અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી તાલિબાને અસલી રૂપ બતાવવાનું શરુ કર્યું છે. તાલિબાનોએ સત્તા સંભાળતાં જ ભારત સાથે વ્યાપારિક વ્યવહાર બંધ કરી સંબંધો તોડી નાખ્યા છે અને ભારત સાથેની આયાત-નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તાલિબાને જયારે સત્તા સંભાળી ત્યારે એવી વાતો કરી હતી કે, અફઘાનિસ્તાનમાં જેમ બધું ચાલતું હતું, તે રીતે જ ચાલશે. આ ધરતી પરથી અમે દુશ્મનાવટ નહીં કરીએ.
આ વાતને ત્રણ દિવસ થયા ત્યાં તાલિબાનોએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો અને કહ્યું, અફઘાનિસ્તાનમાં શરીયા કાયદો રહેશે અને તાલિબાને અગાઉ જેમ શાસન કર્યું હતું, તે રીતે જ શાસન કરશે. આ વાતને અમુક કલાકો થયા ત્યાં તાલિબાનોએ ભારત સાથે વ્યાપારિક વ્યવહારો બંધ કરવાની ઘોષણા કરી અને નિમ્ન માનસિકતા છત્તી કરી છે. તાલિબાને હવે ભારત સાથેની આયાત-નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મામલે ભારત શું વલણ અપનાવે છે, તે જોવાનું રહ્યું.અશરફ ગની સરકારના કાર્યકાળમાં ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો ઘણાં સારા થઈ ગયા હતા. નવી દિલ્હીમાં અફઘાનમાં ઘણી વિકાસ પરિયોજનાને આકાર આપ્યો હતો. પરંતુ હવે પહેલાં જેવા સંબંધો રહેવાની શક્યતા ખૂબ ઓછી છે.
તાલિબાનોએ કાર્ગો મુવમેન્ટને રોકી
ફેડરેશન ઓફ ઈન્ડિયા એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (Federation of Indian Export Organisation -FIEO)ના ડૉ. અજય સહાયે તાલિબાનોએ આયાત-નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હોવાની વાત સ્વીકારી છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં ડૉ. સહાયે કહ્યું છે કે, તાલીબાનોએ અત્યારે દરેક કાર્ગો મુવમેન્ટ રોકી દીધી છે. આપણો મોટાભાગનો માલ પાકિસ્તાન થઈને જ સપ્લાય થાય છે. જેને હાલ રોકી દેવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, અફઘાનિસ્તાનની સ્થિતિ પર અમારી નજર છે, જેથી આપણે સપ્લાય શરૂ કરી શકીએ. પરંતુ તાલિબાનોએ અત્યારે આયાત-નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
અફઘાનિસ્તાનનું મોટું પાર્ટનર છે ભારત
ડૉ. અજય સહાયે કહ્યું છે કે, વેપારના મામલે ભારત અફઘાનિસ્તાનનું સૌથી મોટું રાજ્ય છે. વર્ષ 2021માં જ આપણી નિકાસ 835 મીલિયન ડોલર હતી, જ્યારે આયાત 510 મીલિયન ડોલર હતી. આયાત-નિકાસ સિવાય ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 400 યોજનાઓમાં 3 બિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે.
ડ્રાયફ્રૂટ્સના ભાવમાં વધારો થવાની શક્યતા
ભારત ખાંડ, ચા, કોફિ, મસાલા સહિત ઘણી વસ્તુઓની નિકાસ કરે છે, જ્યારે મોટા પાયે ડ્રાયફ્રૂટ્સ અને ડુંગળીની આયાત કરવામાં આવે છે. હાલ માનવામાં આવે છે કે, અફઘાનિસ્તાનમાં ચાલતા વિવાદોના કારણે આગામી દિવસોમાં ડ્રાયફ્રૂટ્સમાં વધારો થઈ શકે છે. કારણ કે ભારત અંદાજે 85 ટકા ડ્રાયફ્રૂટ્સની આયાત અફઘાનિસ્તાનથી કરે છે. આ પહેલાં તાલિબાનોએ જાહેરાત કરી હતી કે, ભારત સાથે તેમના સારા સંબંધો છે. તે ઉપરાંત ભારત અહીં પર તેમના ચાલુ દરેક કામ અને રોકાણ સંબંધિત પ્રોજેક્ટ્સ કોઈ પણ તકલીફ વગર પૂરા કરી શકે છે. જોકે તાલિબાનના વાણી અને વર્તનમાં ફેર છે. તેથી હાલ કઈ પણ કહેવું મુશ્કેલ છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે. બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો પણ વર્ષો જૂના છે. બંને દેશોની ભૌગોલિક નિકટતા અને ઐતિહાસિક સંબંધોને જોતાં ભારત અફઘાનિસ્તાનનું નેચરલ ટ્રેડિંગ પાર્ટનર છે અને દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાનની પ્રોડક્ટનું સૌથી મોટું માર્કેટ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં સૂકા મેવાની આયાતમાં તેજી આવી છે. અફઘાનિસ્તાનમાંથી ભારતને થતી નિકાસમાં 99 ટકા હિસ્સો કૃષિ અને તેની સાથે જોડાયેલી પ્રોડક્ટનો છે. આ ઉપરાંત ભારતે અફઘાનિસ્તાનમાં 3 અબજ ડોલર (22,251 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે. જોકે અફઘાનિસ્તાનમાં ફરી એક વખત તાલિબાને સત્તા પોતાના હાથમાં લેતા, બંને દેશના વેપાર-વ્યવસાયના સંબંધો પ્રભાવિત થઈ શકે છે.
