પૂર્વ એશિયાઈ સમુદ્રમાં તંગદિલી વ્યાપી ગઇ છે. ચીની ડ્રેગને નાનકડા પાડોશી દેશ તાઇવાનની ઘેરાબંધી શરૂ કરી દીધી છે. ચીને તાઇવાની સમુદ્રમાં તેની સૌથી મોટી વૉરગેમ છેડી છે. અમેરિકી સંસદનાં સ્પીકર નેન્સી પેલોસીના પ્રવાસ બાદથી યુદ્ધની આશંકા સેવાઈ રહી છે. તાઈવાનને ચીનના ઈરાદાને જોઈ તેની સુરક્ષા માટે અમેરિકી હથિયારોનો લગભગ 1.34 લાખ કરોડ રૂ.નો ભંડાર એકઠો કરી લીધો છે. તાઈવાને આ તૈયારી ફેબ્રુઆરીમાં રશિયાના યુક્રેન પર હુમલા બાદથી ઝડપી બનાવી હતી.
વાયુસીમાનું ઉલ્લંઘન કરનાર ચીની ફાઈટર જેટથી સુરક્ષા માટે તાઇવાને જુલાઈમાં જ અમેરિકા સાથે 855 કરોડ રૂ.ની ડીલ કરી હતી. તાઈવાન પાસે ઘાતક હથિયારો છે જેમાં શેંગ ફેંગ-3 સુપરસોનિક એન્ટિ શિપ મિસાઈલ સામેલ છે. તે તાઈવાનનું સૌથી મોટું સુરક્ષા કવચ છે. તાઈવાને તેને કિલર વૉર કેરિયર શિપ તુઓ શિંગ ક્લાસ પર તહેનાત કરી છે. 2015માં તાઇવાની નેવીમાં સામેલ તુઓ શિંગ પર તહેનાત 2 હજાર નૌસૈનિકો સતત તાઇવાની જળ સીમામાં પેટ્રોલિંગ કરતા રહે છે.
ચીન સૌથી પહેલા મિસાઈલ અટેક કરશે
તાઈવાની નેવીના પૂર્વ એડમિરલ લી સાઈ મિન અને પૂર્વ એડમિરલ એરિક લીએ દાવો કર્યો હતો કે ચીન દાયકાઓથી તાઈવાન પર કબજો કરવાનો ઈરાદો ધરાવે છે. ચીન સાથે મુકાબલો કરવા તાઈવાને ગત 10 વર્ષથી જ સૈન્યને મજબૂત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મિન કહે છે કે ચીન સૌથી પહેલાં મિસાઈલ અટેક કરશે. તેના પછી જ તે પાણીના માર્ગે હુમલો કરવાની રણનીતિ અમલમાં લાવશે. સૌથી છેલ્લે તે સૈન્યને ઉતારશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.