મુલ્લા બરાદર જીવીત છે:તાલિબાનના નંબર 2 અને અફઘાનિસ્તાનના ડેપ્યૂટી PM બરાદરે ઓડિયો જાહેર કરી મોતના સમાચારોનું ખંડન કર્યું, કહ્યું- સ્વસ્થ છું

3 મહિનો પહેલા

તાલિબાનના ડેપ્યૂટી પ્રાઈમ મિનિસ્ટર મુલ્લા અબ્દુલ ગની બરાદર જીવીત છે. બરાદરે સોમવારે એક ઓડિયો ટેપ જાહેર કરીને કહ્યું કે તેઓ જીવીત અને સ્વસ્થ છે. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર મુલ્લાના મોતની ખબરો વાઈરલ થઈ રહી હતી તેથી તેને આ ચોખવટ કરવી પડી છે. તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને બરાદર વિશે ફેલાવામાં આવેલી અટકળોને પાયાવિહોણી ગણાવી છે.

તાલિબાને ટેપ જાહેર કરી
તાલિબાન હુકૂમતમાં મુલ્લા મોહમ્મદ હસન અખુંદ બાદ બરાદર જ નંબર 2 પર છે. તેને ઉપ- પ્રધાનમંત્રી બનાવામાં આવ્યો છે. મોહમ્મદ હિબ્તુલ્લાહ અખુંદઝાદા સુપ્રીમ લીડર છે. બરાદરએ ઓડિયોમાં કહ્યું કે તેના વિશે પ્રોપેગેન્ડા ચલાવામાં આવી રહ્યો છે. આ ટેપ તાલિબાને જાહેર કરી છે.

તાલિબાન પછી અફઘાનિસ્તાનની સૌથી મોટી ન્યૂઝ ચેનલ ટોલો ન્યૂઝ દ્વારા આ જ ટેપ જાહેર કરવામાં આવી હતી. ચેનલે કહ્યું કે, મુલ્લા ગની બરાદરે પોતે સ્પષ્ટ કર્યું છે કે તે ઘાયલ કે બીમાર નથી. કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન સંઘર્ષમાં બરાદર ઘાયલ થયો છે અથવા માર્યો ગયો છે. આ અહેવાલો ખોટા છે.

હું પ્રવાસ પર હતો- બરાદર
તાલિબાનની શાસન બાદથી જ બરાદર નજર નહોતો આવી રહ્યો. તેના બાદ તેના મોતના સમાચારો વાઈરલ થયા. બરાદરે ઓડિયોમાં કહ્યું કે મીડિયામાં મારા મૃત્યુ અંગેના અહેવાલો છે. હું છેલ્લા કેટલાક દિવસોથી સતત મુસાફરી કરી રહ્યો છું. હું મારા મિત્રો સાથે છું અને એકદમ ઠીક છું.

તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને એક અલગ નિવેદનમાં જણાવ્યું હતું કે મીડિયા હંમેશાં પ્રોપેગેન્ડાને હવા આપે છે. અમે તેનું ખંડન કરીએ છીએ. થોડાં વર્ષો પહેલાં સુપ્રીમ લીડર અખુંડઝાદા વિશે પણ આવા જ અહેવાલો આવ્યા હતા. તે સમયે તે કંદહારમાં હતો.

મુલ્લા બરાદર કોણ છે
મુલ્લા અબ્દુલ ગની બરાદર તે ચાર લોકોમાંથી એક છે જેમણે તાલિબાનનું ગઠન કર્યુ છે. તે તાલિબાનના ફાઉન્ડર મુલ્લા ઉમરનો ડેપ્યૂટી હતો. 2001માં અમેરિકી હુમલા સમયે તે દેશનનો રક્ષા મંત્રી હતો. 2010માં અમેરિકા અને પાકિસ્તાનના એક ઓપરેશનમાં બરાદરની ધરપકડ કરવામાં આવી હતી. તે વખતે શાંતિ વાર્તા માટે અફઘાનિસ્તાન સરકાર બરાદરને છોડવાની માગ કરતી હતી. સપ્ટેમ્બર 2013માં તેને છોડવામાં આવેલો.

2018માં જ્યારે તાલિબાને કતારના દોહામાં પોતાની રાજનૈતીક ઓફિસ ખોલી. ત્યાં અમેરિકા સાથે શાંતિ વાર્તા માટે લેવામાં આવેલા લોકોમાં મુલ્લા અબ્દુલ ગની બરાદર પ્રમુખ હતો. તેણે હંમેશા અમેરિકા સાથે વાતચીતનું સમર્થન કર્યું છે.

ઈન્ટરપોલ પ્રમાણે, મુલ્લા બરાદરનો જન્મ ઉરુજ્ગાન પ્રાંતના દેહરાવુડ જિલ્લાના વીટમાક ગામમાં 1968માં થયો હતો. માનવામાં આવે છે કે તેમનો સંબંધ દુર્રાની સાથે છે. પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ પણ દુર્રાની જ છે.

મુલ્લા પાસે પાકિસ્તાની પાસપોર્ટ અને આઈડી કાર્ડ
મુલ્લાના પાસપોર્ટ-આઈડી કાર્ડ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. આઈડી કાર્ડનો સિરિયલ નંબર 42201-5292460-5 છે અને 10 જુલાઈ, 2014ના રોજ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં 1963માં મુલ્લાના જન્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના પર પાકિસ્તાનના રજિસ્ટ્રાર જનરલ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પાસપોર્ટ નંબર GF680121 છે. નવાઈની વાત એ છે કે, તે જ દિવસે રાષ્ટ્રીય આઈડી કાર્ડ અને પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે, જ્યારે તકનીકી રીતે તેની તપાસ પ્રક્રિયામાં થોડા દિવસો લાગે છે.

અન્ય સમાચારો પણ છે...