ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:લૉકડાઉનમાં પતિઓના અત્યાચાર વધ્યાં, એક મહિનામાં પતિ દ્વારા પત્નીની હત્યાના 13 કેસ; વિરોધમાં 250થી વધુ સ્થળે દેખાવો શરૂ

મેડ્રિડએક વર્ષ પહેલા

સ્પેનમાં મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસા અને લૈંગિક ભેદભાવના કેસમાં અચાનક વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં ઘરેલુ હિંસાના કેસમાં 13 હત્યા થઈ છે, જે બધા જ હત્યારા મહિલાઓના જીવનસાથી કે પૂર્વ જીવનસાથી રહી ચૂક્યા છે. તેમાં ત્રણ હત્યા તો એક જ દિવસમાં થઈ છે.

હાલમાં જ થયેલા એક હુમલામાં 81 વર્ષીય પીડિતા કોસુલો પણ છે, જેમની તેમના પતિએ હથોડા મારીને હત્યા કરી દીધી. એક રિપોર્ટ પ્રમાણે, સ્પેનમાં પુરુષોની હિંસાની શિકાર 80% મહિલાઓએ ક્યારેય પોલીસ ફરિયાદ નથી કરી. હવે આ હત્યાઓના વિરોધમાં મહિલાઓ રસ્તા પર ઉતરી છે. છેલ્લા એક સપ્તાહમાં સ્પેનમાં 250થી વધુ સ્થળે નાના-મોટા દેખાવ થયા છે.

છેલ્લા એક સપ્તાહમાં સ્પેનમાં 250થી વધુ સ્થળે નાના-મોટા દેખાવ થયા છે
છેલ્લા એક સપ્તાહમાં સ્પેનમાં 250થી વધુ સ્થળે નાના-મોટા દેખાવ થયા છે

મેડ્રિડની ફેમિનિસ્ટ મુવમેન્ટની માર્તા કાર્રામિનાના કહે છે કે, આ હુમલાખોરો પાગલ કે માનસિક રીતે બિમાર નથી. તે કટ્ટર પુરુષવાદી માનસિકતાથી ભરેલા લોકો છે. તેમનો હેતુ મહિલાઓ પર જુલમ કરવો અને તેમને નીચી બતાવવાનો છે. મહિલાઓ ધીમે ધીમે મરી હી છે અને દુનિયાને એ બતાવવા માટે જ અમે દેખાવો કરી રહ્યા છીએ. દેખાવો કરી રહેલી મહિલાઓની માંગ છે કે, આવા હુમલાખોરો સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવે.

આખા સ્પેનમાં આ આંદોલનની આગ એક પિતા દ્વારા પોતાની બે બાળકી (એક છ વર્ષીય અને બીજી એક વર્ષીય)ની હત્યાના કારણે ફેલાઈ છે. આ ઘટના પછી સમગ્ર દેશમાં આક્રોશ છે અને તેમાં પુરુષો પણ સામેલ છે. 2003થી અત્યાર સુધી 39 સગીરની હત્યા તેમના પિતાએ જ કરી છે.

ઉપરોક્ત કેસની તપાસ કરતા એક અધિકારીના મતે, પતિ ટોમસે તેની પત્નીને જીવનનું સૌથી મોટું દર્દ આપવાના ઈરાદાથી બે બાળકીની હત્યા કરી હતી. મહિલાઓ વિરુદ્ધ વધતી ગુનાખોરી પર લૈંગિક હિંસા મામલાના મંત્રી વિક્ટોરિયા રસેલ કહે છે કે, કોવિડ-19ની જેમ આ પણ એક મહામારી છે.

અન્ય સમાચારો પણ છે...