યુએનનો રિપોર:ચીનમાં મુસ્લિમ મહિલાઓનું જાતીય ઉત્પીડન, પુરુષોની પરાણે નસબંધી, ગુલામો જેવું વર્તન

જિનિવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિનજિયાંગમાં ઉગ્રવાદ-આતંકવાદ રોકવાના નામે હેવાનિયત

ચીનમાં માનવાધિકારોના ધજાગરા ઊડી રહ્યા છે. શિનજિયાંગમાં ઉઇગર, વંશીય અને ધાર્મિક લઘુમતીઓ હેવાનિયતનો શિકાર છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીન આતંકવાદ અને ઉગ્રવાદ સામે કાર્યવાહીના નામે અત્યાચાર કરી રહ્યું છે. શિનજિયાંગમાં ઉઇગર તથા અન્ય મુસ્લિમ સમૂહોને 2017થી 2019 દરમિયાન તેમના મૂળભૂત અધિકારોથી વંચિત કરી દેવાયા. તેમને બંધક બનાવી યાતનાઓ અપાઇ રહી છે. મુસ્લિમ મહિલાઓ સાથે દુષ્કર્મના બનાવ બની રહ્યા છે તો પુરુષોની પરાણે નસબંધી કરી દેવાય છે. તેમની સાથે ગુલામો જેવું વર્તન કરાય છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે ચીનમાં થઇ રહેલો આ અત્યાચાર માનવતા વિરુદ્ધનો ગુનો છે.

10 લાખ ઉઇગરોને શિબિરોમાં કેદ કરી રખાયા છે
બંદી શિબિરોમાં 10 લાખ ઉઇગરો કેદ છે. 45 પેજના આ રિપોર્ટમાં મોટી સંખ્યામાં ઉઇગર મુસ્લિમો લાપતા હોવાનો પણ દાવો કરાયો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જણાવાયું છે કે ચીને તેના રોજગાર નિયમો અને નીતિઓ વૈશ્વિક માપદંડોને અનુરૂપ કરવા જોઇએ. ચીનમાં જાતિ અને ધર્મના આધારે લોકોને ટારગેટ કરાય છે. ભેદભાવપૂર્ણ વર્તનને કારણે ઉઇગરો શોષિત અને દબાયેલા-કચડાયેલા હોવાનું અનુભવે છે.

મિશેલે ટર્મ પૂરી થવાની 13 મિનિટ પહેલાં રિપોર્ટ જારી કર્યો
સંયુક્ત રાષ્ટ્રનાં હાઇ કમિશનર ફોર હ્યુમન રાઇટ્સ મિશેલ બેચલેટે ચીનમાં માનવાધિકારો અંગેનો આ રિપોર્ટ તેમનો કાર્યકાળ પૂરો થવાની 13 મિનિટ પહેલાં જારી કર્યો. તેઓ ગત ડિસે.માં રિપોર્ટ જારી કરવાનું કહેતાં હતાં પણ ચીને વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે તેમની ટીકા પણ થઇ હતી.

ઉઇગરોએ કહ્યું- અપાર યાતનાઓ અપાઇ, જીવન નરક બન્યું
રિપોર્ટમાં જણાવાયું છે કે ચીનના કાયદા માનવાધિકારોના માર્ગમાં મોટો અવરોધ છે. રિપોર્ટમાં 40થી વધુ ઉઇગરો, કઝાખ અને કિર્ગીઝ લઘુમતીઓ સાથે વાત કરાઇ. તેમણે જણાવ્યું કે તેમણે શિનજિયાંગમાં કેદ રહીને જુદી-જુદી જગ્યાએ કામ કર્યું, જીવન નરક જેવું હતું.

આ રિપોર્ટ અમને બદનામ કરવા તૈયાર કરાયો છે: ચીન
માનવાધિકાર જૂથો અને જાપાન સરકારે આ રિપોર્ટને આવકાર્યો છે જ્યારે ચીને એમ કહીને રિપોર્ટ ફગાવ્યો કે તે ચીનવિરોધી બળોએ ફેલાવેલી ખોટી માહિતીઓ પર આધારિત છે. આ ચીનને બદનામ કરવાની ચાલ છે અને દેશની આંતરિક બાબતોમાં દખલ છે.

તાઇવાનના લોકોના હાલ ઉઇગરો જેવા થઇ શકે: એજન્સી
ધાર્મિક સ્વતંત્રતા પર દેખરેખ રાખતી અમેરિકી એજન્સીએ ચેતવણી આપી છે કે ચીન હુમલો કરશે તો તાઇવાનના લોકોના ઉઇગરો જેવા હાલ થઇ શકે છે. એજન્સીના અધ્યક્ષ નુરી તુકરેલેએ કહ્યું કે તાઇવાન પોતાનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યું તો સ્થિતિ ભયાવહ હશે.

અન્ય સમાચારો પણ છે...