તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:Kneeling: ટ્રમ્પના આગમન સાથે શરૂ થયેલું વિરોધનું અહિંસક શસ્ત્ર ટ્રમ્પની વિદાયનું કારણ બનશે?

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘૂંટણિયે બેસીને અશ્વેતોની વિરુદ્ધના અત્યાચારો સામે વિરોધ નોંધાવવાની શરૂઆત 2016માં અમેરિકન ખેલાડી કોલિન કેપરનિકે કરી હતી
  • કોલિને ત્યારે નવા આવેલા પ્રમુખ ટ્રમ્પની અશ્વેત વિરોધી નીતિઓની ટીકા કરવા માટે રાષ્ટ્રગીત વખતે નીલિંગ કરવાની શરૂઆત કરી હતી
  • કેનેડિયન PM જસ્ટિન ટ્રુડોએ પણ જાહેરમાં Kneeling કરીને પોલીસ દ્વારા જ્યોર્જ ફ્લોઈડની હત્યાની સામે વિરોધ વ્યક્ત કર્યું

અમેરિકામાં પોલીસ દ્વારા જ્યોર્જ ફ્લોઇડ નામના અશ્વેતની હત્યા સમગ્ર વિશ્વમાં ગાજી રહી છે. દસ દિવસથી અમેરિકા રીતસર સળગી રહ્યું છે. ડેરેક શોવિન નામના પોલીસ અધિકારીએ જ્યોર્જને જમીન પર છાતીભેર સૂવડાવીને નવ મિનિટ સુધી એની ગરદન પર પોતાનું ગોઠણ દબાવી રાખ્યું. પરિણામે શ્વાસ રૂંધાવાને કારણે જ્યોર્જનું મૃત્યુ થયું. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ‘બ્લેક લાઈવ્સ મેટર’ની મુવમેન્ટ ચરમસીમાએ છે. તેમાં બ્લેક લોકો અને આ વિરોધ પ્રદર્શનો પ્રત્યે પોતાની સહૃદયતા દર્શાવવા માટે ‘નીલિંગ’ (Kneeling) નામની શારીરિક ચેષ્ટા ભારે ચલણી બની છે. અમેરિકાના સંખ્યાબંધ પોલીસકર્મીઓ વિરોધ પ્રદર્શન કરી રહેલાં ટોળાંની સામે ઘૂંટણિયે પડીને અને પોતાનું માથું નમાવીને કેટલીક મિનિટો સુધી બેસી રહે છે. આ ચેષ્ટાને ‘Take a Knee’ કે ‘Kneeling’ કહે છે. અમેરિકન પ્રેસિડેન્ટ આ નીલિંગની ચેષ્ટાના સખત વિરોધમાં છે, જ્યારે કેનેડિયન પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે જાહેરમાં નીલિંગ કરીને આ ચેષ્ટાને સત્તાવાર આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપી દીધું છે.

Kneeling મુદ્દે ટ્રમ્પ અને ટ્રુડો સામસામે
શુક્રવારે કેનેડાના ઓટાવામાં પાર્લામેન્ટ ભવનની સામે પણ કેનેડિયન લોકોએ અમેરિકામાં જ્યોર્જ ફ્લોઈડની નિર્મમ હત્યા અને બ્લેક લોકોની સામે થઈ રહેલી હિંસાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓ કેનેડિયન પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોને ઉદ્દેશીને ‘સ્ટેન્ડ અપ ટુ ટ્રમ્પ!’ના નારા લગાવી રહ્યા હતા. સૌના આશ્ચર્ય વચ્ચે જસ્ટિન ટ્રુડો ત્યાં પ્રદર્શન કરી રહેલા લોકોની વચ્ચે આવ્યા, એટલું જ નહીં, તેમણે ટોળાની વચ્ચે ઘૂંટણિયે પડીને Kneeling કર્યું. એ પણ એક નહીં, ત્રણ-ત્રણ વખત! એ વખતે ટ્રુડો ચહેરા પર કાળા રંગનો માસ્ક પહેરીને આવ્યા હતા, તેને પણ સૂચક રીતે જોવામાં આવી રહ્યું છે.

