શ્રીલંકાના PM રાજપક્ષેનું રાજીનામું:સરકાર સમર્થક-વિરોધીઓ વચ્ચે હિંસામાં સાંસદ સહિત 4નાં મોત, પૂર્વ મંત્રીનું ઘર સળગાવ્યું

8 દિવસ પહેલા
  • વિપક્ષના દબાણ હેઠળ મહિન્દા રાજપક્ષેએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું
  • દેશના અનેક વિસ્તારોમાં હિંસા-અથડામણનું જોખમ વધ્યું

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ વિપક્ષના દબાણ સામે રાજીનામું આપી દીધું છે. જે બાદ રાજધાની કોલંબો સહિત દેશના અનેક વિસ્તારમાં સરકાર સમર્થકો અને વિરોધીઓ વચ્ચે જોરદાર હિંસક અથડામણ થઈ. જેમાં રુલિંગ પાર્ટીના સાંસદ અમરકીર્તિ અથુકોરલાનું મોત થયું છે. ભીડે પૂર્વ મંત્રી જોન્સટન ફર્નાન્ડોના માઉન્ટ લાવિનિયા વિસ્તારમાં આવેલા આલીશાન ઘરને આગ લગાડી દીધી છે. તેમના પરિવારને ભારે મુસીબત વચ્ચે બચાવી લેવાયો છે. એક સાંસદ સનથ નિશાંથાના ઘરને પણ સળગાવવાનો પ્રયાસ થયો.

દેશમાં આ પ્રકારની અથડામણ ઝડપથી વધી રહી છે. માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે મુખ્ય શહેરોમાં સેના તૈનાત કરી શકે છે.

હવે શુ શક્યતા છે
ગત સપ્તાહે મુખ્ય વિપક્ષી નેતા સિરિસેનાએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. જેમાં નક્કી કરાયું હતું કે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે રાજીનામું આપશે. જે બાદ વચગાળાની સરકાર બનશે. જો કે વચગાળાની સરકાર બનતાં પહેલા દેશમાં શાંતિ કાયમ કરવી પડશે. સરકારમાં રાજપક્ષે પરિવારનો હજુ પણ દબદબો છે, પરંતુ તેઓ વિપક્ષને સાથે લઈને તેમને પણ નિષ્ફળતાના ભાગીદાર બનાવવા માગે છે. તેથી વચગાળાની સરકાર ઝડપથી બની શકે છે. વિપક્ષને પણ ખ્યાલ છે કે જો દેશને બચાવવો છે તો હાલ સરકાર અને ખાસ કરીને રાષ્ટ્રપતિ ગોતાબાયાનો સાથ આપવો પડશે.

ચૂંટણી પોસ્ટરમાં અમરકીર્તિ જોવા મળે છે. તેમનું સંદિગ્ધ સ્થિતિમાં મોત નિપજ્યું છે. મોત પહેલાં તેઓ ભીડ વચ્ચે ઘેરાય ગયા હતા. બચવા માટે ફાયરિંગ કર્યું હતું (ફાઈલ)
ચૂંટણી પોસ્ટરમાં અમરકીર્તિ જોવા મળે છે. તેમનું સંદિગ્ધ સ્થિતિમાં મોત નિપજ્યું છે. મોત પહેલાં તેઓ ભીડ વચ્ચે ઘેરાય ગયા હતા. બચવા માટે ફાયરિંગ કર્યું હતું (ફાઈલ)

હિંસા કોના ઈશારે થઈ રહી છે
શ્રીલંકામાં અનેક જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણના સમાચાર સામે આવી રહ્યાં છે. આનાથી પણ મોટો ખતરો મહિન્દાના રાજીનામાથી ઊભો થઈ ગયો છે. તેમના મોટા ભાઈ અને રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે નહોતા ઈચ્છતા કે મહિન્દા રાજપક્ષે રાજીનામું આપે, પરંતુ વિપક્ષની માગ સામે તેમને ઝૂકવું પડ્યું. બીજી બાજુ, તેમને પોતાના સમર્થકોને રસ્તા પર ઉતારી દીધા છે. હવે રાજપક્ષે ભાઈઓના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે દેશના અનેક વિસ્તારોમાં હિંસક અથડામણ શરૂ થઈ ગઈ છે.

