રાજકારણ ગરમાયું:પાક.માં સૈન્ય સૌથી ખરાબ તબક્કામાં, શાહબાઝ ઘેરાયા

ઈસ્લામાબાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનમાં શિયાળાના આગમન વચ્ચે રાજકારણ ગરમાયું છે. પૂર્વ પીએમ ઈમરાન ખાન પર હુમલા બાદ રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યાં છે. પાક. સૈન્ય તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાની સૈન્યએ પોતાના બચાવમાં આગળ આવવું પડ્યું છે. પીએમ શાહબાઝ શરીફ રાજકીય રીતે ઘેરાયા બાદ સૈન્યના ખોળામાં જઈ બેઠાં છે.

વુડરો વિલ્સન સેન્ટરના એશિયા પ્રોગ્રામના ડેપ્યુટી ડિરેક્ટર માઈકલ કુગેલમેને કહ્યું કે હાલના સમયે રાજકીય રીતે પાક.માં ગંભીર સ્થિતિ છે. ગમે ત્યારે ભડકો બોલાઈ શકે છે. ઈમરાન ખાને મંગળવારથી ઈસ્લામાબાદ માટે લોન્ગ માર્ચ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે.

પાકિસ્તાન પર 43 લાખ કરોડ રૂપિયાનું દેવું
પાકિસ્તાન પર લગભગ 43 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. તેના માટે પાકિસ્તાન ચીન, સાઉદી અરબ અને અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પર નિર્ભર છે. શાહબાઝ સરકારે લોનની મુદત વધારવા માટે ચીન અને આઈએમએફ જેવી એજન્સીઓને અપીલ કરી છે. આઈએમએફ સાથે નવી લોનની શરતો પૂરી કરવા શાહબાઝ સરકારે પેટ્રો પ્રોડક્ટની કિંમતો વધારી છે. તેના લીધે પાક.માં મોંઘવારી દર ઓલ ટાઈમ હાઈ 16 ટકાએ પહોંચી ગયો છે. વધતી મોંઘવારીને લીધે સામાન્ય નાગરિકો શાહબાઝ સરકારથી ભારે નારાજ છે.

FIR પર મામલો ગૂંચવાયો, પંજાબના IGનું રાજીનામુ
ઈમરાન પીએમ, મંત્રી અને મેજર જનરલ નસીર વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માગ પર અડગ છે. પંજાબમાં ઈમરાનના ગઠબંધન હેઠળની સરકાર છે પણ પંજાબના સીએમ, જનરલ નસીર સામે કેસ નોંધવા તૈયાર નથી. દરમિયાન ઈમરાનના દબાણ હેઠળ ઈલાહી એફઆઈઆર નોંધવા રાજી તો થયા પણ તેના પર પંજાબના આઈજી સક્કરે રાજીનામુ આપી દીધું.

ઈમરાનને અયોગ્ય જાહેર કરવા સૈન્યનો નવો દાવ
ગભરાયેલા સૈન્યએ ઈમરાનને ચૂંટણી લડવાથી અયોગ્ય જાહેર કરવા નવો દાવ ખેલ્યો છે. સૈન્યએ સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે કે તે બંધારણની એ કલમનો ઉપયોગ કરે જેમાં સૈન્ય અને ન્યાયપાલિકા વિરુદ્ધ આરોપ લગાવનારાને અયોગ્ય જાહેર કરવાની જોગવાઈ છે પણ શાહબાઝ સરકાર વળતા પ્રહારના ડરથી આ જોગવાઈનો ઉપયોગ કરતા બચી રહી છે.

મે.જનરલ નસીરની ઘેરાબંદી તેજ થઈ
પીટીઆઈએ હુમલાના દોષિત પીએમ શાહબાઝ, તેમના મંત્રી સનાઉલ્લાહ અને મેજર જનરલ ફૈસલ નસીરને ગણાવ્યા છે. પીટીઆઈ પ્રવક્તા અસદ ઉમરે કહ્યું કે આ લોકો પાસે હુમલાની જાણકારી પહેલાથી જ હતી. ત્રણેયને પદેથી હટાવવામાં આવે. જો આવું નહીં થાય તો આખા દેશમાં ઉગ્ર દેખાવો કરાશે.

અન્ય સમાચારો પણ છે...