તાલિબાનોની ક્રૂરતા:અફઘાનિસ્તાનમાં મહિલા વોલીબોલ ખેલાડીનું માથું ધડથી અલગ કરી દીધું, પરિવારને આપી ધમકી

એક મહિનો પહેલા
તાલિબાનોએ પરિવારને પણ હત્યાની વાત કોઈને ના કહેવાની ધમકી આપી છે.
  • ટીમના કોચે એક આંતરરાષ્ટ્રીય મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ઘટસ્ફોટ કર્યો

અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાનનું રાજ આવ્યું છે ત્યારથી રમતગમતક્ષેત્રે ભવિષ્યનું સંકટ ઊભુ થઈ ગયું છે. હવે ફરી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. તાલિબાન લડાકુઓએ અફઘાનિસ્તાનની જુનિયર મહિલા વોલીબોલ ટીમની પ્લેયરનું માથું ધડથી અલગ કરી દીધું છે.

જુનિયર મહિલા નેશનલ ટીમના કોચે આંતરરાષ્ટ્રીય મીડિયાને આ વિશે માહિતી આપી છે. ઈન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું છે કે મહઝબીન હકીમી નામની પ્લેયરની ઓક્ટોબરની શરૂઆતમાં તાલિબાનોએ હત્યા કરી દીધી છે. કોઈએ આ વિશે કઈ ના કહ્યું, કારણકે તાલિબાનોએ તેમને ધમકી આપી હતી.

આ પહેલાં મહજબીને કાબુલની લોકલ ક્લબમાં ભાગ લીધો હતો. તે ક્લબની સ્ટાર પ્લેયર હતી, થોડા દિવસ પહેલાં તેના મૃતદેહની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.

ઘણી મહિલા ખેલાડીઓએ દેશ છોડ્યો, પણ મહઝબીનને એમાં સફળતા ના મળી.
ઘણી મહિલા ખેલાડીઓએ દેશ છોડ્યો, પણ મહઝબીનને એમાં સફળતા ના મળી.

અમુક પ્લેયર દેશમાં રહ્યા છે
ટીમના કોચના જણાવ્યા પ્રમાણે, ઓગસ્ટમાં જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે એક-બે ખેલાડીઓ જ દેશની બહાર નીકળી શક્યા હતા. મહજબીન દેશ છોડવામાં નિષ્ફળ રહી હતી, તે ભૂલની સજા માટે તેણે પોતાનો જીવ આપવો પડ્યો.

તાલિબાનોએ ઘણી મહિલાઓના હક છીનવ્યા
તાલિબાને સત્તામાં આવ્યા પછી ઘણી મહિલાઓના હક છીનવ્યા છે. અફઘાનિસ્તાનમાં દરેક રમતના ખેલાડીઓ સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. ટીમના કોચના જણાવ્યા પ્રમાણે, હાલના સમયે મહિલા ખેલાડીઓની હાલત ખૂબ ખરાબ છે. કારણ કે તેમને દેશ છોડવો પડે છે અથવા છુપાઈને રહેવું પડે છે.

નોંધનીય છે કે થોડા સમય પહેલાં જ ફિફાએ અફઘાનિસ્તાનનાં ઘણાં પુરુષ અને મહિલા ખેલાડીઓ અને તેમનાં પરિવારજનોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. કાબુલથી આ બધાને કતાર લઈ જવામાં આવ્યાં હતાં, જેથી તેઓ સુરક્ષિત રહી શકે.

તાલિબાને સત્તામાં આવ્યા પછી મહિલાઓ પર ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવવાનું શરૂ કરી દીધું છે, જેમ કે કોલેજ જવું, છોકરાઓ સાથે અભ્યાસ કરવો, નોકરી પર જવા સહિત ઘણાં ક્ષેત્રે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...