અમેરિકાના કેલિફોર્નિયામાં શુક્રવારે એક અચરજ પમાડતી ઘટના બની છે. આ ઘટનામાં કેલિફોર્નિયાના કાલર્સબેડ હાઇવે પરથી પસાર થઇ રહેલા એક ટ્રકનો પાછળનો દરવાજો અચાનક ખૂલી ગયો હતો અને તેમાં ડોલરથી ભરેલી અનેક બેગો હતી જે હવામાં ઝડપથી ઉડવા લાગી હતી અને બેગમાં ભરેલા ડોલર રસ્તા પર ઉડી રહ્યા હતા. જાણે કે હાઇવે પર ડોલરનો વરસાદ થયો હતો.
થોડીવાર માટે તો એવું જ લાગ્યું કે રસ્તા પર નોટોનો વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હાઇવે પરથી પસાર થઈ રહેલા લોકોએ પોતાની કાર સાઇડમાં પાર્ક કરીને તેઓ પણ રસ્તા પર પડેલા ડોલર લૂંટવા લાગ્યા હતા. જે જ્યાં હતા ત્યાં જ રોકાઈ ગયા અને ડોલર ભેગા કરી રહ્યા હતા. આ દરમિયાન હાઇવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.
ટ્રક ડ્રાઈવર સાથે લોકોનું ઘર્ષણ થયું
પોલીસ અધિકારીઓએ જણાવ્યુ હતું કે આ ઘટના કાલર્સબેડમાં ઇન્ટર સ્ટેટ હાઇવે-5 પર સવારે 9:15 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ટ્રક સેન ડિએગોથી ફેડરલ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કોર્પની એક ઓફિસ તરફ જય રહ્યો હતો. રસ્તા પર ઉડી રહેલા ડોલરને જોઈને અનેક લોકો પોતાની કાર સાઇડમાં ઊભી રાખીને ડોલર લૂંટવા લાગ્યા હતા. આ દરમિયાન ટ્રકના ડ્રાઇવરે વિરોધ કર્યો હતો ત્યારે લોકોએ તેની સાથે ઝપાઝપી કરી હતી.
20 ડોલરની નોટોથી ભરેલી હતી બેગ
કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલ સર્જેન્ટ કર્ટિસ માર્ટિને કહ્યું- ઘટના સવારે સવા નવ વાગે બની હતી. ટ્રકમાં ડોલરથી ભરેલી અનેક બેગો હતી જે રસ્તા પર પડી ગઈ હતી. ટ્રક પૂર ઝડપે જઇ રહ્યો હતો જેથી બેગ ખૂલી ગઈ હતી અને તેમાં રહેલા ડોલર રસ્તા પર ઉડવા લાગ્યા હતા.
પોલીસને આ ઘટનાની જાણ થતાં જ તેમણે હાઈવેને બંને તરફથી સીલ કરી દીધો હતો. જો કે લગભગ 2 કલાકની ભારે જહેમત બાદ હાઇવે ફરીથી ખોલી દેવામાં આવ્યો હતો.
ડોલર લૂંટી રહેલા લોકો રસ્તા પર ડાન્સ કરી રહ્યા હતા
રસ્તા પર ડોલર જોઈને લોકો પાગલની જેમ કૂદી-કૂદીને નાચી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે લોટરી લાગી ગઈ. જે જ્યાં પણ હતા થા બંને હાથોથી ડોલર ભેગા કરી રહ્યા હતા. કેટલાક લોકોટો બંને હાથોમાં ડોલર લઈને ખુશીને કારણે મોટે મોટેથી બૂમો પાડી રહ્યા હતા અને ડાન્સ કરી રહ્યા હતા. તેમાં મહિલાઓ અને પુરુષો બંને સામેલ હતા. તેમાથી કેટલાક લોકો ડોલર એકઠા કરવાની સાથે વીડિયો પણ બનાવી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરવામાં આવ્યા છે અને ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
પોલીસે લોકોને ચેતવણી આપી
ઘટના બાદ ટ્રક ચાલકે હાઇવે પેટ્રોલિંગ પોલીસને જાણ કરી હતી. આ પછી, સ્થળ પર પહોંચેલી પોલીસે નોટ લૂંટી રહેલા લોકોને ચેતવણી આપી અને તેમને નોટો જમા કરાવવા કહ્યું હતું. જો કે આ દરમિયાન કેટલાક લોકોએ ડોલર પાછા આપીને જમા કરાવ્યા જ્યારે કેટલાક લોકો ડોલર લઈને કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા.
જો કે પોલીસે આ ઘટના બાબતે વિશેષ ચેતવણી જાહેર કરી છે. તેમણે લોકોને જણાવ્યુ છે કે જો તેઓ ડોલર જમા નહીં કરાવે ટો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ ડોલર જમા કરાવે નહીં ટો પોલીસ કાર્યવાહી માટે તૈયાર રહે.
FBI કરી રહ્યું છે આ ઘટનાની તપાસ
અમેરિકાની તપાસ એજન્સી FBI પણ આ મામલે તપાસ કરી રહ્યું છે. જો કે હજી અધિકારીઓએ તે જણાવ્યુ નથી કે કેટલા ડોલર ગુમ થયા છે. સેન ડિએગો યુનિયન-ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ શુક્રવારે બપોર સુધીમાં ઓછામાં ઓછા એક ડઝન લોકોએ ડોલર જમા કરવી દીધા હતા. અધિકારીઓએ જણાવ્યુ હતું કે કેટલાકા લોકોએ મોટા પ્રમાણમાં ડોલર એકઠા કર્યા હતા જે તેઓએ જમા કરાવી દીધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.