અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અબ્દુલ રશીદ દોસ્તમનો પુત્ર યાર મોહમ્મદ દોસ્તમ તાલિબાનની ચુંગલમાંથી બહાર આવ્યો છે અને તેના પિતા પાસે પહોંચી ગયો છે. યાર મોહમ્મદ દોસ્તમ બુધવારે રાત્રે જવજ્જાન એરપોર્ટ પર તાલિબાનની ઘેરાબંધીમાં પકડાયો હતો. એવા અહેવાલો હતાં કે યાર મોહમ્મદ દોસ્તમને કેટલાક અફઘાન સૈનિકો સાથે બંદી બનાવવામાં આવ્યો હતો.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ રાશિદ દોસ્તમના નજીકના એક સૂત્રે ભાસ્કરને કહ્યું, 'યાર મોહમ્મદ દોસ્તમને એરપોર્ટ પર તાલિબાને ઘેરી લીધો હતો, પરંતુ તેના અપહરણના સમાચાર ખોટા હતા. ત્યાં ભીષણ લડાઈ બાદ યાર મોહમ્મદ તાલિબાનની ઘેરાબંધીમાંથી બહાર આવ્યો છે. તે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને મોડી રાત્રે મઝાર-એ-શરીફમાં તેમના પિતાને પણ મળ્યા છે.'
દોસ્તમના દીકરાનું અપહરણ અફઘાન સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવતો હતો. તેમના સુરક્ષિત હોવાની ખબર આવવા પર અફઘાન સરકારને હાલ રાહત મળી છે. દોસ્તમ ઉત્તરી અફઘાનિસ્તાનના મોટા નેતા છે. તેમણે 90ના દાયકામાં અફઘાનિસ્તાનમાં નોર્થર્ન અલાયન્સ ઊભું કર્યું હતું. ઈસ્લામિક એમિરેટ ઓફ અફઘાનિસ્તાનના કાબુલ પર કબજો કર્યા પછી એને અફઘાનિસ્તાનની મુક્તિ માટે બનાવવામાં આવ્યું હતું. એનું ઓફિશિયલ નામ યુનાઈટેડ ઈસ્લામિક ફ્રન્ટ હતું.
બુધવારે રાષ્ટ્રપતિએ કરી હતી દોસ્તમ સાથે મુલાકાત
અફઘાની રાષ્ટ્રપતિ અશરફ ગની બુધવારે મજાર-એ-શરી ગયા હતા. અહીં અશરફ ગનીએ અબ્દુલ રાશિદ દોસ્તમ અને બલ્ખના પૂર્વ ગવર્નરે અતા મોહમ્મદ નૂર સાથે શહેરની સુરક્ષા વિશે વાત કરી હતી. કારણ કે તાલિબાને મજાર-એ-શરીફ શહેરના બહારના વિસ્તાર પર કબજો કર્યો હતો.
જો મજાર પર તાલિબાને કબજો કરી લીધો તો એ કાબુલ સરકાર માટે ખૂબ મોટો ઝટકો માનવામાં આવશે. આ શહેરની સાથે ઉત્તરી અફઘાનિસ્તાન સંપૂર્ણ રીતે તાલિબાનના કબજામાં આવી જશે. 1998માં તાલિબાને મજાર પર કબજો કર્યા પછી અંદાજે 2000 લોકોની હત્યા કરી દીધી હતી.
તાલિબાનોએ કંધાર સેન્ટ્રલ જેલ પર હુમલો કર્યો
અફઘાનિસ્તાન પર ઝડપથી કબજો કરતા તાલિબાને કંધાર શહેર પર પણ હુમલો કર્યો છે. અહીં તાલિબાનોએ કંધાર સેન્ટ્રલ જેલ પર હુમલો કરીને તેને તોડી નાખી હતી અને ત્યાર પછી અહીંથી હજારો રાજકીય કેદીઓને છોડાવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. અફઘાન મીડિયા આઉટલેટ્સે તાલિબાનના પ્રવક્તા કારી યુસુફ અહમદી દ્વારા ખુલાસો કર્યો છે કે તાલિબાન બુધવારે કંધાર સેન્ટ્રલ જેલ જીતવામાં સફળ રહ્યા છે.
જોકે આવું પહેલી વાર નથી થયું, જ્યારે તાલિબાનોએ કંધારની સરપોસા જેલમાંથી કેદીઓને આઝાદ કરાવ્યા છે. આ પ્રમાણે 2008માં અને ત્યાર પછી 2011માં જેલ પરિસરમાં હુમલો કર્યો હતો. તાલિબાન પ્રવક્તા કારી યુસુફ અહમદીએ કહ્યું હતું કે ઘણા સમયથી ઘેરાબંધી અને હિંસક હુમલાના પરિણામ સ્વરૂપે મધ્ય શહેર કંધારની સેન્ટ્રલ જેલને આજે સંપૂર્ણ રીતે જીતી લીધી છે. અહીં તહેનાત સુરક્ષાકર્મીઓએ હથિયાર નાખીને આત્મસમર્પણ કરી લીધું છે અને દરેક કેદીઓને છોડાવી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે જે કેદીઓને છૂટ્યા છે તેમનું સ્વાગત છે.
તાજેતરમાં જ કંધાર જેલથી બીજી જગ્યાએ મોકલવામાં આવ્યા છે 3,000 કેદી
કંધાર જેલ પર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે તાલિબાનો ઝડપથી અફઘાનિસ્તાનનાં રાજ્યો પર કબજો જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પહેલાં પણ તાલિબાનોએ કંધાર જેલની ઘેરાબંધી કરીને કેદીઓને છોડવાની માગણી કરી હતી. તાજેતરમાં જ થોડા સમય પહેલાં રાષ્ટ્રપતિ અશરફ ગનીની સરકારે 3,000થી વધારે તાલિબાન લડાકુઓને કંધાર જેલમાંથી અન્ય જગ્યાએ ટ્રાન્સફર કર્યા છે. જોકે એ પછી પણ બુધવારે અહીં હજારોની સંખ્યામાં તાલિબાન લડાકુઓ હાજર હતા. આ જ કારણ હતું કે તાલિબાને કંધાર પર હુમલો કર્યા પછી તરત જ જેલ પર ઘેરો નાખીને હજારો સૈનિકોને છોડાવી લીધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.