મેક્સિકોની રાજધાની મેક્સિકો સિટીના ગીચ વસતી ધરાવતા વિસ્તાર ઇઝ્ટાપલાપામાં કેબલ કારથી સફર કરતી વખતે નીચે જોઈએ ત્યારે નજર થંભી જાય છે. અહીંના ઘરોની છતો અને દીવાલો પર દોરેલા મ્યુરલ એટલે કે વૉલ પેઈન્ટિંગને જોઈને લાગે છે કે, તે હમણાં બોલી ઉઠશે. યુવાનોને સાથે રમતા જોઈને દેખાતું ‘આપણે સમાન છીએ’ સ્લોગન લખેલું મ્યુરલ હોય કે પછી રાહદારીઓને રસ્તો બતાવવામાં મદદ કરતી હસ્તીઓના પોટ્રેટે ઈઝ્ટાપલાપાને નવી ઓળખ આપી છે.
આ છબીઓ ફક્ત શહેરને સુંદર બનાવવા માટે નથી, પરંતુ તેની પાછળ ચોક્કસ હેતુ છે. 20 લાખની વસતી ધરાવતું ઈઝ્ટાપલાપા મેક્સિકોનો સૌથી હિંસાગ્રસ્ત અને ખતરનાક વિસ્તાર છે. અહીં મહિલાઓની હત્યા સામાન્ય હતી. અહીંના મેયર કાર્લા બ્રગુડા કહે છે કે, ‘આ શહેર રાજધાનીનું બેકયાર્ડ મનાય છે. અમે આ ઓળખ બદલવા માંગતા હતા. આ કામ સરળ ન હતું. એટલે અમે સદીઓ જૂની કળા મ્યુરલ આર્ટની મદદ લીધી. બાદમાં 2018માં પરિવર્તનની પહેલ શરૂ થઈ.’
અત્યાર સુધી અહીંના ઘરો, સ્કૂલ, ઐતિહાસિક ઈમારતો, જાહેર સ્થળો પર આશરે 7500 મ્યુરલ તૈયાર કરાયા છે. કેટલાક મ્યુરલ્સ થકી સારા વર્તનનો પણ સંદેશ અપાયો છે. કેટલાકમાં તમે સ્થાનિક મહિલાઓને સન્માનિત થઈ પણ જોઈ શકો છો. વર્લ્ડ ચેમ્પિયન બોક્સર લુપિતા બોતિસ્તા હોયકે પછી સ્ટ્રીટ આર્ટિસ્ટ ઈવા બ્રેકામોન્ટેસની આર્ટ જોઈને મહિલાઓને ગર્વ થાય છે. બ્રુગડનાના મતે, ‘આ સમગ્ર પ્રોજેક્ટ પુરુષપ્રધાન દેશમાં પિતૃસત્તાક માનસિકતાનો વિરોધ અને મહિલાઓની સ્થિતિમાં સુધારાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. અમે અમારા હેતુમાં સફળ થયા છીએ. શરૂઆતમાં અમે ફક્ત એ રસ્તા પર મ્યુરલ બનાવવાનું નક્કી કર્યું હતું, જ્યાં મહિલાઓ પોતાને અસુરક્ષિત મહેસુસ કરતી હતી. જોકે, લોકો પોતાના ઘરો કે ધંધા-વેપારના સ્થળે મ્યુરલ બનાવવા ઉત્સાહિત ન હતા, પરંતુ અમે લોકોને મનાવ્યા અને હવે તો લોકો સામેથી મ્યુરલ બનાવવાનું કહે છે.’
કળાના આ અનોખા અભિયાનની મોટી અસર થઈ છે. અહીં ગુનાખોરી ઘટી છે. ઈઝ્ટાપલાપામાં 2018 પછી ફાયર આર્મ્સથી ગુનાખોરી ઘટી છે. મહિલાઓ સાથેના ગુના પણ ઘટ્યા છે. સામાજિક સુધારાના આ અભિયાન હેઠળ લાઈટિંગ, સારા રસ્તા જેવા પાસાં પર ઘણું કામ થયું છે. સ્થાનિક અધિકારીઓને સંતોષ છે કે, કળાથી ઘણી મદદ મળી. એટલે અહીં મ્યુરલ લોકપ્રિય થઈ ગયા છે. તેનાથી લોકોને પ્રેરણા મળે છે. ખાસ કરીને યુવતીઓને, જે વિચારે છે કે તેઓ પણ એક દિવસ શહેરની દીવાલ પર ચમકશે. બોક્સર બોતિસ્તાના મ્યુરલમાં ચહેરાનો રંગ લાલ ચમકીલો રખાયો છે. તેના બેકગ્રાઉન્ડમાં સંદેશ છે કે, ‘મને ગર્વ છે કે હું ઈઝ્ટાપલાપાથી છું...’
એક સમયે અહીંના લોકો પોતાના શહેર કે વિસ્તારનું નામ છુપાવતા, પરંતુ હવે ગર્વથી પોતાનું સરનામું જણાવે છે. ત્યાં સુધી કે દેશભરના પ્રવાસીઓ પણ આ પરિવર્તનને જોવા અહીં આવવા લાગ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.