તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Americans Left But Left Behind Hundreds Of Tons Of Garbage; People Are Gathering To Keep Things, Including Soldiers' Shoes, As A Memento

ભાસ્કર વિશેષ:અમેરિકનો ગયા પણ સેંકડો ટન કચરો છોડતા ગયા; લોકો જવાનોના શૂઝ સહિતની વસ્તુઓ યાદગીરીરૂપે રાખવા માટે ભેગી કરી રહ્યા છે

કાબુલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકી સૈનિકોએ 20 વર્ષ બાદ અફઘાનિસ્તાનનું મુખ્ય આર્મી બેઝ બગરામ છોડ્યું

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની વાપસી તેજ થઇ છે. અમેરિકી સૈનિકોએ શુક્રવારે અફઘાનિસ્તાનનું મુખ્ય આર્મી બેઝ બગરામ છોડી દીધું. અમેરિકી સૈન્યએ તાલિબાનને ખદેડવા અને 9/11ના હુમલામાં સંડોવાયેલા અલ કાયદાના આતંકીઓનો સફાયો કરવા 20 વર્ષ સુધી બગરામ એરફિલ્ડને પોતાનું સૈન્ય મથક બનાવ્યું હતું. ત્યાંથી અમેરિકી સૈનિકો તો જતા રહ્યા પણ સેંકડો ટન કચરો છોડી ગયા છે.

તે અંગે અફઘાન અધિકારીઓ જણાવે છે કે અમેરિકી જવાનો પાસે જે સરસામાન છે એ તેઓ પરત લઇ જશે કે પછી અમને આપી દેશે. તેમ છતાં એવું ઘણું બધું બચશે કે જે કોઇના ભાગે નહીં જાય. તેમાં ઘણો બધો ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ છે, જે 20 વર્ષ સુધી અહીં રહેલા 1 લાખથી વધુ અમેરિકી સૈનિકોએ વાપરીને છોડી દીધો છે.

તેની સાફસફાઇમાં કેટલાય મહિના લાગશે. બગરામના જે વિસ્તારમાં કચરો પડ્યો છે ત્યાં લોકોની ભીડ કોઇ સારી વસ્તુઓની શોધમાં પહોંચી રહી છે. કેટલાક લોકોને કોઇ કામની વસ્તુઓ પણ મળી રહી છે, જેમ કે સૈનિકોના શૂઝ, રેડિયો, લોખંડની વસ્તુઓ, કીમતી ધાતુઓ. ઘણાં લોકો આ વસ્તુઓ યાદગીરીરૂપે પણ એકઠી કરી રહ્યા છે. હિન્દુકુશ પર્વતની તળેટીમાં વસેલું બગરામ ઐતિહાસિક આર્મી બેઝ છે. 1979માં સોવિયેત સંઘનું સૈન્ય અફઘાનિસ્તાન આવ્યું હતું ત્યારે તેણે પણ અહીં જ પોતાનો બેઝ બનાવ્યો હતો. જોકે, હવે લોકોને ડર સતાવી રહ્યો છે કે અમેરિકનોના ગયા બાદ બગરામ તાલિબાનના કબજામાં જઇ શકે છે. તાલિબાને અફઘાનિસ્તાનનાં રાજ્યોનાં પાટનગરોની નજીકનાં શહેરો પણ કબજે કરી લીધાં હોવાથી લોકોની ચિંતા વધી છે.

11 સપ્ટે. સુધીમાં આખા સૈન્યની વાપસી, સૈન્ય સામાનનું લિસ્ટ બનાવી રહ્યું છે
અમેરિકાએ 1 મેથી સૈન્યવાપસીનો નિર્ણય લીધો હતો. આખા સૈન્યની વાપસી 11 સપ્ટે. સુધીમાં થશે. 9/11ના હુમલાને તે દિવસે જ 20 વર્ષ પૂરાં થઇ રહ્યાં છે. અફઘાનિસ્તાનમાં હાલ અમેરિકાના 2,500થી વધુ અને નાટો દેશોના 7 હજાર સૈનિક તહેનાત છે. સૈન્ય તેના સરસામાનનો હિસાબ-કિતાબ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...