અમેરિકાના ઓકલાહોમા રાજ્યમાં બુધવારે ફાયરિંગની એક ઘટના સામે આવી છે. અહીંના ટુલસા શહેરમાં સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલમાં ફાયરિંગમાં ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે.
ટુલસાના ડેપ્યુટી ચીફ ઓફ પોલીસ જોનાથન બ્રુક્સે પુષ્ટિ કરી કે હુમલાખોર સહિત પાંચ લોકો માર્યા ગયા છે. તેમણે કહ્યું હતું કે હુમલાખોરને પોતાની જ બંદૂકથી ગોળી વાગી હતી, જેના કારણે તે મૃત્યુ પામ્યો હતો. હજુ સુધી હુમલાખોરની ઓળખ થઈ શકી નથી. હુમલાખોરે ફાયરિંગ દરમિયાન બંદૂક અને રાઈફલનો ઉપયોગ કર્યો હતો. ઘટના બાદ સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલની નતાલી બિલ્ડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ બાઇડનને ઘટનાની જાણ કરવામાં આવી હતી
ડેપ્યુટી ચીફ બ્રુક્સે કહ્યું હતું કે ફાયરિંગની માહિતી મળતાંની 3 મિનિટમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે બિલ્ડિંગમાં ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો અને બીજા માળે પહોંચ્યા હતા. ઘટના સમયે હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
વ્હાઇટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઈડનને ટુલસામાં ગોળીબારની ઘટનાની જાણ કરવામાં આવી છે. ઇજાગ્રસ્તોની મદદ માટે રાજ્ય અને સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે.
ફાયરિંગની ઘટનાઓ સતત વધી રહી છે
અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ સતત વધી રહી છે. ન્યૂ ઓર્લિયન્સમાં એક હાઇસ્કૂલ ગ્રેજ્યુએશન સમારોહમાં મંગળવારે ફાયરિંગ બાદ એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા. અગાઉ અહીં ટેક્સાસ રાજ્યમાં એક સ્કૂલમાં ફાયરિંગમાં 19 વિદ્યાર્થી સહિત બે શિક્ષકનાં મોત થયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.