તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલિબાનનો દાવો:તાલિબાનનો પંજશીરમાં જીતનો દાવો; પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાલેહ તાજિકિસ્તાન ભાગી ગયાના અહેવાલ, તેમણે વીડિયો જાહેર કરી તમામ વાતોને ખોટી ગણાવી

25 દિવસ પહેલા

તાલિબાને શુક્રવારે પંજશીર જીતી ગયા હોવાનો દાવો કર્યો છે. સમાચાર એજન્સી રોઇટર્સે એક તાલિબાની કમાન્ડરના અહેવાલથી જણાવ્યું હતું કે હવે સમગ્ર અફઘાનિસ્તા પર તાલિબાનનું નિયંત્રણ છે. પંજશીરમાં તાલિબાન વિરુદ્ધ અહમદ મસૂદ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અબ્દુલ્લાહ સાલેહના નેતૃત્વમાં રેઝિસ્ટન્સ ફોર્સ લડાઈ કરે છે.

તાલિબાની કમાન્ડરનો દાવો છે કે રેઝિસ્ટન્સ ફોર્સની સેનાએ હવે પીછેહટ કરી છે અને પંજશીર સહિત સમગ્ર અફઘાનિસ્તાન પર તેમનું નિયંત્રણ થઈ ગયું છે. આ વચ્ચે કાબુલમાં ફાયરિંગના સમાચાર છે. જોકે આ ફાયરિંગ કોને કર્યું એ અંગે કોઈ જ જાણકારી નથી.

તાલિબાનનો દાવાને સાલેહે ખોટો ગણાવ્યો
કેટલાક રિપોટ્સમાં એવો દાવો કરાયો છે કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અબ્દુલ્લાહ સાલેહ પંજશીર છોડીને તાજિકિસ્તાન ભાગી ગયા છે. જોકે સાલેહે આ દાવાનું ખંડન કર્યું છે. તેમનું કહેવું છે કે તેઓ હજુ પણ પંજશીરમાં જ છે અને તાલિબાનોનો મુકાબલો કરી રહ્યા છે.

સાલેહએ સોશિયલ મીડિયામાં એક વીડિયો જાહેર કરી આ દાવાને ખોટો ગણાવ્યો છે અને કહ્યું હતું કે તેઓ આજીવન તાલિબાનોનો વિરોધ કરતા રહેશે. પંજશીર તાલિબાનોના કબજામાં હોવાનો દાવો ખોટો છે. અમારી સેના તાલિબાનોનો જોરદાર સામનો કરી રહી છે. તેમણે પાકિસ્તાન પર પોતાની હત્યા કરાવવાનો પણ આરોપ લગાવ્યો છે. સાલેહ દ્વારા એક વીડિયો જાહેર કરી પોતાની વાત રજૂ કરી છે.

પંજશીર કાં તો આજે રાત્રે કે કાલ સવાર સુધીમાં સમર્પણ કરી દેશે
તાલિબાન શુક્રવારે સરકારની જાહેરાત કરવાનું હતું, પરંતુ પંજશીરની લડાઈના કારણે તેઓ ન કરી શક્યા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પંજશીર કાં તો આજે રાત સુધીમાં કે શનિવારની સવાર સુધીમાં સમર્પણ કરી દેશે. એ બાદ જ તાલિબાન સરકારની જાહેરાત કરશે. તાલિબાને પંજશીરને ચારેબાજુથી ઘેરી લીધું છે. આજે ભીષણ લડાઈ થઈ છે. બંને તરફથી પોતપોતાના દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે બહારના લોકોની મદદ વગર પંજશીર તાલિબાન સામે વધુ સમય સુધી ટકી નહીં શકે. પંજશીર દ્વારા આત્મસમર્પણની જાહેરાત થતાંની સાથે જ તાલિબાન નવી સરકારની જાહેરાત કરી દેશે.

