કોરોના:100 દિવસ પછી સિડની ખૂલ્યું, રસ્તા પર ફ્રીડમ ડેની ઉજવણી

વોશિંગ્ટન17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરક્ષા પાલન કરીને વાઈરસ સાથે જીવવાનો સંકલ્પ

કડક લૉકડાઉનના 100 દિવસ પછી સોમવારે જેવા ઘડિયાળમાં 12:01 વાગતા જ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના લોકો રસ્તા પર ઉતરી પડ્યા. વેલકમ બેક સિડનીની ગૂંજ, રસ્તા પર દોડતાં વાહનો અને ખુશીથી એકબીજાને આવકારતા લોકો. પબ-રેસ્ટોરન્ટ, સલૂન, બેકરી અને જિમમાં ફૂટફૉલ વધ્યા અને લોકોએ ફ્રીડમ ડેની ઉજવણી કરી. લોકોએ સુરક્ષાનું પાલન કરીને કોરોના વાઈરસ સાથે જીવવાનો સંકલ્પ પણ લીધો.

આ પ્રકારનું ઓપનિંગ શક્ય બન્યું, ન્યૂ સાઉથ વેલ્સ પ્રાંતમાં, જ્યાં સિડની પણ છે. ત્યાં 16 વર્ષથી વધુ વયના 74% લોકોને રસીનો બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. વડાપ્રધાન સ્કોટ મોરિસને સિડનીના લોકોને સંદેશ આપતા કહ્યું કે, તમે બધા પોતાના પરિવાર અને મિત્રો સાથે આનંદ કરો. આપણે બધા આ દિવસની રાહ જોતા હતા. ઓસ્ટ્રેલિયાએ આગામી મહિનાથી રસીના બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને દેશમાંથી આવવા-જવાની મંજૂરી આપી દીધી છે.

લોકોએ ઘરમાં હેર કટ કરીને હેર સ્ટાઈલ બગાડી નાંખી હતી
અહીંના વિખ્યાત બોન્ડી બીચ પર જૂનની તુલનામાં 17% વધુ લોકો આવ્યા. હેર સલૂન ચલાવનારા હરદી જહરે કહ્યું કે, લોકોએ લૉકડાઉનમાં ઘરોમાં જ પોતાના વાળ કાપીને હેર સ્ટાઈલ બગાડી નાંખી હતી, જેને હવે હું સુધારી રહ્યો છું.

અન્ય દેશો સરહદો ખોલી રહ્યા છે, ન્યૂ નોર્મલ સાથે જિંદગી
ઈન્ડોનેશિયા: અમુક પ્રતિબંધો હટાવ્યા

ઈન્ડોનેશિયાએ સોમવારે 18 અન્ય દેશમાંથી આવનારા લોકો માટે ફરજિયાત ક્વોરેન્ટાઈનનો સમય 5 દિવસનો કરી દીધો. અહીં 21% લોકોને જ બંને ડોઝ અપાયા છે.

મલેશિયા: નવ મહિના પછી ટ્રાવેલ
મલેશિયાએ સોમવારે દેશની અંદર વાહનવ્યવહાર ખોલી દીધો છે. મલેશિયામાં હજુ સંક્રમણના હજારો કેસ નોંધાય છે અને રોજ સરેરાશ 100નાં મોત થાય છે.

વિયેતનામ: બંને ડોઝ લેનારાને મંજૂરી
વિયેતનામે બંને ડોઝ લઈ ચૂકેલા વિદેશીઓ માટે ડિસેમ્બરથી સરહદો ખોલવાની જાહેરાત કરી છે. વિયેતનામે જૂનથી સંપૂર્ણપણે સરહદો ખોલવાનું લક્ષ્ય રાખ્યું છે.

થાઈલેન્ડ: આવતા મહિને બેંગકોક ખૂલશે
થાઈલેન્ડે આવતા મહિનાથી રાજધાની બેંગકોક સહિત દેશનાં અન્ય પ્રવાસન સ્થળો ખોલવાની જાહેરાત કરી છે. અહીં 31%ને જ બંને ડોઝ આપી શકાયા છે.


અન્ય સમાચારો પણ છે...