વ્હિટની ગ્રીનનું જીવન આજકાલ થોડું અલગ ચાલી રહ્યું છે. તે રોમમાં સ્કૂટરના એન્જિનોના ઘોંઘાટથી જાગી જાય છે. બપોરે ઈટાલિયન ભાષા શીખવા ક્લાસમાં જાય છે. તે પોતાના પસંદગીના કામ ટેલિહેલ્થની પ્રેક્ટિસ માટે વેબસાઈટ પણ બનાવી રહી છે.
આ સેન ફ્રાન્સિસ્કો, અમેરિકામાં તેના જૂના કામ મેન્ટલ હેલ્થ થેરેપિસ્ટથી જુદું છે. તે જૂનમાં નોકરી છોડીને પોતાના મિત્ર સાથે ઈટાલી આવી ગઈ છે. 31 વર્ષીય ગ્રીન એ લાખો અમેરિકનોમાં સામેલ છે, જેમણે આ વર્ષે પરંપરાગત નોકરી છોડી દીધી છે. હવે તે પાછા જવા વિચારતી સુદ્ધાં નથી. અમેરિકામાં રેકોર્ડબ્રેક લોકો રાજીનામા આપી રહ્યા છે. હાલ અહીં 1.40 કરોડ નોકરીઓ ખાલી પડી છે.
નોકરીમાંથી રાજીનામા આપવાના અનેક કારણો છે. કેટલાક લોકોને ઓફિસમાં દુર્વ્યવહારની ફરિયાદ છે. ઘણાં લોકો વિચારે છે કે, મહામારીનો તણાવ ખતમ થયા પછી બીજા પ્રોજેક્ટ પર ફોકસ કરવાનો સમય આવી ગયો છે. સર્વિસ સેક્ટરમાં કામ કરતા યુવાનોને વધુ કામ અને ઓછો પગાર પસંદ નથી.
વૉશિંગ્ટનની 23 વર્ષીય ઈફિઓમા એજિમેકો કહે છે કે, આ રાજીનામું નહીં, ક્રાંતિ છે. એજિમેકો એક રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી. મહામારી વખતે ગ્રાહકોનો વ્યવહાર બગડી ગયો હતો. તેઓ કહે છે કે, ગ્રાહકો ટિપ આપતી વખતે માસ્ક હટાવડાવીને અમારા ચહેરા જોવાનું કહેતા હતા.
મનોરંજન, રેસ્ટોરન્ટ અને હોટલ સેક્ટરમાં કર્મચારીઓની સરેરાશ મધ્યમ વય 31.8 વર્ષ છે. એક્ટિવિસ્ટ સંગઠન વન ફેર વેજના પ્રેસિડેન્ટ સરુ જયરામન કહે છે કે, સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારા જેટલા કર્મચારીઓના સરવેમાં વાતચીત કરાઈ છે, તેમાંના અડધાથી વધુનું કહેવું છે કે તેઓ એક વર્ષ સુધીમાં નોકરી છોડી દેશે.
હાર્વર્ડના અર્થશાસ્ત્રી લોરેન્સ કેટ્સ કહે છે કે, ગ્રીન જેવા અનેક કર્મચારીઓએ છેલ્લા 19 મહિનામાં ઓછો ખર્ચ કર્યો છે. સારા પગારના કારણે તેમની ઘણી બચત થઈ છે. બાદમાં મોટી સંખ્યામાં નોકરીઓ હોવાથી તેઓ નોકરી છોડવામાં સુરક્ષા અનુભવે છે.
રિમોટ વર્કના કારણે 20થી 30 વર્ષની વયના લોકોને કામ અને કુટુંબ જીવન વચ્ચે સંતુલન બનાવવાની તક આપી છે. 2020માં ગેલપના એક સરવેમાં 74% લોકોએ કહ્યું હતું કે, તેઓ સપ્તાહમાં રોજ ઓફિસમાં કામ કરવા નથી ઈચ્છતા. 1995 અને 2000 વચ્ચે જન્મ લેનારી મહિલાઓ બાળકોની દેખભાળ માટે ઘરે રહે તેવી શક્યતા વધુ છે.
એકલા સપ્ટેમ્બરમાં 3 લાખ, નવ હજાર મહિલા વર્ક ફોર્સ બહાર જતી રહી. નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રી એલિસા મોડેસ્ટિનો કહે છે કે, હાલ લોકો બાળકોની દેખભાળને મહત્ત્વ આપે છે. હકીકતમાં 20થી 34 વર્ષની વયના લોકો આવક માટે નવું કામ કરવાની સ્થિતિમાં છે.
ફક્ત ઓગસ્ટમાં 43 લાખ લોકોએ નોકરીઓ છોડી
અમેરિકામાં રાજીનામા આપવાનો સિલસિલો હજુ ચાલુ છે. જૂન અને જુલાઈમાં 39-39 લાખ લોકોએ રાજીનામા આપ્યા. ઓગસ્ટમાં 43 લાખ લોકોએ નોકરીમાંથી વિદાય લઈ લીધી. રાજીનામું આપનારામાં સૌથી વધુ સંખ્યા યુવાનોની છે. લેબર બ્યુરોના મતે, સપ્ટેમ્બરમાં 20થી 34 વર્ષની વયના આશરે 1.40 કરોડ અમેરિકન વર્ક ફોર્સમાંથી બહાર હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.