તાલિબાન મિલિટરી વાહનને મસૂદની સેનાએ રોકેટથી ઉડાવ્યું
પંજશીરમાં તાલિબાનોને મોટું નુકસાન થઈ રહ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. હામિદ મસૂદની રેઝિસ્ટન્સ ફોર્સે તાલિબાનના લડવૈયાઓને પંજશીરમાં ઘૂસવાનું મુશ્કેલ બનાવી દીધું છે. આ પહાડી પ્રાંતમાં મસૂદના લડવૈયાઓએ દરેક જગ્યાએ એમ્બુશ લગાવી રાખ્યા છે. પંજશીર સમર્થકોએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેમના યૌદ્ધાઓ તાલિબાનોના સૈન્ય વાહનને રોકેટથી ઉડાવતા જોવા મળે છે. રોકેટ છોડ્યા બાદ સૈન્ય વાહન ભંગારમાં ફેરવાઈ ગયું હતું. એટલું જ નહીં, રોકેટથી હુમલો કર્યા બાદ પંજશીરના યૌદ્ધાઓ ફાયરિંગ કરતા પણ જોવા મળ્યા. આ વીડિયો કંઈ જગ્યાનો છે તેની કોઈ જ પુષ્ટિ થઈ નથી.

અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવા અંગેનો નિર્ણય શનિવારે લેવાય શકે છે
અફઘાનિસ્તાનમાં શુક્રવારે નવી સરકારની જાહેરાત થવાની હતી, પરંતુ તાલિબાનના ટોચના નેતાઓએ આ અંગેનો નિર્ણય આજે ટાળી દીધો છે. હવે નવી સરકારના ગઠનને લઈને આવતીકાલે એટલે કે 4 સપ્ટેમ્બરે નિર્ણય લેવામાં આવશે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુઝાહિદ મુજબ નવી સરકારની જાહેરાત હવે શનિવારે કરવામાં આવશે.

આ પહેલાં ન્યૂઝ એજન્સી રોઇટર્સનાં સૂત્રોએ જણાવ્યું હતું કે મુલ્લા બરાદર અફઘાનિસ્તાનની નવી સરકારની કમાન સંભાળશે. તો તાલિબાનના ફાઉન્ડર મુલ્લા ઉમરના દીકરા મુલ્લા મોહમ્મદ યાકૂબ અને સાથે જ શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝઇને પણ તાલિબાની સરકારમાં મહત્ત્વનું પદ આપવામાં આવશે. આ તમામ કાબુલ પહોંચી ગયા છે. ભાસ્કરનાં સૂત્રોના જણાવ્યા મુજબ, અફઘાનિસ્તાનની વાસ્તવિક સત્તા શૂરા સમિતિના હાથમાં જ રહેશે.

મુલ્લા બરાદાર કોણ છે?

  • તાલિબાનના સહ-સ્થાપક મુલ્લા બરાદર સંગઠનમાં બીજા નંબરનો નેતા છે. મુલ્લા બરાદરે 1996થી 2001 સુધી તાલિબાન શાસનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અમેરિકાએ 2001માં હુમલો કર્યો એ સમયે તેઓ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારમાં સંરક્ષણમંત્રી હતા. 2001 પછી જ્યારે અમેરિકાએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે મુલ્લા બરાદર પાકિસ્તાન ચાલ્યો ગયો.
  • 2010માં પાકિસ્તાને મુલ્લા બરાદરને જેલમાં ધકેલી દીધો, કારણ કે તેના પર આરોપ લાગ્યા હતા કે પાકિસ્તાનને વિશ્વાસમાં લીધા વગર અફઘાન સરકાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યા હતા. જોકે બાદમાં પાકિસ્તાને બરાદારને મુક્ત કર્યો હતો.
  • 2018માં તાલિબાને કતારના દોહામાં પોતાનું રાજકીય કાર્યાલય ખોલ્યું હતું. ત્યાં અમેરિકા સાથે શાંતિ મંત્રણા માટે ગયેલા લોકોમાં બરાદર અગ્રણી હતો. તેમણે હંમેશાં અમેરિકા સાથે વાતચીતનું સમર્થન કર્યું છે.
અન્ય સમાચારો પણ છે...