તાઈવાનમાં ભીષણ આગ:13 માળની ઈમારતમાં આગ લાગવાથી 46ના મૃત્યુ, લગભગ 79 દાઝ્યા; 14ની સ્થિતિ ગંભીર

8 દિવસ પહેલા

તાઈવાનના કાઉશુંગ શહેરમાં ગુરુવારે 13 માળની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આગના પગલે 46 લોકોના મૃત્યુ થયા અને 79 લોકો દાઝી ગયા છે. ફાયર વિભાગે જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, આ પૈકીના 14ની સ્થિતિ ગંભીર છે.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ ખૂબ જ ભીષણ હતી અને ઈમારતના ઘણા માળ આગ લાગવાના પગલે ખાખ થઈ ગયા છે. અધિકારીએ જણાવ્યું કે આગ સવારે લગભગ ત્રણ વાગે લાગી હતી. આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે તેમને સવારે લગભગ ત્રણ વાગ્યે અવાજ સંભળાયો હતો.

ઈમારત સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવી
અધિકારીઓએ પહેલા ચેતવણી આપી હતી કે સાતમા અને 11માં માળમાં લોકો ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. જોકે હાલ તો ઈમારતને સંપૂર્ણ રીતે ખાલી કરાવી લેવામાં આવી છે. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યાં છે. વીડિયોમાં ઈમારતની નીચના માળમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. જ્યારે ફાયર બ્રિગેડના કર્મચારીઓ પાણીનો છંટકાવ રોડ પરથી કરતા દેખાઈ રહ્યાં છે.

ઈમારતના નીચેના ભાગમાં રેસ્ટોરન્ટ અને સિનેમા હોલ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈમારત લગભગ 40 વર્ષ જુની છે. ઈમારતના નીચેના ભાગમાં બાર, રેસ્ટોરન્ટ અને સિનેમા હોલ હતા, જોકે તે છેલ્લા ઘણા દિવસોથી બંધ હતા. આ ઘટના પછી ફાયર બ્રિગેડના અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે તે ઘરની આસપાસ ભંગારને ભેગો થવા ન દે. આ સિવાય ઘરની સીડીઓને પણ સાફ રાખવાનું કહેવામાં આવ્યું છે.

કાઉશુંગ શહેર વિશે જાણો
કાઉશુંગ શહેર તાઈવાનના દક્ષિણમાં છે. કાઉશુંગની વસ્તી લગભગ 2.77 મિલિયન છે. આ તાઈવાનનું ત્રીજું સૌથી વધુ વસ્તીવાળું શહેર છે. સાથે જ તે દક્ષિણ તાઈવાનનું સૌથી મોટુ શહેર પણ છે.

અન્ય સમાચારો પણ છે...