અફઘાનિસ્તાનમાંથી શું થાય છે આયાત?
ભારત માટે અફઘાનિસ્તાન સૂકા મેવાનો એક મોટો સ્ત્રોત છે. ગૃહયુદ્ધ દરમિયાન પણ અફઘાનિસ્તાનમાં સૂકો મેવો, બદામ અને શેતૂરનું બમ્પર ઉત્પાદન થયું. સૂકા મેવાની સાથે જ અફઘાનિસ્તાનમાંથી મોટા પ્રમાણમાં સફેદ શેતૂરની આયાત કરવામાં આવે છે. સૂકા મેવામાં કિસમિસ, અખરોટ, બદામ, અંજીર, પિસ્તાં અને જરદાળુ સામેલ છે. આ રીતે જ દાડમ, સફરજન, ચેરી, તરબૂચ, હિંગ,ખજૂર અને કેસર પણ ભારતને મોકલે છે. જોકે હવે તાલિબાનના શાસનને પગલે અફઘાનિસ્તાનનો સૂકો મેવો, શેતૂર અને બદામ સહિતની વસ્તુઓની આપૂર્તિ પ્રભાવિત થશે એવી શક્યતા વધુ છે. જાણકારોના મતે તાલિબાનના સમયમાં સંબંધો પહેલાં જેવા નહીં જોવા મળે, એટલે કે આ દિવાળીએ લોકોને અફઘાની સૂકા મેવા અને બદામની ઊણપનો સામનો કરવો પડી શકે છે.
બંને દેશ વચ્ચે 10 હજાર કરોડથી વધુનો વેપાર
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર થાય છે. ફાઇનાન્શિયલ યર 2020-21માં બંને દેશ વચ્ચે 1.4 અબજ ડોલર, એટલે કે લગભગ 10,387 કરોડ રૂપિયાનો વેપાર થયો છે. આ રીતે જ 2019-20માં બંને દેશ વચ્ચે 1.5 અબજ ડોલર (11,131 કરોડ રૂપિયા)નો વેપાર થયો હતો. 2020-21માં ભારતે અફઘાનિસ્તાનને લગભગ 6,129 કરોડ રૂપિયાની પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરી હતી, જ્યારે ભારતે 3,783 કરોડ રૂપિયાની પ્રોડક્ટ્સ ઈમ્પોર્ટ કરી હતી.
ભારતમાંથી શું શું નિકાસ થાય છે?
ભારતમાંથી અફઘાનિસ્તાનમાં નિકાસ થનારી વસ્તુઓમાં ઇલેક્ટ્રિકલ ઉપકરણ, ખાંડ, આયર્ન અને સ્ટીલની વસ્તુઓ, એલ્યુમિનિયમ, દવાઓ, તમાકુ, તલ અને અનાજ, નારિયેળ, એલચી, કોફી, વગેરે છે. આ ઉપરાંત કપડાં, કન્ફેક્શનરીનો સામાન, માછલીમાંથી બનેલી પ્રોડક્ટ, વેજિટેબલ ઘી, વેજિટેબલ ઓઈલ એક્સપોર્ટ કરે છે. વનસ્પતિ, કેમિકલ પ્રોડક્ટસ અને સાબુ, દવાઓ અને એન્ટી-બાયોટિક્સ, એન્જિનિયરિંગનો સામાન, રબરમાંથી બનેલી વસ્તુઓ, મિલિટરી ઈક્વિપમેન્ટ્સ સહિત અન્ય પ્રોડક્ટ મોકલે છે.
નાણાકીય વર્ષ 2019-20માં બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર 1.5 અબજ ડોલરનો હતો. આ સમયગાળા દરમિયાન અફઘાનિસ્તાનને ભારતની નિકાસ લગભગ 1 અબજ (99.758 કરોડ ડોલર) પહોંચી ગયો જ્યારે અફઘાનિસ્તાનની આયાત 53 કરોડ ડોલરનો રહ્યો છે. 2015-16થી 2019-20 દરમિયાન ભારતથી અફઘાનિસ્તાનની નિકાસમાં લગભગ 89 ટકા તેજી જોવા મળી. આ રીતે અફઘાનિસ્તાનથી ભારતની આયાત લગભગ 72 ટકા વધી ગઈ. 2018-19ની તુલનામાં વર્ષ 2019-20માં એક્સપોર્ટ 39 ટકા અને ઈમ્પોર્ટ 21 ટકા વધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.