તાલિબાનનું શાસન LIVE:પંજશીરમાં તાલિબાનનો આતંક, સામાન્ય નાગરિકોની ધડાધડ હત્યા કરી રહ્યા છે, અત્યારસુધીમાં 20નું લોહી વહાવ્યું

અફઘાનિસ્તાનએક મહિનો પહેલા
  • અફઘાનિસ્તાન તાલિબાનશાસન હેઠળ ભૂખમરા તરફ આગળ વધી રહ્યું છે

અફઘાનિસ્તાનની પંજશીરખીણમાં તાલિબાનનું રેઝિસ્ટન્સ ફોર્સ સામે યુદ્ધ ચાલી રહ્યું છે. જોકે તાલિબાને દાવો કર્યો છે કે તેણે પંજશીર જીતી લીધું છે. બીજી બાજુ, રેઝિસ્ટન્સ ફોર્સનું કહેવું છે કે 60%થી વધુ પંજશીર હજુ પણ તેની પાસે જ છે. આ દરમિયાન બીબીસીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન હવે પંજશીરમાં નાગરિકોનું લોહી વહાવી રહ્યું છે અને અત્યારસુધીમાં તેણે 20 લોકોની હત્યા કરી છે.

બીબીસીના અહેવાલ અનુસાર, તાલિબાન દ્વારા નિશાન બનેલા 20 લોકોમાં એક દુકાનદાર પણ સામેલ હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે તાલિબાનના આવ્યા બાદ પણ તે વ્યક્તિ ભાગી નહોતી, તેણે કહ્યું હતું કે તે એક ગરીબ દુકાનદાર છે અને તેને યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી. રેઝિસ્ટન્સ ફોર્સના લડવૈયાઓને સિમ વેચવાના આરોપ બદલ તાલિબાને તેની ધરપકડ કરી હતી અને પછી તેની હત્યા કરી હતી. મૃતદેહ તેના ઘરમાં મૂકવામાં આવ્યો હતો. લોકો એમ પણ કહે છે કે શરીર પર ઈજાનાં નિશાન હતાં.

બે દિવસ પહેલાં પણ પંજશીરનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તાલિબાને એક યુવાનને તેના ઘરમાંથી બહાર કાઢીને તેને રસ્તા પર ગોળીઓથી ઠાર કરતા જોવા મળ્યો છે. અફઘાનિસ્તાન ન્યૂઝ પોર્ટલ અનુસાર તાલિબાને જણાવ્યું હતું કે યુવક પંજશીરમાં નોર્થર્ન અલાયન્સની સેનાનો સભ્ય હતો. જો કે મૃતકનો અન્ય સાથી તાલિબાનને પોતાનું આઈડી કાર્ડ બતાવતો રહ્યો હતો, પરંતુ તેઓ માન્યા ન હતા અને યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો.

તાલિબાને રસ્તાની વચ્ચે એક મહિલાને માર માર્યો

તાલિબાન ભલે લાખો વખત દાવા કરે કે એ બદલાઈ ગયું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે હજુ પણ મહિલાઓ સામે એટલા જ ક્રૂર છે જેટલા 20 વર્ષ પહેલાં હતા. અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળી ત્યારથી દરરોજ આના પુરાવા સામે આવી રહ્યા છે. રાજધાની કાબુલમાં તાલિબાન દ્વારા મહિલાને માર મારતી અન્ય તસવીર સામે આવી છે. કાબુલની આ મહિલા કરત-એ-ચાર વિસ્તારમાં પ્રદર્શનમાં સામેલ હતી. આ દરમિયાન તાલિબાને તેને ઘેરી લીધી અને તેના પર લાકડીઓ અને ચાબુકનો વરસાદ કર્યો હતો.

આ મહિલા કાબુલના કરત-એ-ચાર વિસ્તારમાં તાલિબાન વિરુદ્ધ પ્રદર્શનમાં સામેલ હતી, તેને તાલિબાનોએ લાકડીઓ વડે માર માર્યો હતો.
આ મહિલા કાબુલના કરત-એ-ચાર વિસ્તારમાં તાલિબાન વિરુદ્ધ પ્રદર્શનમાં સામેલ હતી, તેને તાલિબાનોએ લાકડીઓ વડે માર માર્યો હતો.

તાલિબાનની સરકારની જાહેરાત પહેલાં જ અફઘાની મહિલાઓ પોતાના અધિકારો માટે પ્રદર્શન કરી રહી છે, પરંતુ તે તેમને બંદૂકની અણીએ દબાવી રહ્યું છે. તાલિબાન સરકારમાં કોઈ એક મહિલા સમાવિષ્ટ કરવાનું તો દૂર, તેમના પર નવાં-નવાં નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં છે. એનાથી મહિલાઓની નારાજગી વધી રહી છે, પરંતુ તાલિબાનો તેમને ક્યારેક ગોળીબાર કરીને તો ક્યારેક તેમને ચાબુક વડે ઢોરમાર મારીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ એક હુકમનામું બહાર પાડવામાં આવ્યું હતું કે વિરોધ કરતાં પહેલાં પરવાનગી લેવી પડશે અને એ જણાવવું પડશે કે કયા નારા લગાવવામાં આવશે.

અફઘાનિસ્તાન તાલિબાનશાસન હેઠળ ભૂખમરા તરફ આગળ વધી રહ્યું
ભૂખમરા તરફ વધી રહેલા અફઘાનિસ્તાનમાં માનવીય સહાય માટે સંયુક્ત રાષ્ટ્ર (UN) 147.26 કરોડ રૂપિયાની મદદ આપશે. જ્યારે અફઘાનિસ્તાન મીડિયાએ દાવો કર્યો છે કે અમેરિકા પણ લગભગ 471 કરોડ રૂપિયા મદદ કરવા જઈ રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સોમવારે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં માનવીય મૂલ્યોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. ગુટેરેસે જીનિવામાં એક પરિષદમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના લોકો દાયકાઓનાં યુદ્ધ, વેદના અને અસુરક્ષા પછી તેમના સૌથી ખતરનાક સમયનો સામનો કરી રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય તેની સાથે ઊભો રહે.

સાલેહના ઘરે 18 સોનાની ઈંટ અને 48 કરોડ રૂપિયા મળ્યા
અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહના ઘરમાંથી તાલિબાને લગભગ 47.96 કરોડ રૂપિયા (65 લાખ ડોલર) અને 18 સોનાની ઈંટ મળી હોવાનો દાવો કર્યો છે. તાલિબાનના જણાવ્યા અનુસાર, પંજશીર પર તેના કબજા પછી સૈનિકોએ સાલેહના વિવિધ રહેણાક વિસ્તારો પર કબજો કર્યો છે. તાલિબાને એક વીડિયો જાહેર કરી આની પુષ્ટિ કરી છે.

આ વીડિયો તાલિબાન સમર્થક અકાઉન્ટથી વાઇરલ પણ કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે 3-4 તાલિબાન ઘરની તપાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, ઘરમાં બેગ અને તેમાંથી ડોલરની થોકડીઓ તથા સોનાની ઈંટો પણ મળી આવી હતી. આની પહેલાં તાલિબાનો અમરુલ્લા સાલેહના ઘર સુધી પહોંચી ગયા હતા. તેમણે સાલેહની લાઇબ્રેરીમાં બેસીને તસવીરો પણ ક્લિક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...