• Home
  • International
  • Study online, leave the US, 8 lakh students in India have student visas, the three main points of the Trump government's announcement

ટ્રમ્પ હઠ / ઓનલાઈન ભણો તો US છોડો, ભારતના 8 લાખ વિદ્યાર્થીઓ પાસે સ્ટુડન્ટ વિઝા, ટ્રમ્પ સરકારની જાહેરાતની ત્રણ મુખ્ય વાતો

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.
X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.

  • ઓફલાઈન ભણતા વિદ્યાર્થીઓને જ અમેરિકામાં રોકાઈ જવાની તક મળશે
  • અમેરિકી યુનિ. વિદેશી વિદ્યાર્થી પાસેથી વર્ષે 3 લાખ કરોડ રૂપિયાની કમાણી કરે છે
  • ગુજરાતના લગભગ 25 હજાર વિદ્યાર્થી, ત્રણ વર્ષમાં કુલ 5.84 લાખ વિદ્યાર્થી ગયા

મોહમ્મદ અલી

Jul 09, 2020, 05:02 PM IST

ન્યુયોર્ક. અમેરિકામાં સપ્ટેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવાની જિદ પર અડગ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વિદેશી વિદ્યાર્થીઓને મ્હોરું બનાવ્યા હતા. ટ્રમ્પ સરકારે એ તમામ વિદેશી વિદ્યાર્થીઓને દેશ છોડી જવા આદેશ કર્યો હતો જે સંપૂર્ણપણે ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરી રહ્યા છે. અમેરિકી યુનિવર્સિટીઓના સંગઠન અમેરિકન કાઉન્સિલ ઓન એજ્યુકેશને આ આદેશને ભયાવહ ગણાવ્યો હતો. 

ટ્રમ્પ સરકારની જાહેરાતની ત્રણ મુખ્ય વાતો

  • અમેરિકી યુનિવર્સિટીમાં એડમિશન મેળવી ચૂકેલા જે વિદ્યાર્થીઓના ક્લાસ ફક્ત ઓનલાઈન ચાલી રહ્યા છે તેમને એફ-1 કે એમ-1 વિઝા નહીં મળે. 
  • એવા લોકો જો એફ-1 કે એમ-1 વિઝા મેળવી ચૂક્યા છે તો તેમને તેના આધારે અમેરિકામાં પ્રવેશવા નહીં દેવાય.
  • જો આવા વિદ્યાર્થીઓ અમેરિકામાં રહે છે તો આગામી સેમેસ્ટરથી તેમનું એફ-1 કે એમ-1 સ્ટેટસ સમાપ્ત કરી ડિપોર્ટ કરી દેવાશે.

નિર્દેશ એ વિદ્યાર્થીઓને પ્રભાવિત નહીં કરે જે વ્યક્તિગત રૂપે ક્લાસમાં જઈ રહ્યા છે. ઓનલાઈન અને વ્યક્તિગત બંને પ્રકારના ક્લાસમાં જનારા વિદ્યાર્થીઓ પર પણ તેની અસર નહીં થાય. એમ-1 વોકેશનલ પ્રોગ્રામના વિદ્યાર્થીઓ અને એફ-1 અંગ્રેજી ભાષા પ્રશિક્ષણના વિદ્યાર્થીઓને પણ કોઈ પણ ઓનલાઈન ક્લાસની મંજૂરી નહીં મળે.

ટ્રમ્પ સરકારના નિર્ણયનો અર્થ
ઈમિગ્રેશન એટર્ની સાયરસ મહેતા અનુસાર ટ્રમ્પ સરકાર વિદેશી વિદ્યાર્થીઓ પર દબાણ બનાવી રહી છે કે તે અસુરક્ષિત માહોલમાં ભણવા માટે યુનિવર્સિટી આવે જેથી કોલેજ-યુનિવર્સિટીઓ શરૂ થઈ શકે. નવા આદેશમાં વિદેશી વિદ્યાર્થીઓને ઓનલાઈન અને વ્યક્તિગત હાજરીવાળા ક્લાસમાં મિશ્ર મોડલ પર અમેરિકામાં રહેવાની છૂટ અપાઈ છે. 

