અમેરિકાના મેમ્ફિસ શહેરમાં પાંચ પોલીસકર્મી પર એક 29 વર્ષીય અશ્વેતની હત્યાનો આરોપ લાગ્યો છે. પોલીસે 7 જાન્યુઆરીએ ટાયર નિકોલસ નામના યુવકને રેશ ડ્રાઈવિંગના આરોપમાં પકડીને માર માર્યો હતો. જેના ત્રણ દિવસ બાદ તેની મોત થઈ ગઈ હતી. હવે ઘણા અઠવાડિયા બાદ પોલીસે શુક્રવારે મોડી સાંજે તે સમયની મારઝૂડના ચાર વીડિયો રિલીઝ કર્યા છે.
જે વીડિયોમાં પોલીસ યુવકને ક્રુરતાપૂર્વક માર મારતા જોવા મળી રહી છે. તેમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીઓએ તેને સેકેન્ડ ડિગ્રી સુધી ટોર્ચર કર્યુ હતું. તેને લાતો મારી, ટેઝર ગનથી શોક આપ્યા અને ક્રુરતાપૂર્વક મારમાર્યો.
‘મારે ફક્ત ઘરે જવું છે’-ટાયર નિકોલસ
વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે પોલીસ નિકોલસને ટેઝર ગનથી શોક આપી રહી હોય છે ત્યારે તે ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હોય છે. પોલીસ પહેલા તો તેને ભાગવા દે છે પરંતુ ફરી તેને પકડી લે છે. વીડિયોમાં તે ઘણી વાર મા-મા કરીને બુમો પાડતો સંભળાઈ રહ્યો છે. તે પોલીસને વિનંતી કરી રહ્યા છે- મારે ફક્ત ઘરે જવું છે. જોકે પોલીસ પર તેની વિનંતીની કોઈ અસર પડી નહિ. તે યુવકને મારતી જ રહી.
વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે?
પહેલો વીડિયો- પોલીસ નિકોલસની ગાડીને રોકીને તેને જોરથી બુમ પાડીને જમીન પર સુઈ જવાનું કહે છે. આ દરમિયાન નિકોલસ કહી રહ્યો હોય છે કે તેણે કશું નથી કર્યું.
ત્યારે બીજો પોલીસવાળો તેને ગાળો આપતો કહે છે કે, ચુપચાપ પોતાના હાથ પાછળ કરી લે. તેના જવાબમાં નિકોલસ તેમને કહે છે કે, તમે વધુ જ રિએક્ટ કરી રહ્યા છો હું ફક્ત ઘરે જવાનો પ્રયત્ન કરી રહ્યો છું. નિકોલસ વાત પૂર્ણ જ કરી રહ્યો હોય છે કે ત્યારે જ તેને ટેઝર ગનથી શોક આપી દેવામાં આવે છે.
બીજો વીડિયો- આ CCTV કેમેરાના ફુટેજ છે. બે પોલીસવાળાએ નિકોલસને પકડી રાખ્યો છે, જ્યારે અન્ય પોલીસવાળા એક-એક કરીને તેને લાતો-મુક્કા મારી રહ્યા છે.
ત્રીજો અને ચોથો વીડિયો- આ બન્ને વીડિયોમાં પોલીસવાળા નિકોલસને લાકડીઓ વડે મારતા જોવા મળી રહ્યા છે. તે મા-મા બુમ પાડી રહ્યો હતો અને જવા દેવા માટે વિનંતી કરતો હતો. પરંતુ પોલીસ તેની પર પેપર સ્પ્રે છાંટતી રહી હતી.
મામલો મોટો થવા પર પહેલા પોલીસના બચાવ માટે દાવો કરવામાં આવ્યો હતો કે નિકોલસે તેમની પાસેથી ગન છીનવી લેવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો. જોકે તમામ જાહેર કરાયેલા વીડિયોમાં ક્યાંય નથી જોવામાં આવતું કે નિકોલસ ગન છીનવી રહ્યો છે.
4 વર્ષના બાળકનો પિતા હતો ટાયર નિકોલસ
જે અશ્વેત યુવકને પોલીસે ફક્ત રેશ ડ્રાઈવિંગના આરોપમાં માર મારીને જાનથી મારી નાંખ્યો તે ટાયર નિકોલસ એક ચાર વર્ષના બાળકાનો પિતા હતો. પરિવારજનોએ પોલીસ પર રંગભેદના આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે, જો નિકોલસ અશ્વેત ન હોત તો પોલીસ ક્યારેય તેમને આ પ્રકારે મારઝૂડ ન કરત. જોકે, જે પાંચ પોલીસવાળા પર નિકોલસની હત્યાના આરોપ લાગ્યા છે તે પોતે પણ અશ્વેત છે.
પરિવારે માગ કરી છે કે સ્ટ્રીટ ક્રાઈમને કંટ્રોલ કરવા માટે અમેરિકામાં જે અલગથી વિભાગ બનાવવામાં આવ્યું છે. જેમાં પાંચેય પોલીસવાળા કામ કરી રહ્યા હતા. તેને સંપૂર્ણ રીતે ભંગ કરી દેવામાં આવે.
સનસેટનો ફોટો પાડવા ગયો હતો નિકોલસ
પરિવારવાળા મુજબ, ટાયર નિકોલસ પોતાના ઘરેથી લોકલ પાર્કમાં સનસેટના ફોટોઝ પાડવા ગયો હતો. જ્યારે તે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન જ પાંચ અશ્વેત પોલીસવાળાએ તેની કારને રોકી હતી. અધિકારીઓ મુજબ નિકોલસને રેશ ડ્રાઈવિંગ કરવાના આરોપમાં તેના ઘરથી 100 યાર્ડના અંતરે જ રોકવામાં આવ્યો હતો.
એક્સપર્ટ્સની કમિટીએ માન્યુ- માર મારવો કોઈ પણ પ્રકારે યોગ્ય નહોતો
વીડિયો સામે આવ્યા બાદ કેસની તપાસ માટે બનેલી કમિટીએ માન્યુ કે, પોલીસવાળાએ જે પ્રકારે નિકોલસને માર માર્યો છે, તેને કોઈ પણ પ્રકારે યોગ્ય નથી ગણી શકાતું.
એક પોલીસ ટ્રેનિંગ એક્સપર્ટ એડ ઓબાયાશીએ ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું કે, ફિલ્મો સિવાય તેને આખા કરિયરમાં ક્યારેય આવું થતા નહોતું જોયું. ત્યારે અમેરિકામાં પોલીસ એક્ઝિક્યુટિવ રિસર્ચ ફોરમના ડાયરેક્ટર ચક વેક્સલરે કહ્યું કે, પોલીસ નિકોલસને માર મારતા ભૂલી ગઈ હતી કે, તે કોઈ માણસને માર મારી રહી છે.
પાંચેય પોલીસવાળા કોણ હતા?
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ટાયર નિકોલસને માર મારનાર પાંચ પોલીસવાળાએ છ વર્ષ અગાઉ 2017માં મેમ્ફિસના પોલીસ ડિપોર્ટમેન્ટને જોઇન કર્યું હતું. મેમ્ફિસના ડિસ્ટ્રિક્ટ અટોર્ની સ્ટીવન મુજબ, આ તમામના મારના કારણે ટાયર નિકોલસનું મોત થયું છે. જોકે હાલ પાંચેય પોલીસવાળાને સસ્પેન્ડ કરી દેવાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.