ગત ડિસેમ્બરમાં કોરોનાના કેસ વધ્યા અને ટ્રાવેલ બૅન કડક થયો કે તરત ડેબોરા ગોલ્ડસ્ટીન અને તેમની 85 વર્ષીય માતાએ ટીવી પર આવતા કોરોનાના નિરાશાજનક સમાચારો અને રાજકીય બયાનબાજીઓથી દૂર સ્કોટલેન્ડના જંગલની મુલાકાતે જવાનું મુનાસિબ માન્યું. ત્યાં તે બંને એક પશુપ્રેમી કિશોરી, તેની નિર્દય સાવકી માતા અને 12 જાદુઇ કાલ્પનિક વેંતિયાઓને મળી.
આશ્ચર્યની વાત એ છે કે તેમણે મેનહટન સ્થિત તેમના ફ્લેટમાં જ આ ટ્રાવેલિંગની મઝા માણી. વાત એમ છે કે ડેબોરા ઓનલાઇન સ્ટોરીટેલિંગ સર્કલ (ઓનલાઇન વાર્તાઓ સંભળાવતું જૂથ) સાથે જોડાયેલી છે. તેમાં દર બીજા ગુરુવારે સમૂહમાં ડઝનબંધ લોકો ઓનલાઇન કિસ્સા-વાર્તાઓ શૅર કરે છે. કોરોના મહામારીએ તણાવ, એકલાપણું વધારી દીધા હોવાથી ન્યૂયોર્ક સોસાયટી ફોર એથિકલ કલ્ચરે આ પહેલ કરી.
નિષ્ણાતોનું માનવું છે કે વાર્તા કહેવા-સાંભળવાથી અને વાતો શૅર કરવાથી માનસિક આરોગ્ય સુધરે છે. ચિંતા-એકલાપણું ઘટાડવામાં પણ તે કારગત છે. ‘એથિકલ કલ્ચર’ ગ્રુપ સાથે જોડાયેલી ડેબોરા કહે છે કે વાર્તાઓથી મારી ઍંગ્ઝાયટિ ઘટી રહી છે. ડેનવર સ્થિત સ્ટોરી સેન્ટરના વડા ડેનિયલ વીનશેંકર કહે છે કે અમે સૌ ઝૂમના માધ્યમથી જોડાઇએ છીએ. કેમેરા ઓપ્શનલ છે. એક સર્કલમાં 5થી 25 લોકો હોય છે. સામાન્ય રીતે લોકો કાલ્પનિક વાર્તાઓ અને ક્યારેક જાતઅનુભવો શૅર કરે છે. તેનાથી લોકોને જીવનમાં થઇ રહેલા અણધાર્યા ફેરફારોને પહોંચી વળવામાં મદદ મળી શકે છે.
જેમ કે તાજેતરમાં એક નર્સે ઊડી ન શકતી ચકલીની વાર્તા સંભળાવી, જે ચકલીને તેણે ઘરની બારીની બહારથી બચાવી હતી. તેના માધ્યમથી તેણે જણાવ્યું કે તે માતાઓ અને નવજાત શિશુઓની પણ આ રીતે જ સારસંભાળ લેતી હતી પણ કોરોના મહામારીએ બધું બદલી નાખ્યું. ડેનિયલ કહે છે કે કોરોનાએ લોકોને દુ:ખ અને અનિશ્ચિતતા જ આપ્યા છે. અમારો એ જ પ્રયાસ રહે છે કે લોકો બાળપણની કોઇ વાત કે દાદી-નાનીના કિસ્સા શૅર કરે કે પછી કાલ્પનિક પાત્રો દ્વારા જણાવે કે જીવનમાં શું ઉથલપાથલ છે કે જેમાંથી બહાર આવવાની જરૂર છે?
વાર્તા કહેવી-સાંભળવી ગંભીર બીમારી સામે લડવામાં પણ ફાયદાકારક: સ્ટડી
ડેનિયલ જણાવે છે કે વાર્તાઓનું હૅપી એન્ડિંગ હોવા પર અમે જરાય ભાર નથી મૂકતા. અમે લોકોને પ્રામાણિક રહેવા પ્રોત્સાહિત કરીએ છીએ, જેથી તેઓ વાસ્તવિકતાને સ્વીકારી શકે. ઘણા સ્ટડીઝમાં સાબિત થઇ ચૂક્યું છે કે ડિમેન્શિયા, બ્રેસ્ટ કેન્સર, ભૂલવાની બીમારીથી પીડાતા લોકોને સ્ટોરીટેલિંગ સાથે જોડાવાથી ક્વોલિટી લાઇફ જીવવામાં, સામાજિક એકલાપણું ઘટાડવામાં અને બહેતર પરફોર્મ કરવામાં મદદ મળી છે. તમે બીજાની વાત સાંભળો છો કે પોતાની વાત કહો છો તો પોતાને સારી રીતે સમજી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.