• Gujarati News
  • International
  • Someone Created An Account In The Name Of Jesus And Paid Blue Tick Charges, Someone Bought Blue Tick For A Fake Account Of A Giant Company.

ભાસ્કર વિશેષ:કોઈએ જિસસના નામે એકાઉન્ટ બનાવી બ્લૂ ટિકનો ચાર્જ ચૂકવ્યો, તો કોઈએ મહાકાય કંપનીના ફેક એકાઉન્ટ માટે બ્લૂ ટિક ખરીદી લીધી

ન્યૂયોર્ક20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્લૂ ટિકનો ચાર્જ વસૂલવાનો નિર્ણય મસ્કને ભારે પડ્યો, ટ્વિટર પર ‘ફેક વેરિફાઇડ એકાઉન્ટ્સ’ની ભરમાર

ટ્વિટરના નવા માલિક ઇલોન મસ્કના નિર્ણયોની તેના કર્મચારીઓ પર જ નહીં, બીજી કંપનીઓ પર પણ નકારાત્મક અસર પડી છે. ગયા મહિનાના અંતે જ મસ્કે 44 અબજ ડૉલરની ચૂકવણી કરીને ટ્વિટરની ખરીદી કરી હતી. ત્યાર પછી ટ્વિટરનું સુકાન મસ્કના હાથમાં છે, પરંતુ તેમના ઉતાવળિયા નિર્ણયોના ઝટકાથી દુનિયાભરના લોકો પરેશાન છે.

મસ્કના ટ્વિટર વેરિફિકેશનના નિર્ણયથી આ સ્થિતિ સર્જાઈ છે. વાત એમ છે કે, મસ્કે બ્લૂ ટિક વેરિફિકેશનને પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાનનું રૂપ આપી દીધું છે. મસ્કની આ જાહેરાત પછી ટ્વિટરે વેરિફાઇડ એકાઉન્ટ માટે આઠ ડૉલર ચાર્જ કરવાનું શરૂ કરી કર્યું, પરંતુ દુનિયામાં અનેક યુઝરે વિવિધ કંપનીઓ, વિવિધ ક્ષેત્રની હસ્તીઓના ફેક વેરિફાઇડ એકાઉન્ટ બનાવી દીધા. તેના કારણે તે કંપનીઓને જ નહીં, ટ્વિટરને પણ અબજોનું નુકસાન થયું છે.

મસ્કના બ્લૂ ટિક નિર્ણયથી જ ટ્વિટરને આર્થિક નુકસાનની શરૂઆત થઇ છે. મસ્કે ટ્વિટર ખરીદી તે પહેલા સુધી તેના પર બ્લૂ ટિક એ આઈડેન્ટિટી વેરિફિકેશન મનાતી હતી. આ જ કારણસર લોકો ટ્વિટરને વિશ્વસનિય સ્રોત માનતા હતા, પરંતુ મસ્કે તે પેઇડ કરી દેતા અનેક મુશ્કેલીઓ સર્જાઈ. ત્યાર પછી દુનિયાભરના યુઝર્સે જે કર્યું, તેનો મસ્કને અંદાજ પણ નહીં હોય. એટલું સારું છે કે, હજુ તો બ્લૂ ટિક માટે ચાર્જ વસૂલીને એકાઉન્ટ વેરિફાઇડ કરવાની સર્વિસ અમુક જ દેશોમાં લૉન્ચ કરાઈ હતી.

જોકે, આ મામલે મસ્કે હજુ સુધી કોઈ નિવેદન નથી કર્યું. તેમણે કેટલાક ટ્વિટ જરૂર કર્યા છે, જેમાં તેઓ કહે છે કે, પેરોડી ટ્વિટર એકાઉન્ટ યુઝર્સે તેમના નામ અને બાયોમાં પેરોડી લખવું પડશે. પરંતુ તેમની આ ટ્વિટ કેટલા લોકો ગંભીરતાથી લેશે એ એક પ્રશ્ન છે.

એક યુઝરે ફેક પેપ્સીના નામે બ્લૂ ટિક એકાઉન્ટ બનાવ્યું, પછી લખ્યું ‘પેપ્સી કરતા કોક સારી’
હવે લોકો ફક્ત આઠ ડૉલર ચૂકવીને તેમના ફેક એકાઉન્ડ વેરિફાઇડ કરી રહ્યા છે. એટલે કે ફેક વેરિફાઇડ એકાઉન્ટ્સ. કોઇએ ડોનાલ્ડ ટ્રમ્પના નામે તો કોઈએ જિસસ ક્રાઇસ્ટના નામે એકાઉન્ટ બનાવ્યા અને બ્લૂ ટિક ખરીદી પણ લીધી. જેમ કે, હાલમાં જ પેપ્સીના નામે એક યુઝરે ફેક એકાઉન્ટ વેરિફાઇડ કરી દીધું, બ્લૂ ટિક પણ ખરીદી લીધી અને પછી લખ્યું કે, પેપ્સી કરતા કોક સારી છે. આ પોસ્ટથી અનેક યુઝર્સ મૂંઝવણમાં મૂકાયા કે, આવું ફેક એકાઉન્ટ વેરિફાઇડ કેવી રીતે હોઈ શકે. જોકે, તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે, આ હેન્ડલનું નામ PEPICO છે, પરંતુ પહેલી નજરે તે પેપ્સિકોનું જ એકાઉન્ટ હોવાનું માલુમ પડે છે. વળી, તે એકાઉન્ટ પાસે બ્લૂ ટિક પણ છે. આવું ફક્ત પેપ્સી સાથે જ નહીં, અનેક મોટી કંપનીઓ અને વિવિધ ક્ષેત્રની હસ્તીઓ સાથે પણ થયું છે. જેમ કે, કોઈએ બ્લૂ ટિક ધરાવતું નેસ્લે કંપનીનું પણ ફેક એકાઉન્ટ બનાવી દીધું છે.

ફેક વેરિફાઇડ એકાઉન્ટ પરથી ઈન્સ્યુલિન ફ્રી એવી ટ્વિટ કરાતા 15 અબજ ડૉલરનું નુકસાન
આ દરમિયાન અમેરિકન ફાર્મા કંપની Eli Lilly નામે કરાયેલા એક ફેક ટ્વિટના કારણે પણ કંપનીને અબજોનું નુકસાન થયું છે. કોઈએ Eli Lilly નામે એકાઉન્ટ બનાવીને ટ્વિટ કરી કે, ‘Insulin is free now’ એટલે કે ઇન્સ્યુલિન હવે ફ્રી છે. જોકે, આ ટ્વિટ પણ ફેક વેરિફાઇડ બ્લૂ ટિક એકાઉન્ટ પરથી જ કરાઈ હતી, એટલે લોકોએ તે ગંભીરતાથી લીધી.

આ ટ્વિટ પછી કંપનીના શેર આશરે 4.37 ટકા ઘટી ગયા અને માર્કેટ કેપ પણ 15 અબજ ડૉલર (આશરે રૂ. 1223 અબજ ) ઘટી ગયું. બાદમાં જેવી કંપનીને આ ફેક ટ્વિટની જાણકારી મળી, ત્યારે તેમણે ખુલાસો કર્યો, પરંતુ ત્યાં સુધી ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું.

અન્ય સમાચારો પણ છે...