પાકિસ્તાનની પંચાત:શરીફ પરિવાર નવા પાક. આર્મી ચીફની વરણી કરશે, નવાઝની વાપસીની તૈયારી

ઈસ્લામાબાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીએમ શાહબાઝ ઈજિપ્તથી પાછા ફરતી વખતે કતાર થઇ ફ્લાઈટમાં લંડન પહોંચ્યા

હવે પાકિસ્તાનનું રાજકારણ નવા આર્મી ચીફની નિમણૂકને લઈને ગરમાયું છે. જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ 29 નવેમ્બરે પૂરો થશે. પાક. સરકાર ટોચના સ્તરે બેઠક યોજી રહી છે. પીએમ શાહબાઝ નાટકીય રીતે ઈજિપ્તથી પાક. પાછા ન ફરી કતાર જઈને ફ્લાઈટમાં સીધા લંડન પહોંચી ગયા.

જોકે તેમણે ઈજિપ્તથી પાક. પરત ફરવા અંગે ટવીટ પણ કરી હતી. લંડનમાં શરીફ પરિવારના દરેક સભ્યો એકઠાં થયા છે.નવાઝ શરીફ અને તેમની દીકરી મરિયમ નવાઝ પહેલાથી જ લંડનમાં હતા. રાજકીય નિષ્ણાત મતીન હૈદરે કહ્યું કે નવા આર્મી ચીફનું નામ નક્કી કરવા અંગે નવાઝ દખલ કરવા માગે છે. તેનાથી તેમના બે હિત જોડાયેલા છે. પ્રથમ - પોતાની ટૂંક સમયમાં પાક. વાપસી અને બીજો- ઈમરાનના રાજકીય હુમલાથી સુરક્ષાચક્ર બનાવવો.

જનરલ બાજવાના સેવા વિસ્તારની અટકળો પર પૂર્ણવિરામ, ફોટો જાહેર થયો
પાક. આર્મીની મીડિયા વિંગ ઈન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ(ISPR)એ જનરલ બાજવાના સેવા વિસ્તારની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધો છે. ISPRએ સિયાલકોટ અને મંગલા ગેરિસન પહોંચેલા જનરલ બાજવાનો ફોટો જાહેર કર્યો હતો. ISPRએ કહ્યું કે આ બાજવાની ફેરવેલ પાર્ટી હતી.

લે.જનરલ મુનીર સૌથી વરિષ્ઠ, ઈમરાન સાથે ખરાબ સંબંધ
બાજવા બાદ આર્મી ચીફ બનવાની રેસમાં લે.જનરલ આસીમ મુનીર સૌથી વરિષ્ઠ છે. મુનીર વર્તમાન આર્મી ચીફ બાજવાના નજીકના છે. મુનીર આઈએસઆઈ ચીફ પણ રહી ચૂક્યા છે પણ તત્કાલીન પીએમ ઈમરાન ખાનની નાપસંદને લીધે મુનીરને 8 મહિનામાં હટાવી દેવાયા હતા.

શમશાદ મિરઝા,અબ્બાસ અને હમીદનું નામ રેસમાં
નવા આર્મી ચીફ તરીકે લે.જનરલ શમશાદ મિરઝા, લે. જનરલ અઝહર અબ્બાસ અને લે.જનરલ ફૈઝ હમીદનું નામ પણ રેસમાં સામેલ છે. પાક.ના બંધારણ મુજબ પીએમની ભલામણ પર રાષ્ટ્રપતિ નવા આર્મી ચીફની નિમણૂક કરે છે. શાહબાઝ ગઠબંધનના સહયોગીઓ સાથે ચર્ચા કરશે.

ઈમરાનની પાર્ટીની લોન્ગ માર્ચ શરૂ, બંને દીકરા પાક. પહોંચ્યા
ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈની લોન્ગ માર્ચ ફરી શરૂ થઇ. તે વઝીરાબાદમાં એ જ સ્થળેથી શરૂ થઈ જ્યાં ઈમરાન પર હુમલો થયો હતો. ઈમરાનના દીકરા કાસીમ અને સુલેમાન પણ લંડનથી પાક.પહોંચ્યા. તે માર્ચમાં સામેલ નહીં થાય.

અન્ય સમાચારો પણ છે...