અમેરિકાના કેલિફોર્નિયામાં 21 જાન્યુઆરીએ થયેલા ફાયરિંગના કેસમાં પોલીસને એક વેનમાં હુમલાખોરનો મૃતદેહ મળ્યો છે. લોસ એન્જલસ ટાઇમ્સે અહેવાલ મુજબ હુમલાખોરે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. જો કે પોલીસે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. હુમલાખોરની શોધમાં પોલીસ શનિવારે મોડી રાતથી સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. તેમને માહિતી મળી હતી કે શંકાસ્પદ હુમલાખોર સફેદ રંગની વાનમાં ભાગી ગયો છે. પોલીસે આ વાનને જોતા જ તેને ઘેરી લીધી હતી. હુમલાખોર એશિયન મૂળનો હોવાનું કહેવાય છે. તેણે કયા કારણોસર હુમલો કર્યો તે જાણી શકાયું નથી.
હવે સમગ્ર મામલો વિગતવાર રીતે જાણો...
1. ચીનના નવા વર્ષની ઉજવણી દરમિયાનની ઘટના
અમેરિકાના કેલિફોર્નિયામાં 21-22 જાન્યુઆરીની વચ્ચેની રાત્રે માસ ફાયરિંગની ઘટના બની હતી. અહીં મોન્ટેરી પાર્ક વિસ્તારમાં સ્થિત એક ડાન્સ હોલમાં લુનર નવા વર્ષની ઉજવણી ચાલી રહી હતી. આ દરમિયાન એક હુમલાખોરે અહીં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 10 લોકોના મોત થયા હતા. જ્યારે 10 લોકો ઘાયલ થયા હતા. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે મૃત્યુ પામેલાઓમાં 5 મહિલાઓનો સમાવેશ થાય છે.
2. હુમલાખોર 20 મિનિટ પછી બીજા ડાન્સ હોલમાં ઘુસ્યો હતો
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, મોન્ટેરી પાર્ક વિસ્તારમાં ડાન્સ હોલમાં હુમલો કર્યાના 20 મિનિટ પછી, હુમલાખોર અલ્હામ્બ્રા વિસ્તારમાં આવેલા અન્ય ડાન્સ હોલમાં ઘુસ્યો હતો. અહીં હાજર લોકો સાથે તેની ઝપાઝપી થઈ હતી. લોકોએ તેની પિસ્તોલ છીનવી લીધી હતી, ત્યારબાદ તે ત્યાંથી નાશી ગયો હતો.
આ ઘટનાને નજરેજોનાર એક વ્યક્તિએ કહ્યું- એક એશિયન વ્યક્તિ હોલમાં ઘુસ્યો હતો. તેના હાથમાં બંદૂક હતી. અમે તેની બંદૂક છીનવી લેવાનો પ્રયાસ કર્યો. અમે બંદૂક છીનવી લેતા જ તે સફેદ રંગની વાનમાં ભાગી ગયો હતો. અમે પોલીસને આ સંપૂર્ણ માહિતી આપી હતી.
3. પોલીસે શંકાસ્પદ એશિયન વ્યક્તિનો ફોટો જાહેર કર્યો
પોલીસે શંકાસ્પદ હુમલાખોરનો ફોટો જાહેર કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરની ઉંમર 30થી 50 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. પોલીસે ફોટો સાથે લખ્યું - શંકાસ્પદ એશિયન વ્યક્તિ છે જેની ઊંચાઈ 5 ફૂટ 10 ઈંચ છે. તે ઘટનાસ્થળે બ્લેક લેધર જેકેટ, કાળી કેપ અને ચશ્મા પહેરીને જોવા મળ્યો હતો.
4. પોલીસે શંકાસ્પદની કારને ઘેરી લીધી
લોકોની પૂછપરછ કર્યા પછી, પોલીસે શંકાસ્પદ અને તેની વાનની શોધ તેજ કરી હતી. યુએસ સમય અનુસાર, રવિવારે સવારે (22 જાન્યુઆરીએ) પોલીસે શંકાસ્પદની સફેદ વાન ટોરેન્સ વિસ્તારમાં પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલી મળી હતી. પોલીસે તરત જ તેને ઘેરી લીધી હતી. ટોરેન્સ, મોન્ટેરી પાર્કથી લગભગ 48 કિ.મી દુર છે. લગભગ એક કલાકની રાહ જોયા પછી, પોલીસે વાનની ડ્રાઇવિંગ સીટનો દરવાજો ખોલ્યો, જ્યાં તેમને એક મૃતદેહ મળ્યો હતો.
આ મામલો રંગભેદ સાથે જોડાયેલો હોઈ શકે છે
કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કહેવામાં આવ્યું છે કે આ મામલો રંગભેદ સાથે જોડાયેલો છે. સ્થાનિક લોકો અને એશિયન સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આમાં 17 વર્ષના મૂળ ચીની ના એક યુવકનું પણ મોત થયું છે. પોલીસ થોડા સમયમાં આ અંગે નિવેદન જારી કરી શકે છે. મોન્ટેરી પાર્કની વસ્તી લગભગ 60,000 છે. આમાંથી 65% એશિયન અમેરિકન છે. આમાંના મોટાભાગના લોકો મૂળ ચીનના છે.
લાઉડ મ્યુઝિકના કારણે ફાયરિંગની જાણ થઈ ન હતી
'સ્કાય ન્યૂઝ' એ સ્થાનિક અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ઘટના સમયે મ્યુઝિક ખૂબ જોરથી વાગી રહ્યું હતું, જો કે લાંબા સમય સુધી તો તે સમજી શકાયું નહીં કે આતશબાજી થઈ રહી છે કે ફાયરિંગ. થોડીવાર પછી ઘાયલ લોકો દોડતા જોવા મળ્યા, ત્યારે જ ખબર પડી કે ફાયરિંગ થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.