સ્વિડનના સ્વાંતે પાબોને મેડિસિનનું નોબેલ મળ્યું:40 હજાર વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયેલી માનવ પ્રજાતિનું DNA સિક્વન્સિંગ કર્યું

2 મહિનો પહેલા

સ્વિડિશ વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને ફિઝિયૉલૉજી/મેડિસિન માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. લુપ્ત થઈ ગયેલા નિએન્ડરથલ માનવના જીનોમનો સિક્વન્સ તૈયાર કરવા બદલ તેમને આ એવોર્ડ મળ્યો છે. નિએન્ડરથલ માનવીઓ 40,000 વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયા હતા, જેમના જીનોમની શોધ સ્વાંતે પાબો દ્વારા કરવામાં આવી છે.

ધ નોબલ કમિટીના સેક્રેટરી થોમસ પર્લમેને વિજેતાના નામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પાબોએ તેમના પ્રારંભિક સંશોધનમાં કંઈક એવું કર્યું જે સંપૂર્ણપણે અશક્ય હતું. તેમણે વધુમાં કહ્યું કે આ નોબેલ પુરસ્કાર સાથે 2022માં જાહેર થનારા પુરસ્કારોની શરૂઆત થઈ. આ કાર્યક્રમ એક સપ્તાહ સુધી ચાલશે.

10 ઓક્ટોબર સુધી ચાલશે કાર્યક્રમ
થોમસ પર્લમેનના જણાવ્યા અનુસાર 4 ઓક્ટોબરે ફિઝિક્સ માટેના પુરસ્કારની જાહેરાત કરવામાં આવશે. 5 ઓક્ટોબરે કેમિસ્ટ્રી માટેના નોબેલની જાહેરાત અને સાહિત્ય માટેના નોબેલની 6 ઓક્ટોબરે જાહેરાત કરવામાં આવશે. જ્યારે 7 ઓક્ટોબરે નોબેલ શાંતિ પુરસ્કાર અને 10 ઓક્ટોબરે ઈકોનોમિક્સ કેટેગરીના એવોર્ડની જાહેરાત કરવામાં આવશે.

સ્વાંતે પાબો એ સ્વિડિશ જિનેટિસિસ્ટ છે જે ઉત્ક્રાંતિ જિનેટિક્સમાં નિષ્ણાત છે. તેમણે પેલેઓજેનેટિક્સના ફાઉન્ડર તરીકે નિએન્ડરથલ જીનોમ પર વ્યાપકપણે કામ કર્યું છે. તેમના ગ્રુપે લુપ્ત થયેલા હોમિનિનમાંથી કેટલાક વધારાના જીનોમ સિક્વન્સનું વિશ્લેષણ પૂર્ણ કર્યું છે. પાબોની શોધે એક અનોખા સંસાધનની સ્થાપના કરી છે.

માનવ ઉત્ક્રાંતિ અને સ્થળાંતરને વધુ સારી રીતે સમજવા માટે વૈજ્ઞાનિક સમુદાય દ્વારા તેનો વ્યાપક ઉપયોગ થાય છે. હાલમાં તેઓ જર્મનીમાં મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇવોલ્યુશન એન્થ્રોપોલોજી સાથે સંકળાયેલા છે. આ સિવાય તે ઓકિનાવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી જાપાનનો પણ એક ભાગ છે.

કોણ હતા નિએન્ડરથલ માનવ?

નિએન્ડરથલ માનવ હોમો વંશનો લુપ્ત સભ્ય છે. જર્મનીની નિએન્ડર ઘાટીમાં આદિમ માનવોના કેટલાક હાડકાં મળી આવ્યા હતા, જેના આધારે તેમને નિએન્ડરથલ માનવ નામ આપવામાં આવ્યું હતું. તેમનું કદ અન્ય માનવો કરતા નાનું હતું. અત્યાર સુધીના અભ્યાસમાંથી મળેલી માહિતી અનુસાર તેમની ઉંચાઈ 4.5થી 5.5 ફૂટ સુધીની હતી. અભ્યાસ અનુસાર તેમના વાળનો રંગ કાળો હતો અને તેમની સ્કિન પીળી હતી. તે પશ્ચિમ યુરોપ, પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં રહેતા હતા. આર્કિયોલોજિસ્ટનું કહેવું છે કે તે લગભગ 1.60 લાખ વર્ષ પહેલા પૃથ્વી પર રહેતા હતા.

નોબેલ પુરસ્કારની સ્થાપના ક્યારે થઈ

નોબેલ પુરસ્કારની સ્થાપના 1895માં કરવામાં આવી હતી. આ પુરસ્કારો વૈજ્ઞાનિક અને શોધક અલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલની વસીયતના આધારે આપવામાં આવે છે. 1901માં પ્રથમ વખત નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં નોબેલ માત્ર ફિઝિક્સ, મેડિસિન, કેમિસ્ટ્રી, સાહિત્ય અને શાંતિના ક્ષેત્રમાં આપવામાં આવતું હતું. બાદમાં અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં પણ નોબેલ એનાયત કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં વિશ્વભરમાંથી 975 વ્યક્તિઓ અને સંસ્થાઓને 609 નોબેલ પુરસ્કાર મળ્યા છે.