બીજી બાજુ અમેરિકામાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્ટેન્ડ આ નીલિંગની ચેસ્ટાની તદ્દન વિરુદ્ધમાં છે. ખાસ કરીને રાષ્ટ્રગીત સમયે કરાતું નીલિંગ. જ્યારે ટ્રુડો કેનેડામાં નીલિંગ કરીને ‘નો જસ્ટિસ=નો પીસ’ રેલીને પોતાનું સમર્થન આપી રહ્યા હતા, ત્યારે ટ્રમ્પે ટ્વિટર પર સ્પષ્ટ શબ્દોમાં લખી નાખ્યું કે, ‘ગ્રેટ અમેરિકન ફ્લેગની સામે સૌએ ટટ્ટાર રહીને સલામી સાથે કે હૃદય પર હાથ રાખીને ઊભા રહેવું પડશે.’ એ પછી કેપિટલ અક્ષરોમાં લખ્યું, ‘NO KNEELING!’

દરઅસલ, થોડા દિવસ પહેલાં અમેરિકાના નેશનલ ફૂટબૉલ લીગના સિનિયર ખેલાડીએ ‘યાહૂ ફાઈનાન્સ’ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહેલું કે, ‘અમેરિકન રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી કોઈપણ વ્યક્તિની સાથે એ ક્યારેય સહમત નહીં થાય.’ પરંતુ પછી ‘ESPN’ સાથેની વાતચીતમાં એણે ફેરવી તોળ્યું કે રેસિયલ ઈક્વાલિટી એટલે કે વંશીય સમાનતાના મુદ્દે એ પોતાના ટીમના સાથીદારોની સાથે જ છે અને દેશના સૈન્ય ઈતિહાસ-વર્તમાનની પણ સાથે છે. આ જવાબ સામે ભડકીને ડોનાલ્ડ ટ્રમ્પે કડક રિએક્શન આપ્યું હતું. 

રગ્બીની મેચથી શરૂ થયેલો વિરોધ દુનિયામાં ફેલાયો

કોલિન કેપરનિક (વચ્ચે)એ 2016માં NFLની મૅચ વખતે રાષ્ટ્રગીત દરમિયાન નીલિંગ કરીને આ પ્રથા શરૂ કરી હતી
કોલિન કેપરનિક (વચ્ચે)એ 2016માં NFLની મૅચ વખતે રાષ્ટ્રગીત દરમિયાન નીલિંગ કરીને આ પ્રથા શરૂ કરી હતી

Kneeling જેવી તદ્દન અહિંસક ચેષ્ટાના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા કોઈને વધારે પડતી લાગી શકે. પરંતુ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બનશે એવું નક્કી થયું ત્યારથી જ આ નીલિંગ એમનો પીછો કરી રહ્યું છે. રગ્બીના જોડિયા ભાઈ જેવી અમેરિકન ફૂટબોલમાં પણ ક્રિકેટ અને અન્ય રમતોની જેમ મૅચની શરૂઆતમાં રાષ્ટ્રગીત વગાડવાની અને તેના માનમાં ખેલાડીઓએ અટેન્શનમાં ઊભા રહેવાની પ્રથા છે. ઓગસ્ટ 2016માં નેશનલ ફૂટબોલ લીગ (NFL)ની આવી જ એક મૅચમાં ‘સાન ફ્રાન્સિસ્કો 49ers’ ટીમનો ખેલાડી કોલિન કેપરનિક રાષ્ટ્રગીત વખતે Kneelingની મુદ્રામાં માથું નમાવીને ઘૂંટણિયે બેસી રહ્યો. એની સાથે એનો સાથી ખેલાડી એરિક રીડ પણ જોડાયો. પાછળથી બંનેએ સોય ઝાટકીને કહ્યું કે અમેરિકામાં અશ્વેત લોકો વિરુદ્ધ જે પોલીસ અત્યાચાર થાય છે અને ટ્રમ્પની સરકાર દ્વારા જે અશ્વેતોની વિરુદ્ધની નીતિઓ ચલાવાઈ રહી છે તેની વિરુદ્ધમાં આ તેમનો સત્યાગ્રહ છે. પછી તો 2016ની આખી સીઝન દરમિયાન કેટલાય ખેલાડીઓ આ Kneelingની મુદ્રામાં રાષ્ટ્રગીત વખતે પોતાનો વિરોધ નોંધાવતા રહ્યા. 

