શનિવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનના ખોસ્ત અને કુનાર પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર પેસા મિલા અને મીર સફર બોમ્બ વિસ્ફોટમાં 5 બાળકો અને 1 મહિલાના મોત થયા છે. જોકે, સ્થાનિકોનું કહેવું છે કે આ હુમલો ખોસ્તના સ્પેરા જિલ્લામાં થયો હતો, જેમાં 40થી વધુ લોકોના મોત થયા છે. હવાઈ હુમલા બાદ અફઘાનિસ્તાનના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો.
આ હુમલા અંગે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. જોકે, ત્યાંના મીડિયાનું કહેવું છે કે એરસ્ટ્રાઈક મારફતે તહરીક-એ-તાલિબાન (TTP) પર હુમલો કરવામાં આવ્યો હતો.
એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાની રાજદૂતનો સંપર્ક કરાયો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે આ હુમલાની સખત નિંદા કરી છે. હવાઈ હુમલા બાદ તાલિબાન સરકારે પાકિસ્તાનના રાજદૂત મન્સૂર અહેમદ ખાનનો સંપર્ક કર્યો છે. આ દરમિયાન અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી અને નાયબ રક્ષા મંત્રી અલ્હાજ મુલ્લા શિરીન અખુંદ હાજર હતા.
અફઘાનિસ્તાનની ધીરજની કસોટી ન કરે પાકિસ્તાન
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે ટ્વીટ કરીને પાકિસ્તાન સરકારને ચેતવણી આપી છે. તેમણે કહ્યું- અફઘાનિસ્તાનની સરકાર પાકિસ્તાન પાસેથી માંગ કરે છે કે તે આવા મામલામાં અફઘાનિસ્તાનની ધીરજની કસોટી ન કરે. જો ફરી આવી ભૂલ થશે તો તેના ખરાબ પરિણામો આવશે. બંને દેશો વચ્ચેની સમસ્યાઓ રાજકીય માધ્યમથી ઉકેલવી જોઈએ.
એરસ્ટ્રાઈક મારફતે TTPને નિશાન બનાવ્યા
પાકિસ્તાની મીડિયાલ અનુસાર, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને પશ્તુન ઈસ્લામિક જૂથને હવાઈ હુમલા દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પહેલા શુક્રવારે અફઘાનિસ્તાનના ગોર્બજ જિલ્લામાં પાકિસ્તાની અને અફઘાન સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.