્યારે એન્ટિગુઆ સરકારે ડોમિનિકાને પહેલેથી જ કહ્યું છે કે ચોક્સીને સીધો જ ભારત મોકલવો જોઈએ.

ચોક્સી પર ગેરકાયદે રીતે ડોમિનિકામાં પ્રવેશ કરવાનો આરોપ છે, પરંતુ તેણે તેની કસ્ટડીને હાઈકોર્ટમાં પડકારી છે. ચોક્સીએ દાવો કર્યો છે કે એન્ટિગુઆ-બારબુડાથી તેનું અપહરણ કરીને તેને ડોમિનિકા લાવવામાં આવ્યો, પરંતુ બુધવારે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે ચોક્સીના દાવાનો વિરોધ કરતાં કહ્યું હતું કે તેણે ગેરકાયદે રીતે ડોમિનિકામાં પ્રવેશ કર્યો છે અને આ કારણે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

મેહુલ ચોક્સી પર ગેરકાયદે રીતે ડોમિનિકામાં પ્રવેશ કરવાનો આરોપ છે.
મેહુલ ચોક્સી પર ગેરકાયદે રીતે ડોમિનિકામાં પ્રવેશ કરવાનો આરોપ છે.

ડોમિનિકા પહોંચતાં પહેલા એન્ટિગુઆમાં રહેતો હતો ચોક્સી
મેહુલ ચોક્સી એન્ટિગુઆની નાગરિકતા સાથે વર્ષ 2018થી ત્યાં જ રહેતો હતો, પરંતુ 23 મેના રોજ અચાનક ગુમ થયો હતો. બે દિવસ પછી તે ડોમિનિકામાં પકડાયો. આ બધાની વચ્ચે એન્ટિગુઆના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉનનો એક પત્ર પણ સામે આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે મેહુલ પાસે નાગરિકત્વ સંબંધિત છુપાયેલી માહિતી હતી. બ્રાઉને 14 ઓક્ટોબર 2019ના એક પત્રમાં જણાવ્યું હતું, 'હું એન્ટિગુઆ અને બારબુડા સિટિઝનશિપ એક્ટ, કેપ 22ની કલમ 8ની મુજબ એક આદેશ આપવાનો પ્રસ્તાવ કરું છું, જેથી તમને તથ્યોના ઇરાદાપૂર્વક છુપાવવાના આધારે એન્ટિગુઆ અને બારબુડાની નાગરિકતાથી વંચિત કરી શકાય.'

બ્રાઉને વધુમાં લખ્યું, 'હું તમને એન્ટિગુઆ અને બારબુડા સિટિઝનશિપ એક્ટની કલમ 10 હેઠળ તપાસ કરવાના તમારો અધિકાર અને આ તપાસમાં તમારી પસંદગીની કાનૂની પ્રતિનિધિત્વ મેળવવાના અધિકારની પણ ભલામણ કરું છું. આ નોટિસ પ્રાપ્ત થયાની તારીખથી તમારે એક મહિનાની અંદર જવાબ આપવો પડશે.

ડોમિનિકા પહોંચ્યા CBI અને EDના અધિકારીઓ
મેહુલ ચોક્સીને ભારત પાછા લાવવા માટે બેન્કિંગ ફ્રોડના કેસોમાં CBI ચીફ શારદા રાઉતની આગેવાની હેઠળની 8 સભ્યની ટીમ ડોમિનિકા પહોંચી ચૂકી છે. તેમણે જ PNB ફ્રોડ કેસની તપાસનું નેતૃત્વ કર્યું હતું. ટીમમાં CBI, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CRPFના બે સભ્ય સામેલ છે. NDTVના રિપોર્ટ અનુસાર આ ટીમ 28 મેના રોજ ત્યાં પહોંચી ચૂકી છે.

CBI અને EDના અધિકારીઓ ડોમિનિકા પહોંચી ચૂક્યા છે.
CBI અને EDના અધિકારીઓ ડોમિનિકા પહોંચી ચૂક્યા છે.

પત્નીએ કહ્યું- મેહુલને ડોમિનિકામાં ત્રાસ આપવામાં આવ્યો
સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં મેહુલની પત્નીએ કહ્યું હતું કે 'મારા પતિને પહેલેથી જ ઘણી બીમારીઓ છે. તેઓ એન્ટિગુઆના નાગરિક છે અને ત્યાંના બંધારણ મુજબ, તેમને બધા અધિકાર છે. હું કેરિબિયન દેશોના કાયદાઓનું સન્માન અને તેમાં વિશ્વાસ કરું છું. અમે મેહુલની એન્ટિગુઆમાં ટૂંક સમયમાં અને સલામત રીતે પાછા ફરવાની પ્રતીક્ષા કરીએ છીએ. મારા પતિ પર શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો છે અને અમે આ બાબતે નારાજ છીએ.