ચીનના દેવામાં ડૂબેલા શ્રીલંકાનું સંકટ ઘટી રહ્યું નથી. મોંઘવારીનો દર 57 ટકા સુધી પહોંચી ગયો છે. આર્થિક કટોકટીના કારણે ખાવાપીવાની ચીજોની સાથે ફ્યૂઅલ તેમજ દવાઓની કટોકટી ઊભી થઇ ગઇ છે. આનાં પરિણામે શ્રીલંકાને સુરક્ષા સાથે બાંધછોડ કરવાની ફરજ પડી રહી છે. શ્રીલંકા પોતાના વર્તમાન બે લાખ જવાનોના સંખ્યાબળને એક તૃતીયાંશ સુધી ઘટાડી દેવાની તૈયારીમાં છે.
શ્રીલંકા જવાનોની સંખ્યા ઘટાડીને 1.35 લાખ સુધી રાખવા ઇચ્છુક છે. એટલું જ નહીં, 2030 સુધી તે જવાનોની સંખ્યા અડધી કરીને એક લાખ સુધી મર્યાદિત કરી શકે છે. અલબત્ત આ સંબંધમાં સરકારનું કહેવું છે કે તે જવાનોની સંખ્યા ઘટાડીને ટેક્નોલોજીની દ્રષ્ટિએ જવાનોને આધુનિક કરવા ઇચ્છે છે. સંકટમાંથી બહાર આવવા માટે શ્રીલંકા પોતાના વાર્ષિક બજેટમાં પણ છ ટકાનો કાપ મૂકશે. દરમિયાન ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરના પ્રવાસથી શ્રીલંકાને રાહત મળી છે. તેમના કોલંબો પહોંચવાથી શ્રીલંકાને આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળથી લોન મળવાનો માર્ગ મોકળો થઇ ગયો છે.
બાળપણમાં ભૂખ : બાળકોને સ્કૂલ ન મોકલવા પેરેન્ટસને સૂચના
તંગ સ્થિતિના કારણે શ્રીલંકાની દર્દનાક સ્થિતિ દેખાઇ રહી છે. સ્કૂલોમાં બાળકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી નથી. પેરેન્ટસને સ્કૂલો દ્વારા બાળકોને સ્કૂલોમાં ન મોકલવા માટે કહેવામાં આવી રહ્યું છે. બાળકોને ખાલી પેટ અને લંચ આપ્યા વગર સ્કૂલમાં ન મોકલવા માટે કહેવામાં આવ્યા બાદ ગંભીર ચિત્ર ઉપસી રહ્યું છે. દક્ષિણ શ્રીલંકાનાં મથુગામામાં હોરાવાલા યુનિવર્સિટીના વાઇસ પ્રિન્સિપાલ અનોમા શ્રીયાંગીએ કહ્યું છે કે પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ કરનાર મોટા ભાગનાં બાળકો ભૂખ્યા આવે છે. પ્રાર્થનામાં રોજ 20-25 બાળકો બેભાન થઇ રહ્યાં છે. મિડ ડે મીલ માટે સ્કૂલો દાન પર આધારિત થઇ ગઇ છે. સંસ્થા ફૂડ ફર્સ્ટનાં અધ્યક્ષ એસ. વિશ્વલિંગમે કહ્યું છે કે શ્રીલંકામાં આ સમય 20 ટકા બાળકો નાસ્તા વગર જ સ્કુલ પહોંચી રહ્યાં છે. પેરેન્ટસની સામે પણ સંકટ છે.
માતૃત્વ સંકટ : સગર્ભા મહિલાઓ માટે પૂરતા ભોજનની વ્યવસ્થા નથી
શ્રીલંકામાં હવે એવી મહિલાઓની સ્થિતિ પણ ખરાબ છે, જે સગર્ભા છે. કેટલાક એનજીઓનું કહેવું છે કે દેશની 10 ટકા સગર્ભા મહિલા હાલમાં કુપોષણનો શિકાર છે. તેમને પૌષ્ટિક ભોજન મળવાની બાબત તો દૂરની છે, પૂરતા પ્રમાણમાં ભોજનની વ્યવસ્થા પણ કરવામાં સફળતા મળી રહી નથી. કંચનાએ કહ્યું છે કે, તેની તબિયત બગડી ગઇ છે. જો ખાવાપીવા પર ધ્યાન આપવામાં નહીં આવે તો તેના ગર્ભમાં રહેલા બાળકના વિકાસ પર અસર થઇ શકે છે.
વધતી બીમારી : કેન્સર સહિત ગંભીર રોગોની દવા નથી, પેરાસિટામોલની તંગી
શ્રીલંકામાં રોગીઓની હાલત ખરાબ છે. કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરી રહેલા દર્દીઓને દવા મળી રહી નથી. મુખ્ય કેન્સર હોસ્પિટલમાં દવાની તંગી છે. સરકારી મેડિકલ ઓફિસર્સ એસોસિયેશનના પ્રવકતા વાસન રત્નાસિંગમે કહ્યું છે કે ઓપીડીમાં પેરાસિટામોલ અને વિટામિન સી અને સલાઇન જેવી દર્દી પણ મળી રહી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.