• Gujarati News
  • International
  • The Chinese President Said Why Are Mutual Conversations Leaked, Trudeau Replied We Are Not Hiding Anything

G20માં કેનેડિયન PM-જિનપિંગ વચ્ચે દલીલ:ચીની રાષ્ટ્રપતિએ કહ્યું- પરસ્પર વાતચીત શા માટે લીક થાય છે, ટ્રુડોએ જવાબ આપ્યો- અમે કંઈ છુપાવતા નથી

4 મહિનો પહેલા

ઈન્ડોનેશિયાના બાલીમાં બુધવારે સમાપ્ત થયેલી G20 સમિટના બીજા અને છેલ્લા દિવસે એક વિચિત્ર ઘટના બની હતી. સમિટ પછી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની વચ્ચે મીડિયા કેમેરાની સામે દલીલો થઈ હતી. જિનપિંગે ટ્રુડોને ફરિયાદ કરીને કહ્યું હતું કે તમારી સાથેની વાતચીત મીડિયામાં લીક કેમ થાય છે? આનો ટ્રુડોએ પણ સ્મિત કરી કડક શબ્દોમાં જવાબ આપ્યો, અમે કંઈપણ છુપાવવામાં માનતા નથી અને કેનેડામાં આવું જ થાય છે.

આ દલીલ દરમિયાન બંને નેતાઓ ખાસ કરીને જિનપિંગની બોડી લેંગ્વેજ અલગ દેખાતી હતી. તે મેન્ડરિન (ચીનની ભાષા)માં વાત કરી રહ્યા હતા. તેમની સાથે ઊભેલા ઇન્ટરપ્રિટર ટ્રુડો સુધી અંગ્રેજીમાં વાત પહોંચાડી રહ્યા હતા.

અંતમાં શું થયું?
સમિટ પૂર્ણ થયા પછી ટ્રુડો હોલથી બહાર નીકળી રહ્યા હતા. ત્યારે તેમની સામે શી જિનપિંગ આવ્યા. બંનેએ હાથ મિલાવ્યા. વાતચીતની શરૂઆતમાં જ જિનપિંગનો વ્યવહાર અલગ દેખાતો હતો. વાઇરલ થઈ રહેલા વીડિયોમાં બંને વચ્ચેની મોટા ભાગની વાતચીત સાંભળવા મળે છે.

જિનપિંગે કઠોર અને ફરિયાદના સ્વરમાં વાતચીત શરૂ કરી. કહ્યું- આપણે જે પણ વાત કરીએ એ મીડિયામાં લીક થઈ જાય છે, આ ખોટું છે. આવું બિલકુલ ન થવું જોઈએ, આવી રીતે પરસ્પર વાતચીત થઈ શકે નહીં. તમારે ગંભીરતાથી કામ કરવું જોઈએ.

ટ્રુડોએ જિનપિંગની ફરિયાદનો હળવાશથી જવાબ આપ્યો. કહ્યું- અમે ખુલ્લા અને મુક્ત સંવાદમાં વિશ્વાસ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ એમ કરતા રહીશું. કન્સ્ટ્રક્ટિવ ડાયલોગ હોવા જોઈએ, પરંતુ કેટલીકવાર કેટલાક મુદ્દાઓ પર જુદાં જુદાં મંતવ્યો જોવા મળે છે, અમે કંઈ છુપાવતા નથી.

ટ્રુડોની આ વાત પર જિનપિંગ ફરી ગુસ્સે થઈ ગયા. કહ્યું- પછી એવું કામ કરો કે વાતચીત પહેલાં શરતો નક્કી કરી લો. આ કહ્યા બાદ જિનપિંગે અનિચ્છાએ ટ્રુડો સાથે હાથ મિલાવ્યો અને ચાલ્યા ગયા.

ચીન અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ
મંગળવારે સમિટના પ્રથમ દિવસે ટ્રુડોએ જિનપિંગને કહ્યું, ચીન તેમના દેશની ચૂંટણીમાં દખલગીરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. બંને નેતા વચ્ચેની આ પરસ્પર વાતચીત ન્યૂઝ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવી હતી. આને લઈને જિનપિંગ નારાજ થઈ ગયા અને બુધવારે તેમણે કેમેરાની સામે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી.

આ મહિનાની શરૂઆતમાં કેનેડાની મીડિયાએ ઇન્ટેલિજન્સ ઓફિસરને ટાંકીને એક મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો હતો. આ મુજબ ચીને કેનેડામાં 2019ની ચૂંટણીમાં એક ષડયંત્ર હેઠળ હસ્તક્ષેપ કર્યો હતો. આ કેસમાં કેનેડા પોલીસે ચીનની એક કંપનીમાં કામ કરતા તેમના દેશના નાગરિકની ધરપકડ કરી હતી. આરોપ છે કે તે ચીન સુધી કેનેડાના ટ્રેડ સિક્રેટ પહોંચાડતો હતો.

ટ્રુડો (ડાબે) આક્ષેપ કરે છે કે ચીન કેનેડાની ચૂંટણીમાં દખલ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે.
ટ્રુડો (ડાબે) આક્ષેપ કરે છે કે ચીન કેનેડાની ચૂંટણીમાં દખલ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે.

જિનપિંગ-ટ્રુડો વચ્ચે 2016થી વાતચીત શરૂ
જિનપિંગ અને ટ્રુડો 3 વર્ષ પહેલાં જાપાનના ઓસાકામાં G20 સમિટ દરમિયાન મળ્યા હતા. આ પહેલાં 2015માં બંને નેતાઓ તુર્કીમાં મળ્યા હતા. ત્યારે પણ G20 સમિટ થઈ હતી. આ સિવાય જિનપિંગ-ટ્રુડો વચ્ચે 2016 અને 2017માં પણ વાતચીત થઈ હતી.

ચીન અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ 2018માં આવ્યો હતો. ત્યાર બાદ ચીનની હુવેઈ ઇલેક્ટ્રોનિક્સ કંપનીના બે અધિકારીની જાસૂસીના આરોપમાં કેનેડા દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જવાબમાં ચીને બે કેનેડિયન નાગરિકોને ખોટા આરોપમાં જેલમાં ધકેલી દીધા.

ખાસ વાત એ છે કે હુવેઈ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેક્નોલોજી પર અમેરિકા સહિત ઘણા દેશોમાં જાસૂસીનો આરોપ હતો અને ભારત સહિત તમામ દેશોમાં તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આનાથી ચીન નારાજ થઈ ગયું.

જોકે આ સમિટ દરમિયાન જિનપિંગ અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે લગભગ 3 કલાક સુધી સિક્રેટ મીટિંગ થઈ હતી. આ અંગે મીડિયાને વધુ માહિતી આપવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...