આ Kneelingનો આઈડિયા આવ્યો ક્યાંથી?
અમેરિકન ખેલાડી કોલિન કેપરનિકને આ Kneelingનો આઇડિયા અન્ય એક વરિષ્ઠ ખેલાડી નેટ બોયરે આપ્યો હતો. શરૂઆતમાં કેપરનિકે રાષ્ટ્રગીત વખતે બેસીને પોતાનો વિરોધ નોંધાવવાનું નક્કી કરેલું. નેટ બોયરે અમેરિકન મીડિયા કંપની ‘NPR’ (નેશનલ પબ્લિક રેડિયો)ને કહેલું કે, ‘કેપરનિકે ચોખ્ખું કહેલું કે જે દેશ પોતાને ત્યાંના અશ્વેતોની રક્ષા ન કરી શકતો હોય તે દેશના રાષ્ટ્રધ્વજ માટે હું સન્માનમાં ઊભો નહીં રહી શકું. હું એની વાત સાથે સહમત હતો, પરંતુ મેં એને કહ્યું કે રાષ્ટ્રગીત વખતે બેસી રહેવું યોગ્ય નહીં લાગે, એના કરતાં ઘૂંટણિયે પડીને Kneeling કરવું વધુ બહેતર રહેશે. વાત તો નાખુશી જાહેર કરીને વિરોધ જતાવવાની જ છે ને. એ તો Kneelingથી પણ સાબિત થઈ જાય છે.’

જોકે ડોનાલ્ડ ટ્રમ્પ સતત આને રાષ્ટ્રધ્વજનું અપમાન ગણાવતા રહ્યા છે.  તેની સામે બોયરનું કહેવું છે કે, નીલિંગ સતત આપણા ઈતિહાસનો ભાગ રહ્યું છે અને ક્યારેય તે અપમાનનો પર્યાય નથી ગણાયું. લોકોને નાઈટહૂડ એનાયત થાય ત્યારે તે નીલિંગ કરે છે, પ્રેયસીને પ્રપોઝ કરીએ ત્યારે લોકો નીલિંગ કરે છે, પ્રાર્થના કરતી વખતે પણ લોકો નીલિંગની મુદ્રામાં બેસે છે. ઈવન, સૈનિકો પોતાના શહીદ થયેલા સાથીદારોની કબર પર તેમને અંજલિ આપવા માટે પણ નીલિંગ કરે છે.

વિરોધ અને વિવાદનો સિલસિલોઃ મેદાનથી સંસદ સુધી
નેશનલ ફૂટબૉલ લીગ (NFL)ની ત્યાર પછીની તમામ સીઝનમાં Kneelingનો વિવાદ યથાવત રહ્યો. NFLએ તો એવો નિયમ લાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો કે ખેલાડીઓ માટે મેદાનમાં રાષ્ટ્રગીત વખતે ઊભા રહેવું ફરજિયાત રહેશે, નહીંતર તેમણે પોતાના લૉકર રૂમમાં જ રહેવું. જો કોઈ ખેલાડી આ નિયમને નહીં માને તો તેને ચાર મેચ માટે સસ્પેન્ડ કરી દેવાશે. આની સામે ‘ફિલાડેલ્ફિયા ઈગલ્સ’ ટીમના ખેલાડીઓએ કહ્યું કે તેઓ વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પને મળવાનો ઈનકાર કરી દેશે. 

આટલી બબાલો પછીયે NFLની ગયા વર્ષની સીઝનમાં પણ ‘કેરોલિના પેન્થર્સ’, ‘હ્યુસ્ટન ટેક્સન્સ’, ‘મિયામી ડોલ્ફિન્સ’ જેવી ટીમોના ખેલાડીઓએ અમેરિકન રાષ્ટ્રગીત વખતે Kneeling કરવાનું ચાલુ રાખ્યું. 

જોકે 2017માં એક NFL મેચ વખતે ખેલાડીઓએ રાષ્ટ્રગીત દરમિયાન નીલિંગ કરતાં સ્ટેડિયમમાં મૅચ જોવા આવેલા વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સે તાત્કાલિક વૉકઆઉટ કરેલું.

અશ્વેતોની સામેના અત્યાચાર અને ભેદભાવના આ અહિંસક વિરોધમાં ફૂટબૉલ, બાસ્કેટબોલ, બેઝબોલ, આઈસ હોકી જેવી અન્ય રમતોના ખેલાડીઓ પણ જોડાયા. સપ્ટેમ્બર, 2016માં વિદાય લઈ રહેલા પ્રમુખ બરાક ઓબામાએ પણ નીલિંગને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો બંધારણિય અધિકાર ગણાવીને કેપરનિકને સમર્થન આપ્યું હતું.