નિર્ણયથી બે અસર થશે

  • અમેરિકી શિક્ષણ સંસ્થાઓ વિદેશી વિદ્યાર્થી પાસેથી વર્ષે 3 લાખ કરોડ કમાય છે આથી તેમના પર કેમ્પસમાં ભણાવવાનું દબાણ વધશે.
  • હાર્વર્ડ સહિત કેટલીક યુનિ.એ ઓનલાઈન કોર્સ શરૂ કર્યા છે. તેમાં ભણનારાએ પરત ફરવું પડશે.

મૂંઝવણ : ભારતીય વિદ્યાર્થીઓએ કહ્યું- પૈસા ખર્ચ્યા બાદ પાછા કઈ રીતે જઈશું  
ટ્રમ્પ સરકારના આદેશ પર હજારો ભારતીય વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. કોલંબિયા યુનિવર્સિટીમાં સ્પેશિયાલાઈઝ્ડ પ્રોગ્રામ માટે આવેલા એન્જિનિયર અલી ઈરશાદનું સેશન એપ્રિલમાં શરૂ થયું હતું. ત્યારથી ક્લાસનું આયોજન ઓનલાઈન થઈ રહ્યું છે. તે કહે છે કે અમને ખબર જ નથી કે આગામી સેમેસ્ટરમાં ઓનલાઈન ક્લાસ ચાલશે કે નહીં? માની લો કે જો ઓનલાઈન  ક્લાસ જ ચાલશે તો અમે શું કરીશું? શિક્ષણમાં આટલું રોકાણ કર્યા બાદ અમે ઘરે પાછા કઈ રીતે જઈ શકીએ?  કોરોના મહામારી વચ્ચે જ્યારે કોલંબિયા યુનિવર્સિટીમાં ક્લાસનું ઓનલાઈન આયોજન થયું તો રોહિત શુક્લા નામનો વિદ્યાર્થી મુંબઈ પાછો ફરી ગયો. જો ક્લાસ ઓનલાઈન જ ચાલશે તો તેના જેવા હજારો વિદ્યાર્થીઓ પાછા નહીં ફરી શકે.

સંગઠન અનુસાર તેના લીધે સ્કૂલ-કોલેજ મહામારી વચ્ચે કેમ્પસ ખોલવા મજબૂર થશે, કેમ કે વિદેશી વિદ્યાર્થીઓ કોલેજ-યુનિવર્સિટીઓ માટે કમાણીના મોટા માધ્યમ છે. આ આદેશથી વિદેશી વિદ્યાર્થીઓ ફફડી ઊઠ્યા છે. જ્યારે યુનિવર્સિટીઓ નફા-નુકસાનની ગણતરીમાં વ્યસ્ત થઇ ગઈ છે.  અમેરિકાના ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ(આઈસીઈ)એ સોમવારે કહ્યું હતું કે સંપૂર્ણપણે ઓનલાઇન સંચાલિત સ્કૂલોમાં ક્લાસ એટેન્ડ કરી રહેલા બિન અપ્રવાસી એફ-1  અને એમ-1 વિદ્યાર્થીઓ અમેરિકામાં ના રહી શકે. આદેશ અનુસાર આવા વિદ્યાર્થીઓ અમેરિકા નહીં છોડે તો તેમને બળજબરીપૂર્વક તગેડી મૂકવામાં આવશે. કાયદેસર રીતે અમેરિકામાં રહેવા માટે તેમણે એવી સ્કૂલોમાં ટ્રાન્સફર કરાવવું પડશે જ્યાં વ્યક્તિગત રીતે ક્લાસનું આયોજન થઇ રહ્યું હોય. 

અમેરિકામાં 50માંથી 40 રાજ્યો કોરોના ચેપથી ખરાબ રીતે પ્રભાવિત છે. જ્યારે 30 લાખથી વધુ ચેપગ્રસ્ત મળી ચૂક્યા છે, જેમાંથી 1.32 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. વિપક્ષ અને વાલીઓના વિરોધ વચ્ચે ટ્રમ્પ સતત શાળા-કોલેજો શરૂ કરવા દબાણ કરી રહ્યા છે. તેમણે સોમવારે ટિ્વટ કરી હતી કે આગામી સેમેસ્ટરમાં સ્કૂલો દરેક સ્થિતિમાં શરૂ થઈ જવી જોઇએ. 

આ નિર્ણયને બર્ની સેન્ડર્સે વ્હાઈટ હાઉસની ક્રૂરતા ગણાવી 
અમેરિકન કાઉન્સિલ ઓન એજ્યુકેશનના સિનિયર વાઈસ પ્રેસિડેન્સ ટેરી હર્ટલે જણાવ્યું કે સરકાર સીધી રીતે કેમ્પસ ખોલવા મજબૂર કરી રહી છે. તેના પર કોઈ ધ્યાન નથી કે મહામારીની સ્થિતિને જોતાં જરૂરી શું છે? કોરોનાના ચેપ વચ્ચે અમેરિકામાં મોટા ભાગની સ્કૂલો અને યુનિવર્સિટીઓ ઓનલાઈન ચાલે છે. ચેપ બેકાબૂ થવાને લીધે મોટા ભાગનાં રાજ્યોએ અર્થતંત્રને સંપૂર્ણપણે ખોલવાનો નિર્ણય ટાળ્યો છે. ટ્રમ્પ સરકારના આદેશનું સૌથી ઘાતક પાસું એ છે કે જો કોઈ યુનિવર્સિટી કોરોના ચેપને લીધે બંધ છે તો તેના વિદ્યાર્થીઓને પણ કોઈ છૂટ નથી અપાઈ રહી. એટલે કે હજારો વિદ્યાર્થીઓએ જીવને જોખમમાં મૂકી આવવું જ પડશે. લોકો માને છે કે ટ્રમ્પ લોકો અને સંગઠનોને એવું વર્તન કરવા મજબૂર કરી રહ્યા છે જાણે અમેરિકા સંપૂર્ણપણે ખૂલી જવા તૈયાર છે.

સેનેટર બર્ની સેન્ડર્સે કહ્યું કે આ વ્હાઈટ હાઉસની ક્રૂરતા છે. વિદેશી વિદ્યાર્થીઓને ધમકાવી બે વિકલ્પ અપાઈ રહ્યા છે. જીવ જોખમમાં મૂકી ક્લાસમાં જાઓ કાં તો પછી દેશ છોડો. જ્યારે ટ્રમ્પે ટિ્વટ કરી કે ભ્રષ્ટ જો બિડેન અને ડેમોક્રેટ નથી ઈચ્છતા કે સપ્ટેમ્બરથી સ્કૂલો શરૂ થાય. તેની પાછળ સ્વાસ્થ્ય નહીં પણ રાજકીય કારણો છે. તે વિચારે છે કે તેનાથી નવેમ્બરમાં તેમને મદદ મળશે. ખોટું, લોકો બધું જ જાણે છે.

હાર્વર્ડ યુનિવર્સિટીમાં ક્લાસનું આયોજન ઓનલાઈન જ થશે, અનેકમાં નિર્ણય થવાનો બાકી 
હાર્વર્ડ યુનિવર્સિટીએ સોમવારે જાહેરાત કરી હતી કે 2020-21ના એકેડમિક સેશન માટે તેના કોર્સ ઓનલાઈન જ ચાલશે. જોકે કોલંબિયા યુનિવર્સિટીએ હજુ આગળની રણનીતિ જાહેર નથી કરી. ન્યુયોર્ક યુનિવર્સિટી, સિટી યુનિવર્સિટી ઓફ ન્યુયોર્કે પણ ભવિષ્યની રણનીતિ જાહેર નથી કરી.

USમાં 5.5% વિદેશી વિદ્યાર્થી, જેમનાથી ગત વર્ષે 3.07 લાખ કરોડની કમાણી થઈ 
અમેરિકી યુનિવર્સિટીઓ માટે વિદેશી વિદ્યાર્થીઓ કમાણીનું મોટું માધ્યમ છે. આ લોકો અમેરિકીઓ કરતાં વધારે ટ્યૂશન ફી વસૂલે છે. 2019માં અમેરિકાની કોલેજોમાં 5.5% વિદેશી વિદ્યાર્થી હતા. તેમણે 3.07 લાખ કરોડ રૂપિયા ફી તરીકે ચૂકવ્યા. અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધુ સંખ્યા ચીનની છે. 2019માં આશરે 3.70 લાખ વિદ્યાર્થીઓ ચીનના હતા. જ્યારે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા બે લાખથી વધુ હતી. ટ્રમ્પ સારી રીતે જાણે છે કે કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજ કમાણીનું આટલું મોટું સ્ત્રોત ગુમાવવા નહીં ઈચ્છે. એવામાં કેમ્પસ ખોલવા પર તે મજબૂર થશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી