પાકિસ્તાનમાં સોમવારે નવા વડાપ્રધાનની પસંદગી થશે. પીએમએલ-એનના અધ્યક્ષ શેહબાઝ શરીફ (70) વડાપ્રધાનપદ માટે તમામ વિપક્ષના સંયુક્ત ઉમેદવાર છે. મહત્ત્વની વાત એ છે કે, સોમવારે જ શેહબાઝ શરીફ સાથે સંકળાયેલા રૂ. 1400 કરોડના મની લોન્ડરિંગ કેસમાં કોર્ટ ચુકાદો આપશે. બપોરે બે વાગે નેશનલ એસેમ્બલીની બેઠક શરૂ થશે અને નવા વડાપ્રધાનની પસંદગી થશે.
ઈમરાન ખાન વિરુદ્ધ રવિવારે રાતે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થઈ ગયો હતો. નામાંકન વખતે શેહબાઝ ખાને કહ્યું કે, ‘રાષ્ટ્રીય સદ્ભાવ મારી પ્રાથમિકતા છે. અમે ભારત સાથે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ કાશ્મીર મુદ્દે ઉકેલ વિના તે શક્ય નથી. એટલે અમે કાશ્મીર મુદ્દે ભારત સાથે વાત કરીશું.’
ઈમરાન સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરીએ કહ્યું કે, શેહબાઝ શરીફ પીએમ બનશે તો તેમના વિરોધમાં અમારા તમામ સાંસદ રાજીનામું આપશે. જે દિવસે મની લોન્ડરિંગ કેસમાં વિશેષ કોર્ટ શેહબાઝ શરીફને નિર્દોષ જાહેર કરે તો જ તેઓ પીએમ પદની દાવેદારી કરી શકે.
હવે નવાઝ શરીફની ઘરવાપસીની તૈયારી
ભ્રષ્ટાચારના અનેક કેસનો સામનો કરી રહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફને પાકિસ્તાનના લાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. નવાઝ નવા બનનારા પીએમ શેહબાઝ શરીફના મોટા ભાઈ છે. ધરપકડથી બચવા તેઓ લંડનમાં રહે છે. આ અંગે પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક રાણા મોહમ્મદ તારીક હે છે કે, નવી સરકાર પહેલું કામ આ જ કરશે કારણ કે, શેહબાઝ આજે જે કંઈ છે, તે નવાઝ શરીફના કારણે છે. આગામી થોડા દિવસમાં જ નવાઝ શરીફ સામે ચાલતા તમામ કેસ પાછા ખેંચાઈ જશે. પાકિસ્તાન માટે આ નવી વાત નથી કારણ કે, પહેલા પણ આવું અનેકવાર થઈ ચૂક્યું છે.
ભારત સાથે વેપારી સંબંધ સુધારવાનો પ્રયાસ થશે
નવાઝ શરીફ અને શેહબાઝ શરીફ મોટા બિઝનેસમેન પણ છે. તેમની સાથે સંકળાયેલી કંપનીઓ ભારત સાથે વેપારી સંબંધ સુધારવા પ્રયત્નશીલ છે. એટલે આ દિશામાં પણ નવી સરકાર સક્રિય થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.