ભારે દેવાના બોજ વચ્ચે અભૂતપુર્વ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાએ વ્યાજદરોમાં વિક્રમજનક સાત ટકાનો વધારો જાહેર કર્યો છે. શ્રીલંકાની મધ્યસ્થ બેન્કે તેના ચાવીરૂપ વ્યાજદરોમાને ડબલ કરી દીધા છે. એટલે કે બેન્ચમાર્ક ધિરાણ દરો 700 બેસિસ પોઇન્ટ વધારી 14.5 ટકા કર્યાં છે. આ ઉપરાંત થાપણ દરો એટલે કે ડિપોઝીટ રેટ પણ સાત ટકા વધારી 13.5 ટકા કરવામાં આવ્યા છે. શ્રીલંકાએ આ પગલાં એવા સમયે ભરવા પડ્યાં છે કે જ્યારે શ્રીલંકન કરન્સી વિશ્વમાં સૌથી ખરાબ સ્થિતિમાં છે.
શ્રીલંકા IMF પાસેથી લોન લેશે
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલું શ્રીલંકા હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી લોન લેશે. આ સાથે શ્રીલંકાને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) અને વર્લ્ડ બેંક પાસેથી પણ લોન લેવાની તૈયારી કરી લીધી છે. આ અંગે IMF સાથે વાત કરવા માટે નાણાકીય નિષ્ણાતોની 3 સભ્યની સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે.
આ સમિતિમાં શ્રીલંકાના સેન્ટ્રલ બેંકના પૂર્વ ગવર્નર ઈન્દ્રજિત કુમારસ્વામીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિને દેવાંની કટોકટીને પહોંચી વળવા પગલાં સૂચવવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ દરમિયાન એશિયન ડેવલપમેન્ટ બેંકે 2022માં શ્રીલંકાના આર્થિક વિકાસમાં 2.5%નો સામાન્ય સુધારો રહેવાનો અંદાજ મૂક્યો છે.
પૂર્વ મંત્રીનો આરોપ- રાજપક્ષે પરિવારે દેશને લૂંટ્યો
રાજપક્ષે સરકાર વિરુદ્ધ દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે પૂર્વ મંત્રી અને સાંસદ ચંપિકા રાણાવાકાએ ગુરુવારે કહ્યું હતું કે રાજપક્ષે પરિવારે દેશને ઘણો લૂંટ્યો છે. 2004થી 2014 સુધી તેમના કાર્યકાળ દરમિયાન તેમણે 19 અબજ યુએસ ડોલરની ઉચાપત કરી હતી. સરકારે આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારોમાંથી મોટી રકમ લીધી હતી અને એને સમયસર ચૂકવી ન હતી. હવે આખો દેશ એનો માર સહન કરી રહ્યો છે. શ્રીલંકામાં આ પ્રકારનું સંકટ પ્રથમ વખત આવ્યું છે.
રાજપક્ષેના રાજીનામાની માગ સાથે પ્રદર્શન
દેશમાં રાજપક્ષે સરકાર સામે જાહેર વિરોધ ઉગ્ર બન્યો છે. ગુરુવારે ગોતબાયા સરકારના મંત્રી જોનસન ફર્નાન્ડોની ઓફિસની બહાર દેખાવકારોએ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં મહિલાઓ, બાળકો અને ખાસ શિક્ષિત યુવાનો જોડાયાં હતાં. હજારો વિરોધીઓ વિરોધ કરી રહ્યા છે અને રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેના તાત્કાલિક રાજીનામાની માગ કરી રહ્યા છે. એ લોકોનું કહેવું છે કે અમારી પાસે અમારી જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસા નથી. દેશમાં વિદેશી દેવું સતત વધી રહ્યું છે.
વિપક્ષના આરોપો બાદ મંત્રી જોનસન ફર્નાન્ડોએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ કોઈપણ સંજોગોમાં રાજીનામું નહીં આપે. ગોતબાયા સરકાર બહુમતીમાં છે અને દેશની સ્થિતિને સંભાળવાના પ્રયાસ કરી રહી છે.
પૂર્વ નાણામંત્રીએ કહ્યું- માત્ર દેવું જ સ્થિતિ સુધારી શકે છે
અલી સાબરીએ, જેમણે તેમની નિમણૂકના એક દિવસ પછી જ નાણામંત્રીપદ છોડ્યું હતું, ગુરુવારે તેમણે સંસદમાં સરકારને કોઈપણ કિંમતે વર્તમાન કટોકટીનો સામનો કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે સરકારે દેવાંને દૂર કરવા માટે લોન લેવા માટે વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) સાથે વાટાઘાટો કરવી જોઈએ, જેથી દેશમાં સ્થિતિ નિયંત્રણમાં આવે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આ રીતે જુલાઈ સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ શકે છે.
ભારત પેટ્રોલ-ડીઝલ, ચોખા અને દવાઓ મોકલી રહ્યું છે
શ્રીલંકામાં સ્થિતિ બગડ્યા બાદ ભારત તેના પાડોશી દેશને સતત મદદ કરી રહ્યું છે. ગુરુવારે, તામિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને કેન્દ્ર પાસે શ્રીલંકામાં ચોખા અને આવશ્યક દવાઓ જેવી જરૂરી ચીજવસ્તુઓ મોકલવા માટે પરવાનગી માગી હતી. તામિલનાડુના થુથુકુડી બંદરેથી ચોખા, કઠોળ અને આવશ્યક ચીજવસ્તુઓ શ્રીલંકા મોકલવામાં આવી છે. ભારત અત્યારસુધી શ્રીલંકાને 2.70 લાખ મેટ્રિક ટન ઇંધણ અને આવશ્યક દવાઓ મોકલી છે.
શ્રીલંકામાં આર્થિક સંકટની ટાઇમલાઇન
શ્રીલંકામાં છેલ્લા એક મહિનાથી આર્થિક સંકટ ચાલી રહ્યું છે. શ્રીલંકામાં રૂપિયો ઝડપથી નબળો પડી રહ્યો છે અને દેશ 51 અબજ ડોલરના દેવાના બોજ હેઠળ દબાયેલો છે. ચાલો, જાણીએ છેલ્લા એક અઠવાડિયામાં શ્રીલંકામાં શું શું થયું..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.