તાલિબાની ધમકી:પશ્ચિમી દેશોને મદદ કરનારાઓના દરવાજા પર કાગળ ચોટાડી રહ્યાં છે તાલિબાન, લખ્યું- સમર્પણ કરો અથવા મરવા માટે તૈયાર રહો

કાબુલ2 મહિનો પહેલા
  • બ્રિટિશ મિલિટરીના એક ટ્રાન્સલેટરના ઘરે પણ આવી જ એક નોટિસ ચોંટાડવામાં આવી છે

વિશ્વની સામે પોતે સુધર્યા હોવાનો દાવો કરનારા તાલિબાનો હવે ફરીથી પોતાની જૂની તાલિબાની રીતો અપનાવવાની શરૂઆત કરી દીધી છે. અફઘાનિસ્તાનમાં પશ્ચિમી તાકાતોને મદદ કરનારાઓનાં ઘરના દરવાજાઓ પર તાલિબાની કોર્ટમાં હાજર થવાનું ફરમાન લગાવવામાં આવી રહ્યું છે. તેમને કહેવાઈ રહ્યું છે કે તમે સમર્પણ કરો અથવા તો મરવા તૈયાર રહો. વાંચો આવા જ એક મદદગારની કહાની, જેમને તાલિબાન પોતાનું દુશ્મન માની રહ્યું છે...

બ્રિટિશ ન્યૂઝપેપર ડેઇલી મેલે 34 વર્ષીય અફઘાની નાઝ સાથે વાતચીત કરી છે. નાઝ 6 બાળકનો પિતા છે અને તેમણે બ્રિટિશ સૈનિકોને કન્સ્ટ્રક્શનમાં મદદ કરી હતી. નાઝે બ્રિટન પાસે શરણ માગ્યું છે, જોકે તેમની અરજી ફગાવી દેવામાં આવી છે. નાઝે કહ્યું હતું કે મારા ઘરની બહાર નોટિસ ચોંટાડવામાં આવી છે. એ અધિકારિક છે અને એની પર મોહર પણ છે. એમાં સ્પષ્ટ સંદેશ હતો કે તે મને મારવા માગે છે. જો હું તાલિબાની કોર્ટમાં ગયો તો મને મૃત્યુની સજા થશે. જો હું ન ગયો તોપણ મને મારી નાખવામાં આવશે, તેથી હું છુપાયેલો છું. હું અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવા માગું છું, જોકે મને મદદ જોઈએ છે.

બ્રિટિશ મિલિટરીના એક ટ્રાન્સલેટરના ઘરે પણ આવી જ એક નોટિસ ચોંટાડવામાં આવી છે. તેમના પર જાસૂસી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે સમર્પણ કરી દો, નહિતર તમને મારી નાખવામાં આવશે. ત્રીજો પત્ર એક ટ્રાન્સલેટર ભાઈને મળ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે ક્યાં તો તે કોર્ટમાં હાજર થાય અથવા તો તેમની કતલ કરવામાં આવશે.

47 વર્ષના શીરે કહ્યું હતું કે તેમની પુત્રીને એક પત્ર મળ્યો છે. એમાં ઈસ્લામી કોર્ટમાં હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. ધમકી આપવામાં આવી હતી કે જો કોર્ટમાં હાજર ન થયા તો શિકારીની જેમ તાલિબાનો શોધીને કતલ કરશે. આ ધમકીભર્યો પત્ર હતો. તમે તાલિબાનના ફરમાનની આગળ નમો અથવા તો એ નિશ્ચિત કરી લો કે તમે ન પકડાવો. મને લાગ્યું કે બ્રિટન જતો રહું. મારું નામ પણ એરપોર્ટ પર ત્રણ વખત બોલવામાં આવ્યું, પરંતુ હું ભીડની વચ્ચે પહોંચી ન શક્યો. હવે હું ફસાઈ ગયો છું, મારા દરવાજા પર પત્ર લગાવવામાં આવ્યો છે. મારા પરિવાર પર તાલિબાને થપ્પો લગાવી દીધો છે.

નાજ જણાવે છે કે અમારા માટે પત્ર સ્પષ્ટ હતો. ઈસ્લામી શાસનનો થપ્પો લગાયેલો પત્ર મળ્યો. તેની પર મારું, મારા પિતાનું અને મારા ગામનું નામ લખવામાં આવ્યું હતું. મને નાટો સેનાઓનો ગુલામ કહેવામાં આવ્યો, મેં ચેતવણી છતાં પણ તેમની સાથે કામ કરવાનું બંધ ન કર્યું. મને હાજર થવાનો આદેશ હતો, પરંતુ જો હું આમ ન કરું તો મને શરિયા કોર્ટમાં મોકલવામાં આવશે. મને ગેરહાજર રહેવાના ભાગરૂપ મૃત્યુની સજા આપવામાં આવશે. એ વાત સ્પષ્ટ છે એ માનો અથવા તો જીવ ગુમાવો. અમે સતત જગ્યા બદલી રહ્યા છે, જોકે આવું હંમેશાં ન કરી શકીએ. અમારે કોઈપણ સંજોગોમાં અફઘાનિસ્તાન છોડવું જ પડશે.

20 વર્ષની યુટ્યૂબર નજમાનું હુમલામાં મોત
26 ઓગસ્ટે કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટમાં 13 અમેરિકન સૈનિક સહિત 170 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્લાસ્ટમાં 20 વર્ષની નજમા સાદિકીનું પણ મૃત્યુ થયું હતું. મૃત્યુના થોડા કલાકો પહેલાં જ તેણે પોતાના ફેરવેલ વીડિયો પશ્તોમાં ફેન્સ માટે પોસ્ટ કર્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે કદાચ હવે આપણે ક્યારેય નહિ મળીએ. જોકે હું ઈચ્છુ છું કે આપણા દેશમાં હાલ જે સ્થિતિ છે એ એક ખરાબ સપનાની જેમ પૂરી થઈ જાય. જોકે કરુણતા એ છે કે હવે આ યંગ યુટ્યૂબર હવે આ વિશ્વમાં નથી.

અન્ય સમાચારો પણ છે...