યુરોપથી લઇને સાઈબેરિયા સુધી હાલમાં હવામાનના જુદા જુદા રંગ જોવા મળી રહ્યા છે. એશિયા અને રશિયાને જોડનાર સાઈબેરિયામાં હાલમાં ઠંડી બે દશકની નીચી સપાટી પર પહોંચી ગઇ છે. બીજી બાજુ, યુરોપમાં ફ્રાન્સ, સ્વિત્ઝર્લેન્ડ સહિત કેટલાક દેશોમાં ઠંડીમાં તાપમાન સામાન્ય કરતાં વધારે છે. આઠ દેશોમાં તો જાન્યુઆરીમાં મહત્તમ તાપમાનના રેકોર્ડ પણ તૂટી ચૂ્ક્યા છે. પોલેન્ડના વારસામાં 18.9 ડિગ્રી , સોએના બિલબાઓમાં 25.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ સરેરાશ તાપમાન કરતાં 10 ડિગ્રી વધારે છે. આ પ્રકારના અંતરને લોકો અસામાન્ય તરીકે ગણે છે.આર્કટિક સર્કલની નજીક આવેલાં ડેનમાર્ક, સ્વિડન, નોર્વે, ફિનલેન્ડ અને નેધરલેન્ડસમાં પણ આવી જ સ્થિતિ છે. ઠંડીમાં બરફ પર અનેક પ્રકારની રમતોનું આયોજન કરનાર સ્વિત્ઝર્લેન્ડમાં પારો 20 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યાં બરફમાં ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે રિસોર્ટ બંધ થઇ રહ્યા છે. સ્કીયરો તરફથી ગયા સપ્તાહમાં ફ્રેન્ચ અને સ્વિસ સ્કી રિસોર્ટની જે તસવીરો મોકલવામાં આવી છે તે ચિંતા વધારનારી છે. તસવીરોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે બરફની ચાદરથી છવાયેલા રહેનાર પહાડી ક્ષેત્ર હવે માટી અને ઘાસના પહાડોમાં ફેરવાઇ ચૂક્યાં છે.
આ જ હાલત ઇટાલીની પણ છે. ઠંડીની રજાઓની વચ્ચે યુરોપનાં મોટા ભાગનાં રિસોર્ટમાં પારો સામાન્ય કરતાં વધારે છે. સ્વિસ રિસોર્ટ જીસ્ટાડમાં તો પ્રવાસીઓ માટે હેલિકોપ્ટરથી પહાડી વિસ્તારોની હેલિકોપ્ટર સેવા બંધ કરી દેવાની ફરજ પડી છે. યુરોપનાં સ્કી રિસોર્ટ બરફ ન હોવાના કારણે સૂમસામ છે. આ પ્રકારની સ્થિતિ પ્રથમ વખત ઊભી થઇ છે. વિન્ટર સ્પોર્ટસ અને સ્કીઇંગ ન થવાના કારણે પહાડી વિસ્તારોના સ્થાનિક ગ્રામ્ય લોકોને ભવિષ્યને લઇને ચિંતા સતાવી રહી છે. રેસ્ટોરન્ટ, હોટલો, ભાડા પર સ્કીઇંગનાં સાધનો ઉપલબ્ધ કરાવનાર ડ્રાઇવર નિરાશ છે.
હીટ ડોમ બનવાના કારણે યુરોપમાં આ વખતે તાપમાનમાં વધારો થયો
યુરોપમાં હીટ ડોમ બનવાના કારણે પારો વધી રહ્યો છે. આ સ્થિતિને લઇને કેટલાંક અન્ય કારણો પણ છે. આ સ્થિતિ એ વખતે સર્જાય છે જ્યારે વાયુમંડળ ગરમ દરિયાઇ પવનને બોટલમાં બંધ કરી લે છે. ત્યારબાદ પવનને ધીમે ધીમે બહાર મોકલે છે. આવી સ્થિતિ પ્રશાંત મહાસાગરનો એક હિસ્સો ઠંડો હોય અને એક અન્ય હિસ્સો ગરમ હોય ત્યારે સર્જાય છે.
ઠંડીનો રેકોર્ડ : ચીનના મોહેમાં પારો માઇનસ 53 ડિગ્રી પહોચ્યો હતો
સાઈબેરિયા સાથે જોડાયેલા ચીનના વિસ્તારમાં ઠંડીનો રેકોર્ડ સર્જાયો છે. ચીનના ઉત્તરીય ધ્રૂવ ગણાતા ક્ષેત્રના મોહે શહેરમાં પારો માઇનસ 53 સુધી પહોંચી ગયો હતો. છેલ્લે 1969માં પારો માઇનસ 52.3 ડિગ્રી સુધી રહ્યો હતો. ચાર દિવસ પહેલાં જ રશિયામાં સાઈબેરિયાના યકુત્સ્કમાં ઇતિહાસનું સૌથી ઓછું માઇનસ 62 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.