ભાસ્કર વિશેષ:ટેક કંપનીઓ એન્જિનિયર્સ પાસે બ્લોગ લખાવી રહી છે, નવા ટેલેન્ટને આકર્ષવા-બ્રાન્ડ ઇમેજ માટે પણ તે કારગર

વોશિંગ્ટન18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોકરી શોધતા 48% ટેક કર્મી કંપનીઓના સો. મીડિયા એકાઉન્ટ ચેક કરે છે

ક્રિસ્ટિયાન વેલાજક્યૂઝ ઉબેરમાં સોફ્ટવેર એન્જિનિયર છે. તેઓ કંપનીની એપની ઝડપ વધારવા માટે કામ કરી રહ્યા હતા. કામ પૂર્ણ થયા બાદ કંપનીએ તેમને પોતાનો અનુભવ કંપનીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખવા માટે કહ્યું. કમ્પ્યુટરમાં માહેર એવા વેલાજક્યૂઝ માટે શબ્દોને જોડવા એટલું સરળ ન હતું. સોશિયલ મીડિયા ટીમના કન્ટેન્ટ એડિટર્સે તેમની મદદ કરી હતી.

એક આર્ટિકલ લખવામાં તેમને 1 મહિનો થયો, પરંતુ આર્ટિકલ ખૂબ વંચાયો હતો. તેને 84 હજારથી વધુ લોકોએ વાંચ્યો હતો. દુનિયાની અનેક દિગ્ગજ ટેક કંપનીઓ હવે લાખો-કરોડોનું પેકેજ ધરાવતા એન્જિનિયરોને હવે બ્લોગર બનાવી રહી છે. તેમના મારફતે સોશિયલ મીડિયા પોસ્ટ પર કન્ટેન્ટ અપલોડ કરાવે છે.

એન્જિનિયરો માટે તે કામ મુશ્કેલ છે પરંતુ હવે તેઓને પણ મજા આવે છે. ટેક કંપનીઓને તેનાથી પોતાની ઇમેજ સુધારવામાં મદદ મળી રહી છે અને તેઓ એન્જિનિયરોને બ્લોગર બનાવીને પોતાને ત્યાં કુશળ કર્મચારીઓને આકર્ષિત કરી રહી છે. ઉબેર, ગૂગલ, એપલ, મેટા જેવી મોટી કંપનીઓ આ રીત અપનાવી રહી છે.

ટેક કંપનીઓ હવે વિશ્વસનીયતા વધારવા માટે વધુ પારદર્શકતા લાવવા પ્રયાસરત છે. તેના માટે કંપનીઓ પ્રોફેશનલ રીતે લેખકો ન હોય તેવા લોકો પાસે આર્ટિકલ લખાવે છે અને એન્જિનિયર્સ તેમાં સૌથી માહેર સાબિત થયા છે. સ્ટેક ઓવરફ્લોના એક રિપોર્ટ અનુસાર જ્યારે ટેક કર્મચારીઓ નવી નોકરીની તપાસ કરે છે તો તેમાંથી 48% બીજી કંપનીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચકાસે છે. તેનાથી કંપનીના માહોલથી પરિચિત થાય છે.

સોફ્ટવેર કંપની ગિટહબમાં 3 વર્ષ સુધી એન્જિનિયર રહેલા ડેવિન રિલે કહે છે કે નોકરી બદલવાનું સૌથી મોટું કારણ પગાર છે, પરંતુ કંપનીઓના સોશિયલ મીડિયા પેજથી એ જાણવા મળે છે કે ત્યાંનો માહોલ કેવો છે અને પોતાના કર્મચારીઓ પાસેથી તેમની શું અપેક્ષા છે. વેલાજક્યૂઝ કહે છે કે મારી કારકિર્દીમાં પહેલી વાર કોડિંગ અને મશીનો ઉપરાંત અન્ય કામ કરી રહ્યો છું. તેનાથી ખૂબ જ શીખવા મળ્યું છે. એન્જિનિયરો બ્લોગ લખે છે તેનાથી કંપનીની સોશિયલ મીડિયા સાઇટ્સને પેજ વ્યૂઝ વધ્યા છે.

અન્ય સમાચારો પણ છે...