કોરોના મહામારી દરમિયાન અમેરિકાના લોસ એન્જલસ કાઉન્ટીમાં ગત વર્ષે દૈનિક સરેરાશ 5 બેઘર લોકોનાં મોત થયાં હતાં. બેઘર લોકો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં આ તારણ સામે આવ્યું છે. આ રિપોર્ટના લેખક મારિયા રેવન અનુસાર, કોઇ યુદ્વના સમયે પણ મોતના આ પ્રકારના આંકડાઓ નથી જોવા મળતા.
આંકડાઓ અનુસાર, ગત વર્ષે 287 બેઘર લોકોએ ફૂટપાથ પર જ અંતિમ શ્વાસ લીધા હતા જ્યારે 24 ગલીઓમાં તેમજ 72 લોકો માર્ગ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. અમેરિકાનાં શહેરોમાં બેઘર લોકોનાં મોત હવે મહામારી બની રહ્યાં છે. આ લોકોમાં 50 થી 60 વર્ષીય નાગરિકોની સંખ્યા વધુ છે. કોરોના મહામારી દરમિયાન ઘરોની આસમાને પહોંચેલી કિંમતોને કારણે બેઘર લોકોની સંખ્યામાં પણ ઝડપી ગતિએ વધારો થયો છે.
ઓસ્ટિન, ડેનવર, સોલ્ટ લેક સિટી, સાન ફ્રાન્સિસ્કો જેવાં શહેરોમાં બેઘર લોકોનાં મોતના આંકડાઓ ઝડપી વધી રહ્યા છે. લોસ એન્જલસ કાઉન્ટીમાં 2015થી 2020 સુધી બેઘર લોકોનાં મૃત્યદરમાં 200%નો વધારો જોવા મળ્યો છે. ફેંટાનીલ ડ્રગ આ મૃત્યુ પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જોકે, દારૂ, ભીષણ ઠંડી અને હૃદયરોગ પણ મોતના આંકડાઓમાં ઉછાળા માટે જવાબદાર છે. લોસ એન્જલસ કાઉન્ટીમાં આ લોકોની વસતી પણ 50% વધી છે. બેઘર લોકોની વસતીમાં મોટા ભાગના લોકો 50 વર્ષથી વધુ ઉંમરના છે. આ જ કારણોસર તેઓ વધી બીમાર પણ પડી રહ્યા છે.
દૈનિક 207 બેઘર લોકોને આવાસની ફાળવણી, 227 લોકો રોજ બેઘર થાય છે
કેલિફોર્નિયાની સરકારે ગત વર્ષે 92,160 કરોડ રૂપિયાનો ખર્ચ બેઘર લોકોના વિકાસ પાછળ કર્યો હતો. લોસ એન્જલસ કાઉન્ટીએ 2017થી અત્યાર સુધીમાં 78,000 બેઘર લોકોને રહેણાકની સુવિધા પૂરી પાડી છે. તેમ છતાં સરકાર અનુસાર બેઘર લોકોની સંખ્યા અંગે જાણવું પડકારજનક છે, કારણ કે જ્યાં રોજ 207 બેઘર લોકોને આવાસની ફાળવણી કરાઇ રહી છે ત્યારે બીજી તરફ દૈનિક ધોરણે 227 લોકો બેઘર થઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.