જ્યારે હું ઈન્ડોનેશિયામાં જાકાર્તાના ટ્રાફિકજામ ધરાવતા રસ્તા પરથી પસાર થઉં છું, ત્યારે મને ખાંસી આવવા લાગે છે. પરંતુ મોં પર માસ્ક હોવાના કારણે સારી રીતે ખાંસી પણ નથી શકતો. એ પછી જ્યારે પણ હું મોં રૂમાલથી લૂછું છું ત્યારે તેના પર કાળો કચરો દેખાય છે. જો ચહેરાની આવી સ્થિતિ હોય, તો વિચારો કે ફેફસાંમાં કેટલો કાળો ધુમાડો જતો હશે!
આ વ્યથા છે ઈન્ડોનેશિયાના સૌથી પ્રદૂષિત શહેર જાકાર્તાના 36 વર્ષીય વીડિયોગ્રાફર અદિથો હરિનુગ્રોહોની. અદિથો એ કેસમાં પક્ષકાર છે, જેમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો સહિત આરોગ્ય, પર્યાવરણ અને ગૃહમંત્રી સહિત ત્રણ પ્રાંતના ગવર્નરોને શહેરમાં પ્રદૂષણ કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેવા બદલ કરાયો છે. 32 લોકો દ્વારા કરાયેલા આ કેસમાં જાકાર્તાના કમ્પ્યુટર શિક્ષક ઈસ્તુ પ્રાયોગી પણ પક્ષકાર છે. તેમણે પાંચ વર્ષ પહેલાં ફેફસાંની મેડિકલ તપાસ કરાવી હતી. તેમાં ખબર પડી કે, સિગારેટ પીવાથી જેટલું નુકસાન થાય છે, તેટલું જ નુકસાન પ્રદૂષણના કારણે થયું છે. તેઓ તો ધૂમ્રપાન પણ નથી કરતા. હકીકતમાં તેમની આ દશા જાકાર્તાના ટ્રાફિકમાં કલાકો વિતાવવાના કારણે થઈ છે.
આ કેસની સુનાવણી ગુરુવારે થવાની હતી, પરંતુ કેસ ફાઈલમાં થોડા કાગળ ગુમ થઈ જવાના કારણે જજોએ સુનાવણી ટાળી દીધી. ઈસ્તુના મતે, સ્વચ્છ હવા ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે કારણ કે તેની દરેક વ્યક્તિને જરૂર છે. 2.9 કરોડની વસતી ધરાવતા જાકાર્તામાં પ્રદૂષણ એટલું બધું છે કે, રાષ્ટ્રપતિ વિડોડોએ આ મુશ્કેલીને નજરઅંદાજ કરી દીધી છે અને નવી રાજધાની બનાવવાની જાહેરાત કરી દીધી છે.
પ્રદૂષણના કારણે કોરોનાની અસર પણ વધુ ગંભીર થશે: સંશોધન
દુનિયાનાં 576 શહેરમાં પર્યાવરણની સ્થિતિનું વિશ્લેષણ કરનારી ફર્મ વેરસિક મેપલક્રાફ્ટના ગયા સપ્તાહે જારી રિપોર્ટ પ્રમાણે, જાકાર્તા સૌથી વધુ ખતરામાં છે. તેના કારણે અહીં ભૂકંપ અને પૂરનો ખતરો રહે છે. આ રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે, ઈન્ડોનેશિયામાં પ્રદૂષણથી કોરોનાની અસર વધુ ગંભીર થશે. દુનિયાના સૌથી મોટા ચોથા નંબરના આ દેશમાં કોરોનાના 17 લાખ કેસ છે, જે દક્ષિણ પૂર્વ એશિયાના કોઈ દેશનો સર્વાધિક આંકડો છે. નિષ્ણાતોને વધુ ચિંતા બાળકો-યુવાનોની છે, જેમણે આખી જિંદગી આ જોખમ સામે લડવાનું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.