2017માં US રિપ્રેઝન્ટેટિવ શીલા જેક્સન લીએ અને કોંગ્રેસમેન માર્ક પોકને હાઉસ ઓફ રિપ્રેન્ટેટિવ્સની અંદર નીલિંગ કરીને આ ચેષ્ટાને બંધારણિય ઈમારતની અંદર લાવી દીધી હતી.

હવે સમાનતાની અહાલેકનું સત્તાવાર પ્રતીક

અત્યાર સુધીમાં હજારો પોલીસ કર્મીઓ જાહેરમાં Kneeling કરીને અશ્વેતો પરના અત્યાચાર બદલ માફી અને પ્રદર્શનકારીઓ સાથે પોતાની સહૃદયતા દર્શાવી ચૂક્યા છે
અત્યાર સુધીમાં હજારો પોલીસ કર્મીઓ જાહેરમાં Kneeling કરીને અશ્વેતો પરના અત્યાચાર બદલ માફી અને પ્રદર્શનકારીઓ સાથે પોતાની સહૃદયતા દર્શાવી ચૂક્યા છે

અમેરિકાના રસ્તાઓ પર પ્રદર્શન કરી રહેલા ટોળાંઓને શાંત કરવા માટે અમેરિકાની પોલીસ હવે જાતે જ તેમની સામે ઝૂકીને Kneeling કરીને પોતાનો સપોર્ટ જાહેર કરે છે. અત્યાર સુધીમાં તમામ પાયરીએ રહેલા હજારો પોલીસ કર્મીઓ-પોલીસ અધિકારીઓ જાહેરમાં Kneeling કરી ચૂક્યા છે. 

સ્વીડનમાં તો શુક્રવારે કોરોના સામે લડી રહેલા સંખ્યાબંધ હેલ્થકેર વર્કર્સ જાહેરમાં દસ મિનિટ સુધી શાંતિથી Kneelingમાં બેસી રહ્યા હતા અને આ રીતે જ્યોર્જ ફ્લોઈડની હત્યાના વિરોધમાં થઈ રહેલાં પ્રદર્શનોને પોતાનો ટેકો આપ્યો હતો. હવે જસ્ટિન ટ્રુડોએ પણ Kneeling કરીને આ ચેષ્ટાને સત્તાવાર  સમર્થન આપી દીધું છે.

Kneelingના વિવિધ રંગઃ વિરોધ, માફી અને સહૃદયતા
રસપ્રદ વાત એ છે કે Kneeling એક જ છે, પણ કોણ કરે છે તે પ્રમાણે તેના અર્થ બદલાતા રહે છે. રગ્બી ખેલાડી કેપરનિકે 2016માં જ્યારે Kneelingની શરૂઆત કરેલી ત્યારે તેનો આશય અશ્વેતોની સામે થઈ રહેલા અત્યાચાર અને અમેરિકન સત્તાધીશો સામે વિરોધનો પોકાર મુખ્ય કારણ હતું. પરંતુ ધીમે ધીમે તેની આ ચેષ્ટામાં અન્ય ખેલાડીઓ જોડાતા ગયા-જેમાં વ્હાઈટ ખેલાડીઓ પણ સામેલ હતા. ત્યાંથી આ હેતુમાં સહૃદયતાનો રંગ ભળ્યો. અત્યારે જસ્ટિન ટ્રુડોથી લઈને વિશ્વભરમાં Kneeling એ અશ્વેતોની સામેના અત્યાચાર અને ‘બ્લેક લાઈવ્સ મેટર’ ઝુંબેશ પ્રત્યેની સહૃદયતા બતાવવા માટેનું પ્રતીક બની ગયું છે. જ્યારે અમેરિકન પોલીસ પ્રદર્શનકારીઓનાં ટોળાં સામે જે નીલિંગ કરે છે તેમાં માફી માગવાનો ભાવ રહેલો છે. તેઓ પોતાની ફોર્સ દ્વારા કરાયેલા અન્યાયી-ઘાતકી કૃત્ય બદલ ક્ષમા માગવાના ભાવ સાથે ટોળાં સામે Kneelingની મુદ્રામાં માથું ઝુકાવીને બેસી જાય છે, જે ટોળાંનો ઉન્માદ અને ઉશ્કેરાટ ઘણે અંશે શમાવી દે છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser