અમેરિકામાં છેલ્લા 12 કલાકની અંદર જ ફાયરિંગની 3 ઘટના સામે આવી છે, જેમાં 2 વિદ્યાર્થી સહિત 11 લાકોનાં મોત થયાં છે. 2 દિવસ પહેલાં લોસ એન્જેલસમાં ફાયરિંગમાં 11 લોકોનાં મોત થયાં હતાં.
પ્રથમ ફાયરિંગ કેલિફોર્નિયામાં, 7નાં મોત: ઉત્તર કેલિફોર્નિયામાં સોમવારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં 7 લોકોનાં મોત થયાં હતાં તેમજ 3 લોકો ગંભીર છે. કેલિફોર્નિયાના હાફ મૂન બેમાં ફાયરિંગ બાદ 67 વર્ષીય જહાઓ ચુનલી નામના શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ હુમલો કયા કારણસર કરવામાં આવ્યો હતો એ બાબતે હજી સુધી કંઈ સ્પષ્ટ જાણી શકાયું નથી.
બીજા ફાયરિંગની ઘટના આયોવામાં, 2 વિદ્યાર્થીનાં મોત: અહીં ખાસ બાળકો માટે ચલાવવામાં આવતી સ્કૂલમાં ગનમેને ફાયરિંગ કર્યું હતું, જેમાં 2 વિદ્યાર્થીનાં મોત થયા છે. 3 ઘાયલ થયા છે, એમાં 2 લોકોની સ્થિતિ નાજુક છે. સ્કૂલમાં એક પ્રોગ્રામ ચાલી રહ્યો હતો, એ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ફાયરિંગની લગભગ 20 મિનિટ બાદ એક કારમાંથી 3 શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે. ઘટના બાદ સાર્જેન્ટ પોલ પારિજેકે જણાવ્યું હતું કે હુમલાને યોજનાબદ્ધ રીતે અંજામ આપવામાં આવ્યો હતો. આ ટાર્ગેટ કિલિંગ છે. જોકે એની પાછળનો હેતું શું હતો એ બાબતે કંઈ જાણી શકાયું નથી. સ્કૂલની વેબસાઈટ મુજબ ત્યાં ભણતાં 80% બાળકો લઘુમતી સમુદાયનાં છે.
ત્રીજી ફાયરિંગની ઘટના શિકાગોમાં, 2નાં મોતઃ શિકાગોમાં એક એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે ફાયરિંગની ત્રીજી ઘટના બની હતી. આ ફાયરિંગમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનાને અંજામ આપવામાં ઘણા લોકો સામેલ હતા. જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ડેપ્યુટી પોલીસ ચીફના જણાવ્યા અનુસાર, આ ઘૂસણખોરીનો મામલો છે.
લોસ એન્જલસના હુમલાખોરે ગોળી મારી આત્મહત્યા કરી હતી
કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં 21 જાન્યુઆરીએ થયેલા ફાયરિંગમાં પોલીસને એક વાનમાંથી 72 વર્ષીય શંકાસ્પદ હુમલાખોરનો મૃતદેહ મળી આવ્યો હતો. લોસ એન્જલસ ટાઇમ્સ રિપોર્ટ મુજબ હુમલાખોરે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતાં પહેલાં હુમલાખોરે મોન્ટેરી પાર્ક વિસ્તારમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 11 લોકો મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પામેલાઓમાં 5 મહિલાનો સમાવેશ થાય છે. આ હુમલો ત્યારે થયો, જ્યારે અહીંના એક ડાન્સ હોલમાં લુનર ન્યૂ યર સેલિબ્રેશન ચાલી રહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.