સાંસદનું મોત કઈ રીતે થયું
શ્રીલંકાના મીડિયા મુજબ સાંસદ અમરકીર્તિ અથુકોરલા પોતાની કારમાં ગનર અને ડ્રાઈવરના સાથ નિટામબુવામાં એક રસ્તેથી પસાર થઈ રહ્યાં હતા. તેમની કાર પર રેડ લાઈટ હતી. આ રસ્તા પર સરકાર વિરોધી સેંકડો પ્રદર્શનકારીઓ ઊભા હતા. આ લોકોએ સાંસદની કારને ઘેરી લીધી અને સૂત્રોચ્ચાર કર્યાં. સાંસદ ગુસ્સામાં બહાર નીકળ્યા અને પર્સનલ પિસ્તોલથી ભીડ પર ફાયરિંગ કરી દીધું. જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. જે બાદ સાંસદ ભાગીને બાજુમાં આવેલી એક બિલ્ડિંગમાં સંતાય ગયા. થોડી વાર પછી તેમનો મૃતદેહ ત્યાંથી મળ્યો. હજુ સુધી સ્પષ્ટ નથી કે સાંસદ ભીડના હુમલામાં માર્યા ગયા કે મોતનું કારણ બીજું જ છે.

સરકાર વિરોધીઓ અને સમર્થકો વચ્ચે અથડામણ
વિરોધ પ્રદર્શન કરી રહેલા સરકારના વિરોધીઓ મહિન્દા રાજપક્ષેના સમર્થકો વચ્ચે સોમવારે હિંસક અથડામણ થઈ. શ્રીલંકામાં અમેરિકી રાજદૂત જુલી ચુંગે આ અથડામણની નિંદા કરતા કહ્યું કે મહિન્દાના સમર્થકોના હુમલામાં 78 લોકો ઘાયલ થઈ ગયા.

કોલંબોમાં પ્રદર્શન કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ, જેને રોકવા પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા.
કોલંબોમાં પ્રદર્શન કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ, જેને રોકવા પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા.

રાજીનામા પહેલાં મહિન્દા રાજપક્ષેએ ટ્વીટ કર્યું હતું
આ પહેલાં રાજપક્ષેએ ટ્વીટ કર્યું હતું કે "શ્રીલંકામાં ભાવનાઓનું પૂર જોવા મળી રહ્યું છે, એવામાં હું લોકોને સંયમ રાખવા અને એ વાત યાદ રાખવાની અપીલ કરું છું કે હિંસાથી માત્ર હિંસા જ ફેલાશે. આર્થિક સંકટનો સામનો કરવા આર્થિક સમાધાનની જરૂરિયાત છે, જેના ઉકેલ માટે આ પ્રશાસન પ્રતિબદ્ધ છે."

રાજીનામું આપતાં પહેલાં રાજપક્ષેએ કહ્યું હતું કે તેઓ જનતા માટે કોઈપણ બલિદાન આપવા માટે તૈયાર છે. તેમના આવાં નિવેદનથી તેવી અટકળોએ જોર પકડ્યું હતું કે રાજપક્ષે આજે રાજીનામું આપી દેશે. રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે પર આર્થિક સંકટનો સામનો કરી સરકાર પર દેશને બહાર કાઢવા માટે વચગાળાની સરકાર બનાવવાનું દબાણ વધી ગયું હતું.

શ્રીલંકામાં રાષ્ટ્રપતિએ જાહેર કરી છે ઈર્મજન્સી
શ્રીલંકામાં આર્થિક સ્થિતિ બદતર બની ગઈ છે, જેને કારણે સામાન્ય લોકો સરકારવિરોધી પ્રદર્શનો કરી રહ્યા છે. ત્યારે આ વિરોધપ્રદર્શનોને જોતાં રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ એક મહિના પછી 6 મેના રોજ ફરી ઈમર્જન્સી લગાવી દીધી હતી. હવે સામાન્ય લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર નહીં ઊતરી શકે. ઈમર્જન્સી શુક્રવારે અડધી રાતથી જ લાગુ કરી દેવાઈ છે. સંસદમાં તણાવપૂર્ણ સ્થિતિને જોતાં સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધનાએ શુક્રવારે જ સંસદ 17 મે સુધી સ્થગિત કરી દીધી હતી. વિપક્ષે પોલીસની કાર્યવાહીનો કડક વિરોધ કર્યો હતો.

બાંગ્લાદેશે 20 કરોડ ડોલરની લોન ચૂકવવા માટે આપ્યું વધુ એક વર્ષ
શ્રીલંકા 1948માં પોતાની આઝાદી પછી સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ સમાપ્ત થઈ ગયો છે, જેનાથી તેઓ જરૂરી વસ્તુઓની આયાત નથી કરી શકાત. એ જોતાં બાંગ્લાદેશે કરન્સી સ્વેપના માધ્યમથી આપવામાં આવેલા 20 કરોડ ડોલરની લોનને ચૂકવવા માટેના સમયને વધુ એક વર્ષ વધારી દીધો છે.

બાંગ્લાદેશ બેંકના ડાયરેક્ટર્સે એક બેઠકમાં આ નિર્ણય લીધો છે. ડેઈલી મિરરના રિપોર્ટ મુજબ, કેન્દ્રીય બેંકના પ્રવક્તા સેરાઝુલ ઈસ્લામે કહ્યું હતું કે લોનની શરતોને બદલ્યા વગર જ એને વધારી દેવાઈ છે. તો સરકાર વિરુદ્ધ લોકોનો વિરોધ યથાવત્ છે.

બાંગ્લાદેશી વિદેશમંત્રી એકે અબ્દુલા મોમેન અને સ્વાસ્થ્યમંત્રી ઝાહિદ માલેકે બાંગ્લાદેશમાં શ્રીલંકાના હાઈકમિશનર સુદર્શન ડીએસ સેનેવીરત્નેને દવાઓનું બોક્સ આપ્યું હતું.
બાંગ્લાદેશી વિદેશમંત્રી એકે અબ્દુલા મોમેન અને સ્વાસ્થ્યમંત્રી ઝાહિદ માલેકે બાંગ્લાદેશમાં શ્રીલંકાના હાઈકમિશનર સુદર્શન ડીએસ સેનેવીરત્નેને દવાઓનું બોક્સ આપ્યું હતું.

2021માં બાંગ્લાદેશે આપી હતી લોન
બાંગ્લાદેશે કરન્સી સ્વેપની સમજૂતી અંતર્ગત શ્રીલંકાને 200 મિલિયન ડોલરની સહાયતા મે 2021માં આપી હતી. શ્રીલંકાને લોન 3 મહિનામાં ચૂકવવાની હતી, પરંતુ એ બાદ શ્રીલંકા ગંભીર આર્થિક સંકટમાં ફસાઈ ગયું. એ બાદ બાંગ્લાદેશે લોન ચુકવણીની સમયમર્યાદા વધારી દીધી છે.

ભારતે અત્યારસુધીમાં 23 હજાર કરોડ રૂપિયાની મદદ કરી
આ સંકટના સમયમાં ભારત સતત શ્રીલંકાની મદદ કરી રહ્યું છે. ક્રેડિટલાઈન અને ક્રેડિટ સ્વેપ અંતર્ગત ભારત જાન્યુઆરીથી અત્યારસુધીમાં લગભગ 23 હજાર કરોડ રૂપિયાની મદદ કરી ચૂક્યું છે. શ્રીલંકા આર્થિક સંકટને કારણે ખાદ્ય પદાર્થ અને ઈંધણની આયાત માટે પણ ચુકવણી નથી કરી શકતું.

તામિલનાડુ સરકારે મદદનો પ્રસ્તાવ પાસ કર્યો
તામિલનાડુ સરકારે પણ શ્રીલંકાને મદદ માટે એક પ્રસ્તાવ પાસ કર્યો છે, જે અંતર્ગત રાજ્ય સરકાર શ્રીલંકાને ખાવાનું અને જીવનરક્ષક દવાઓ મોકલવા માગે છે. પ્રદેશ ભાજપે એક પત્ર લખીને સરકારની આ પહેલનું સ્વાગત કર્યું છે, સાથે જ સવાલો પણ ઉઠાવ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે તામિલનાડુ સરકારની કેટલીક કાર્યવાહી માત્ર રાજકીય લાભ માટે હતી, ખાસ કરીને ઓપરેશન ગંગા દરમિયાન. તેથી અમે માત્ર એ વાતને લઈને ચિંતિંત છીએ કે આ પ્રસ્તાવ પણ આવી જ કવાયત ન બની જાય.

અન્ય સમાચારો પણ છે...